જાડેજા, રવીન્દ્ર

March, 2023

જાડેજા, રવીન્દ્ર (જ. 6 ડિસેમ્બર 1988, નવાગામ) : ટેસ્ટ ક્રિકેટના વિશ્વના વર્તમાન સમયના સર્વશ્રેષ્ઠ ઓલ- રાઉન્ડર.

4 માર્ચ, 2022ના રોજ મોહાલીના પંજાબ ક્રિકેટ ઍસોસિયેશનના મેદાન ઉપર શ્રીલંકા સામેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ રમાઈ. ભારત તરફથી સૌ પ્રથમ વખત સુકાનીપદ સંભાળતા રોહિત શર્માએ ટૉસ જીતી પ્રથમ બૅટિંગ પસંદ કરી. સારી શરૂઆત પછી ભારતીય ટીમે માત્ર 228 રનમાં પાંચ મહત્વની વિકેટ ગુમાવી. આ સમયે ઓલ રાઉન્ડર રવીન્દ્ર જાડેજા વિકેટકીપર ઋષભ પંત સાથે જોડાયા. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 104 રન જોડ્યા ત્યારબાદ પંત આઉટ થતાં રવિચંદ્ર અશ્વિન જાડેજાની સાથે જોડાયો. બંનેએ સાતમી વિકેટ માટે 130 રન જોડ્યા. છેલ્લે નવમી વિકેટ માટે મહંમદ શમીએ જાડેજાને મજબૂત સાથ આપતાં બંનેએ અણનમ 103 રન જોડ્યા. આ સમયે સુકાની રોહિત શર્માએ ભારતનો દાવ પૂરો થયેલ જાહેર કરતાં જાડેજા 175 રને અણનમ રહ્યો.

સૌરાષ્ટ્ર તરફથી રણજી ટ્રૉફી રમતા અને જામનગર જિલ્લાના નવાગામ ખેડ ખાતે 6 ડિસેમ્બર, 1988ના રોજ જન્મેલ જાડેજાએ સાતમા ક્રમે બૅટિંગ કરતાં સૌથી વધુ રનનો કપિલ દેવના 163 રનનો ભારતીય વિક્રમ પોતાના નામે કર્યો. ભારતના 574 રનના વિશાળ સ્કૉરનો પીછો કરતાં બીજા દિવસની રમતના અંતે શ્રીલંકાએ ચાર વિકેટ ગુમાવી 108 રન કર્યા. રવિન્દ્ર જાડેજા બીજા દિવસે બૅટિંગથી છવાઈ ગયો તો ત્રીજા દિવસે પોતાની લેફ્ટ આર્મ બૉલિંગથી છવાઈ ગયો. ત્રીજા દિવસની શરૂઆતમાં જાડેજાએ શ્રીલંકાની ટીમને 174 રનમાં આઉટ કરવામાં મહત્વનો ફાળો આપ્યો. તેણે માત્ર 41 રન આપી શ્રીલંકાની 5 વિકેટ લીધી. પ્રથમ દાવમાં સદી તો કરી જ હતી. આમ તેણે એક જ ટેસ્ટમાં સદી અને 5 વિકેટની અનોખી સિદ્ધિ મેળવી. ભારત તરફથી અગાઉ આવી સિદ્ધિ માત્ર વિનુ માંકડ, પોલી ઉમરીગર અન રવિચંદ્રન અશ્વિન જ નોંધાવી શક્યા હતા. બીજા દાવમાં પણ જાડેજાએ 46 રન આપી 4 વિકેટ લીધી. આમ એક જ ટેસ્ટમાં 150થી વધુ રન અને 9 વિકેટ લેનાર તે વિશ્વનો એક માત્ર ખેલાડી બન્યો. જાડેજાના આ ઑલરાઉન્ડ દેખાવના કારણે તે ઑલરાઉન્ડરના રેટિંગમાં ટોચના સ્થાને આવી ગયો. જોકે આવી સિદ્ધિ તે ત્રણ વર્ષ અગાઉ પણ મેળવી ચૂક્યો હતો.

13 ડિસેમ્બર, 2012ના રોજ ઇંગ્લૅન્ડ સામેની વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં પોતાની પ્રથમ મૅચ રમનાર જાડેજા મોહાલી ટેસ્ટ સુધીમાં 58 ટેસ્ટમાં 2370 રન અને 241 વિકેટ લઈ ચૂક્યો છે અને 145 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં 2000 રન અને 200 વિકેટ લેનાર તે વિશ્વનો માત્ર 21મો અને ભારતનો પાંચમો ખેલાડી છે. પોતાની 53મી ટેસ્ટમાં આવી સિદ્ધિ મેળવનાર જાડેજા ઇયાન બોથામ (42) કપિલ દેવ (50) ઇમરાન ખાન (50) અને રવિચંદ્રન અશ્વિન (51) પછી સૌથી ઓછી ટેસ્ટમાં આવી સિદ્ધિ મેળવનાર વિશ્વનો માત્ર પાંચમા નંબરનો ખેલાડી બન્યો.

વર્ષ 2005માં માત્ર 16 વર્ષની વયે ભારત તરફથી અંડર 19 ટીમમાં સૌપ્રથમ વખત રમનાર જાડેજાને તેના સાતત્યપૂર્ણ દેખાવના લીધે 2008માં અંડર 19 વિશ્વકપ સ્પર્ધા માટેની વિરાટ કોહલીના સુકાની પદ હેઠળ રમનારી ભારતીય ટીમમાં તેને ઉપસુકાની બનાવવામાં આવ્યો. મલેશિયામાં રમાયેલ આ વિશ્વકપમાં ભારતીય ટીમ વિજેતા બની.

સરના નામથી તેના ટીમ મેટમાં ઓળખાતા રવીન્દ્ર જાડેજા માટે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનાં દ્વાર ખૂલી ગયાં હતાં. 8 ફેબ્રુઆરી, 2009ના રોજ શ્રીલંકા સામે કોલંબોના આર.પી.એસ.ના મેદાનમાં સૌપ્રથમ વન ડે રમવા મળી. આ મૅચમાં તેણે માત્ર 77 દડામાં શાનદાર 60 રન કરી પોતાની પસંદગીને યથાર્થ સાબિત કરી. અત્યાર સુધીમાં જાડેજાએ કુલ 168 વન ડે મૅચમાં 32.58ની સરેરાશથી 2411 અને 37.36ની સરેરાશથી 188 વિકેટ લીધી છે. આમ વન ડેમાં 2000થી વધુ રન અને 150થી વધુ વિકેટ લેનાર તે વિશ્વનો માત્ર ત્રીજે ઑલરાઉન્ડર છે.

2006-07ની સિઝનમાં વેસ્ટઝોન તરફથી દુલિપ ટ્રૉફીમાં રમી માત્ર 18 વર્ષની વયે પ્રથમ કક્ષાના ક્રિકેટમાં પ્રવેશ મેળવનાર જાડેજા રણજી ટ્રૉફીમાં સૌરાષ્ટ્ર તરફથી રમતાં ત્રણ વખત ત્રેવડી સદી નોંધાવી ચૂક્યો છે. સૌપ્રથમ આવું પરાક્રમ તેણે નવેમ્બર 2011માં ઓરિસા સામે માત્ર 375 દડામાં 314 રન નોંધાવી કર્યું હતું. બીજી ત્રેવડી સદી તેણે નવેમ્બર 2012માં ગુજરાત સામે સૂરત ખાતે અણનમ 303 રન કર્યા. એ જ સિઝનમાં તેણે રેલવે સામે રમતાં ડિસેમ્બર 2012માં 501 દડામાં 331 રન કરી ત્રીજી ત્રેવડી સદી નોંધાવી હતી. આમ પ્રથમ કક્ષાના ક્રિકેટમાં ત્રણ ત્રેવડી સદી કરનાર તે ભારતનો એક માત્ર અને વિશ્વનો આઠમો ખેલાડી બન્યો છે.

વર્ષ 2012-13ના રણજી ટ્રૉફીના જાડેજાના આવા દેખાવના લીધે તેને ઇંગ્લૅન્ડ ટીમના ભારતના પ્રવાસની નાગપુર ટેસ્ટમાં સૌપ્રથમ વખત ટેસ્ટ રમવાની તક મળી. પોતાની આ પ્રથમ ટેસ્ટમાં તેણે 70 ઓવરમાં માત્ર 117 રન આપી 3 વિકેટ ઝડપી. તેના આ દેખાવથી પ્રભાવિત થયેલ ભારતીય પસંદગી સમિતિએ જાડેજાને ફેબ્રુઆરી-માર્ચ 2013માં ઑસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટની શ્રેણીમાં પસંદ કર્યો. તેણે ચારેય ટેસ્ટ રમી 24 વિકેટ ઝડપી જેમાં છેલ્લી ટેસ્ટના બીજા દાવમાં તો તેણે 48 રનમાં 7 વિકેટ લઈ પોતાની કારકિર્દીનો શ્રેષ્ઠ દેખાવ કર્યો.

ભારત તરફથી ટેસ્ટ અને વન ડે ટીમના નિયમિત સદસ્ય બની ચૂકેલ જાડેજાએ ફરીથી જ્યારે 2017માં સ્ટીવ સ્મિથના સુકાની પદ હેઠળ ચાર ટેસ્ટ રમવા આવેલા ઑસ્ટ્રેલિયાની ટીમ સામે ચારેય ટેસ્ટ રમી 25 વિકેટ ઝડપી જ્યારે બૅટિંગમાં પણ તેણે પોતાનો પ્રભાવ બતાવી બે અડધી સદી નોંધાવી. એમાં પણ ધર્મશાલામાં રમાયેલ શ્રેણીની અંતિમ ટેસ્ટમાં ભારતના 332 રનના સ્કોરમાં 63 રન કરી ભારતીય ટીમમાં સૌથી વધુ રન કરનાર બન્યો. સાથે સાથે તેણે 81 રન આપી 4 વિકેટ પણ ઝડપી તેના આ દેખાવના કારણે ભારત આ ટેસ્ટ 8 વિકેટથી જીતી ગયું. સાથે સાથે શ્રેણી પણ 2 વિ. 1થી જીતી ગયું. જાડેજાના ઑલરાઉન્ડ દેખાવના કારણે તેને આ ટેસ્ટમાં મૅન ઑફ ધ મૅચનો અને શ્રેણી દરમિયાન શ્રેષ્ઠ દેખાવ બદલ મૅન ઑફ ધ સિરીઝનો ઍવૉર્ડ આપવામાં આવ્યો. આ જ શ્રેણી દરમિયાન તેણે ટેસ્ટમાં હજાર રન અને 100 વિકેટની ઑલરાઉન્ડ સિદ્ધિ મેળવી. જાડેજા ભારતનો માત્ર દસમો એવો ક્રિકેટર બન્યો જેણે આવી સિદ્ધિ મેળવી હોય.

2008-09ની રણજી ટ્રૉફીમાં સૌથી વધુ વિકેટ લેવા બદલ જાડેજાને માધવરાવ સિંધિયા ઍવૉર્ડ આપવામાં આવેલ અને છેલ્લાં દસ વર્ષથી ભારતીય ટીમના પ્રમુખ ઑલરાઉન્ડર બની ચૂકેલ જાડેજાને વર્ષ 2019માં ભારત સરકાર તરફથી અર્જુન ઍવૉર્ડથી સ્માનિત કરવામાં આવ્યો. ભારતીય ટીમના આ સક્ષમ ઑલરાઉન્ડર પાસેથી તેના ચાહકો ભવિષ્યમાં આવી અનેક સિદ્ધિઓ નોંધાવે તેવી અપેક્ષા રાખે તો તે બિલકુલ યોગ્ય જ હશે !

જગદીશ શાહ