જહાજવાડો : દરિયા કે નદીકિનારે આવેલું જહાજ બાંધવાનું સુરક્ષિત સ્થળ. જહાજવાડાના સ્થળની પસંદગી માટે સમુદ્રનું સામીપ્ય (sea approach) અને દરિયાઈ સ્થિતિ (marine condition), સમુદ્રતળ અને તળ નીચેની ભૂમિ (sub-soil), પાયા માટેનું સખત ભૂપૃષ્ઠ, વાહનવ્યવહારની સગવડ, વીજળી અને મીઠા પાણીના પુરવઠાની સુલભતા, ઔદ્યોગિક માળખું વગેરે લક્ષમાં લેવાય છે.
જહાજવાડાના સ્થળે દરિયો શાંત હોવો જોઈએ અને ઝડપી દરિયાઈ પ્રવાહ અને વાવાઝોડાં કે તોફાનથી મુક્ત હોવો જોઈએ. પાણી ઉત્તરોત્તર ઊંડું હોય તે ઇચ્છવાજોગ છે.
જહાજ બાંધવા માટે સાગ, સાજડ, સાલ, સીસમ અને ક્યારેક આંબાનું લાકડું વપરાય છે. સાગના લાકડાને સડો લાગતો નથી કારણ કે તે તૈલી છે અને તેને પાણીની અસર થતી નથી અને જંતુઓ નુકસાન કરતા નથી. માટે જહાજના પાણીમાં રહેતા તળિયાના ભાગ અને અન્ય ભાગ માટે સાગ વપરાય છે. પશ્ચિમના દેશોમાં ઓકનું લાકડું વપરાય છે. ઓકના લાકડાનાં જહાજો પંદર વરસ સુધી વપરાશમાં રહે છે, જ્યારે સાગના લાકડાનું વહાણ 50થી 60 વરસ સુધી ટકે છે. બરફની વચ્ચે ફસાઈ ગયેલ સાગના લાકડાનું વહાણ દબાણ કે ભીંસને કારણે ભાંગી જતું નથી, જ્યારે ઓકના લાકડાનું જહાજ બરફના તોફાનમાં મુશ્કેલીમાં મુકાય છે. ભારતમાં મલબાર અને બ્રહ્મદેશના પેગુના સાગના લાકડાનો ઉપયોગ થતો હતો. પણ મલબારનું સાગનું લાકડું ખૂબ મોંઘું છે. ગુજરાતમાં ડાંગનું સાગનું લાકડું વપરાતું હતું પણ તે પણ ખૂબ મોંઘું છે. તેથી મધ્યપ્રદેશ, આસામ, મલેશિયા વગેરેનું સાગનું લાકડું વપરાય છે. વહાણનું ખોખું (hull), તળિયું (bottom), બાજુનાં કૂખિયાં, પઠાણ, મોરાના સ્તંભો, કૂવાસ્તંભ (mast) વગેરે માટે સાગ વપરાય છે. આંબાનું લાકડું પોચું છે અને તેને સડો તથા જંતુની વહેલી અસર થાય છે. બેંટિક (નાંદી), સાજડ અને અંજેલીનો પણ બાંધકામમાં ઉપયોગ થાય છે.
જહાજના બાંધકામ માટે લોખંડ કે માઇલ્ડ કે કાર્બન સ્ટીલનાં પતરાં, ખીલા, દોરડાં વગેરે સામગ્રી ઉપલબ્ધ થવી આવશ્યક છે. હાલ ફેરો-મૅંગેનીઝ, પ્લાસ્ટિક, ઍલ્યુમિનિયમ, ફાઇબર ગ્લાસ વગેરેનો ઉપયોગ મચ્છીમારી માટેની હોડીઓ માટે થાય છે. સામાન્ય પોલાદને કાટ ચડે છે પણ કાર્બન કે માઇલ્ડ સ્ટીલ ઉપર કાટની અસર ઘણી ધીમી થાય છે. વિશિષ્ટ પ્રકારનો રંગ પોલાદ પર લગાડવાથી પણ કાટની નહિવત્ અસર થાય છે. આથી સ્ટીમર બાંધવા તેનો ઉપયોગ થાય છે. ઉષ્ણકટિબંધમાં પોલાદની હોડી કે સ્ટીમરનું આયુષ્ય 15-20 વર્ષ હોય છે. ઍલ્યુમિનિયમ વાપરવાથી પાણીનું શોષણ, કોહવું, કાટ ચડવો વગેરે પ્રક્રિયા થતી નથી. ફાઇબર ગ્લાસ, રીઇનફોર્સ્ડ પ્લાસ્ટિક સુકાન માટે આદર્શ કાચો માલ ગણાય છે. તેની ઉપર ઍલ્યુમિનિયમની માફક હાનિકારક અસર થતી નથી. પોરબંદર અને માંગરોળમાં આ ધાતુઓનો ઉપયોગ કરી મચ્છીમારી માટેની હોડીઓ બને છે. ફાઇબર ગ્લાસ વધુ ટકાઉ છે અને જાળવણી, રંગકામ વગેરેનો તેમાં ખર્ચ ભાગ્યે જ થાય છે. તેમાં હવા ભરેલી ટાંકીની રચના હોવાથી તે ડૂબતી પણ નથી. 20 મીટરથી વધારે લાંબી હોડી ને મોટાં જહાજો માટે જોકે પોલાદનો જ ઉપયોગ થાય છે. 1818માં જહાજો બાંધવા લોખંડનો અને 1880 પછી પોલાદનો ઉપયોગ શરૂ થયો હતો. 1950થી સંપૂર્ણપણે વેલ્ડિંગ કરાયેલાં જહાજો જોવા મળે છે.
વહાણનું બાંધકામ સૌથી નીચેના પઠાણ (keel) તથા સાજ ઉપર મોરનાં (આગળનાં) તથા પડખાનાં કૂખિયાં, પસ વગેરે ઊભા લાકડા જડીને અંદરની બાજુએ થોડે થોડે અંતરે સાજડનાં પાટિયાં આડાં જડાય છે. તેવી જ રીતે બહારની બાજુએ પડખોપડખ આવે એમ ખલનાં સાપણ વગેરે પાટિયાં જડાય છે. આમ ખોખું તૈયાર થયા પછી પાટિયાંના સાંધામાંથી પાણી ન ઝમે તે માટે તેને (અળશીના) તેલવાળી રૂની વાટોથી ઠાંસીને ભરી દેવામાં આવે છે અને પછી રંગ કે અળશીનું તેલ કે ચૂનાની ચોપડ કરવામાં આવે છે. ચુસ્ત રીતે એકબીજી સાંધની ધાર એવી રીતે મેળવવામાં આવે છે કે પાટિયાં જુદાં પડી જતાં નથી. બે બાજુનાં પડખાં જુદાં ન પડી જાય તે માટે થોડે થોડે અંતરે તેને ધોકાથી ઝલાવવામાં આવે છે. આગલો અને પાછલો મોરો (stem, stern) તૈયાર થયા પછી પાછળના ભાગમાં સુકાન બેસાડવામાં આવે છે અને અંદરનો માલ ન ભીંજાય તે માટે ઉપરના ભાગમાં પાટિયાં જડી ભોંયરા જેવું કરી લેવામાં આવે છે. માલ ભરવાના નીચેના ભાગને ધોરો કહે છે અને પાટિયાંના પ્લૅટફૉર્મને સથો કહે છે. આ સથા ઉપર પાછલા મોરા પાસે મજલા જેવું કરી લેવામાં આવે છે. તેને છતેડી કહે છે અને ત્યાં સુકાની બેસીને વહાણને કાબૂમાં રાખે છે. છતેડીના વચલા ભાગમાં ખૂવો કે કૂવાસ્તંભ ઊભો કરાય છે. તેના ઉપર ચડે-ઊતરે તેવું લાકડું – પરમણ હોય છે. તેને સઢ બંધાય છે. ઉપરાંત બીજાં જરૂરી દોરડાં વગેરે દ્વારા આલાદથી વહાણ તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત લંગર, પાણીની ટાંકી, રાંધવાનો ચૂલો કે સગડી, દિશા નક્કી કરવા માટેનું હોકાયંત્ર વગેરે સાધનો રખાય છે. પાયખાના તરીકે એક ઘોડી ડાબે પડખે બહાર લટકાવવામાં આવે છે. વહાણ મોટું હોય તો વધારાના ખૂવા છતેડી ઉપર ઊભા કરાય છે અને તેના ઉપર સઢ ચડાવવામાં આવે છે. વહાણ બંધાઈ રહે પછી તેનું નામ પડાય છે. દા.ત. લક્ષ્મીપ્રસાદ, દરિયાદોલત, સુગાલ પસા, મિજલસ, ફતેહ મહંમદ, ગંજ સવાઈ વગેરે. વહાણખેડુઓ ખીચડી, કોયલો, પવતિયો વગેરે હુલામણાનાં નામ પાડે છે.
વહાણ જેટલું ઊંડું તેથી બમણું પહોળું અને જેટલું પહોળું તેથી બમણું લાંબું રખાય છે. પઠાણ જેવડો ખૂવો કે કૂવાસ્તંભ રખાય છે અને પરમણ વહાણની લંબાઈ જેવડું રખાય છે. હોકાયંત્ર ઉપરાંત અન્ય સાધન કમાન છે. વહાણના બહારના ભાગમાં મગર, મોર વગેરેનાં ચિત્રો પણ જોવા મળે છે. મોરાનો ભાગ મોર, બગલો કે હંસની ડોક જેવો ઊંચો પ્રાચીન વહાણોનાં ચિત્રોમાં જોવા મળે છે. છીછરા પાણીમાં પરિવહન માટે સપાટ તળિયાવાળાં વહાણો હોય છે જેથી વહાણનું સમતોલપણું જોખમાઈને તે ડૂબી ન જાય. જહાજો બાંધવાને સ્થળે સૂકી ગોદી હોય છે. વહાણને તરતું મૂકવા માટે ગરગડી અને પિંજરાનો ઉપયોગ થાય છે. ત્રણ ખૂવા અને અણીદાર મોરાવાળું ગુરાબ પ્રકારનું વહાણ હોય છે. તેનો પાછળનો ભાગ નીચે હોય છે. ગંગા નદીમાં સ્કૂનર (બરછો) તરીકે ઓળખાતાં વહાણો બંધાતાં હતાં જે યુરોપની ખેપ કરી શકે તેવાં હોય છે. કચ્છનું કોટિયું પણ ખૂબ લાંબી સફર ખેડે તેવું મજબૂત હોય છે. યાટ સહેલગાહ માટેનું જહાજ છે. બતેલો સૌથી મોટું વહાણ છે. 4,000થી 5,000 મણ ચોખા ભરીને બ્રહ્મદેશ કે ભારતના પૂર્વ કિનારાનાં બંદરોથી તે પશ્ચિમ કિનારાનાં બંદરોએ આવતાં હતાં. બતેલો નાનું વહાણ છે. પડાવ, કન્ટામરન, ગલીબત કર્ણાટક, કેરલ અને મહારાષ્ટ્રમાં બંધાતાં જહાજો છે. ‘ઈસ્ટ ઇન્ડિયામૅન’ તરીકે ઓળખાતાં વહાણો તેજ ગતિને કારણે ચીનથી ઝડપથી ચા લાવવા વપરાતાં હતાં. તેની હરીફાઈ થતી હતી.
જહાજોનું કદ : જહાજવાડામાં વિવિધ કદનાં જહાજો બંધાતાં હોય છે. સમુદ્રની ખેપ કરતાં વહાણો 200થી 500 ટનનાં અને કાંઠાના વેપાર માટેનાં વહાણો 5-10 ટનનાં હોય છે. મચ્છીમારી માટેની હોડીઓ અર્ધાથી બે ટનની હોય છે. વહાણો માલવહન તથા ઉતારુઓની હેરફેર માટે વપરાય છે. મચ્છીમારી માટેની હોડીઓ 16 કિમી. સુધી અને ટ્રોલર પ્રકારની યાંત્રિક હોડીઓ 32 કિમી. સુધી દૂર જાય છે. ગુજરાતમાં વીસેક સ્થળોએ હોડીઓ અને વહાણો બંધાય છે. આગબોટો સમુદ્રની ખેપ કરે છે. કાંઠાના વેપારમાં રોકાયેલી આગબોટો નાની અને ઓછી ગતિવાળી હોય છે.
1825 પછી આગબોટ યુગની શરૂઆત બાદ 1850થી આગબોટ યુગનો ખરેખર પ્રારંભ થયો. સામાન્ય રીતે પ્રવાસ માટે તથા માલવહન માટે 25થી 35 હજાર ટનની 225 મી. લાંબી આગબોટોનો ઉપયોગ થાય છે. જોકે લાખ ટન સુધીની પણ પ્રવાસી આગબોટો હોય છે. ‘નોર્મંડી’ જહાજ 80,000 ટનનું અને ‘ક્વીન એલિઝાબેથ’ પ્રવાસી જહાજ એક લાખ ટન આસપાસનું હતું. જથ્થાબંધ માલવાહક જહાજો, ટૅન્કરો વિશાળકાય હોય છે અને તેનું કદ એક લાખ ટનથી પાંચ લાખ ટન સુધીનું હોય છે. નાની ટૅન્કરો 35થી 50 હજાર ટનની હોય છે. જાપાન સાત લાખ ટનની વિરાટકાય ટૅન્કર બાંધવાની ક્ષમતા ધરાવે છે. વિમાનવાહક જહાજો ઉપર હેલિકૉપ્ટરો અને વિમાનો માટેનું ઉતરાણસ્થાન હોય છે. સામાન્ય આગબોટની 14થી 20 નૉટ અને વિનાશિકા, ફ્રીગેટ જેવાં યુદ્ધજહાજોની 32થી 35 નૉટ ગતિ હોય છે.
આગબોટનું સંચાલન કોલસાનો ઉપયોગ કરી વરાળયંત્રથી થાય છે. 1900 પછી વાફ ટરબાઇનનો ઉપયોગ થવા લાગ્યો હતો. 1920 પછી ડીઝલ એંજિનનો ઉપયોગ વધ્યો છે. ટરબાઇન કરતાં ડીઝલ એંજિન વધુ સરળ અને સગવડભર્યું છે. હવે અણુશક્તિનો સબમરીન માટે ઉપયોગ થવા માંડ્યો છે.
જહાજવાડાના કર્મચારીઓ : જહાજવાડાનું સંચાલન મુખ્ય અધિકારી કરે છે. તે જનરલ મૅનેજર તરીકે ઓળખાય છે. તે ઉત્તમ વ્યવસ્થાપક તથા ટૅકનિકલ જ્ઞાન ધરાવતો હોવો જોઈએ, વેપાર-ઉદ્યોગોથી પરિચિત હોવો જોઈએ. તેના હાથ નીચે વર્ક્સ મૅનેજર હોય છે. તે જહાજવાડાની દૈનિક પ્રવૃત્તિ ઉપર ધ્યાન આપે છે. તેના ઉપર જહાજની જાળવણીની બધી જવાબદારી હોય છે. હાથ ઉપર લેવાનાં નવાં કામ અંગેનું આયોજન અને માર્ગદર્શન આયોજન અધિકારી કરે છે. તે કામની રૂપરેખા તૈયાર કરે છે. નૌશિલ્પનો જ્ઞાતા મુખ્ય સ્થપતિ કે આર્કિટેક્ટ તેના મદદનીશો અને ડ્રાફટ્સમૅન વગેરેની સહાયથી જહાજની બાંધણી અંગેનાં નકશા, ચિત્રો વગેરે તૈયાર કરે છે. જહાજના બાહ્ય દેખાવ અને અંદરની રચના અંગેની તેની જવાબદારી હોય છે. વર્કશોપનું સંચાલન કુશળ ટૅકનિકલ જ્ઞાન ધરાવનાર મિકૅનિકલ ઇજનેર કરે છે. તેના હાથ નીચે મિકૅનિક અને ઑઇલમૅન હોય છે. જહાજ માટેના ફર્મા તૈયાર કરનાર, ડ્રિલિંગ કરનાર, રિવેટ જોડનાર, સુથારી તથા લુહારી કામ, રંગાટી કામ વગેરે વિવિધ કામ સંભાળનાર કારીગરો તથા સ્ટોરકીપર, ટાઇમકીપર તથા વહીવટ સંભાળતા અન્ય કર્મચારીઓ હોય છે. 1950 પછીથી જહાજ બાંધવાની પિત્તળજોડ પદ્ધતિ રૂઢ થઈ છે.
જહાજવાડામાં સામાન્ય રીતે નીચે મુજબના વિભાગો હોય છે : (1) મુખ્ય વ્યવસ્થાપક – જનરલ મૅનેજરનું કાર્યાલય, (2) અભિલેખન અને આરેખન કાર્યાલય, (3) મોટરો વગેરે વાહન રાખવાની પાર્કિગ જગ્યા, (4) પોલાદનાં પતરાં, ટ્યૂબ વગેરેનો સ્ટોર રૂમ, (5) ફર્મા તૈયાર કરવાનો તથા તેને રાખવાનો વિભાગ, (6) ભઠ્ઠી કે મેલ્ટિંગ શૉપ વિભાગ, (7) રંગ વગેરે અન્ય માલ રાખવાનો વિભાગ, (8) ડ્રૉઇંગ રૂમ, (9) પટ્ટી તથા કૉન કાપવાનો વિભાગ, (10) વેલ્ડિંગ વિભાગ, (11) બૉઇલર રૂમ તથા ઘડવાનાં તથા અન્ય સાધનોનો વિભાગ, (12) જોડાણ વિભાગ : ત્રાંબાની પટ્ટીઓ, નળીઓ, પ્લેટો વગેરે જોડવાનો વિભાગ, (13) વીજળીઘર, (14) જહાજનું ખોખું (body) તૈયાર કરવાનું સ્થળ, (15) સૂકી ગોદી, (16) જહાજ અંગેનાં બાંધકામ બાદ તૈયાર ખોખાંને રાખવા માટેનો ધક્કો (dock), (17) ઊંડા પાણીવાળો વિભાગ. ગરગડીની મદદથી રેલ ઉપર જહાજને ધીમે ધીમે ધકેલવામાં આવે છે.
ભારતમાં સિંધિયા સ્ટીમ નૅવિગેશન કંપનીએ જહાજવાડો બાંધવાની પહેલ કરી હતી. ઈ. સ. 1937માં સિંધિયા જહાજી કંપનીએ કોલકાતા ખાતે જહાજવાડો સ્થાપવા માટે સરકારની પરવાનગી માગી હતી. અહીં લોખંડ, કોલસા તથા ડૉક વગેરેની સગવડ તેમજ કુશળ કારીગરો તથા ઇજનેરી સંસ્થાઓની ઉપલબ્ધિ હતી, પણ કોલકાતાના પૉર્ટ કમિશનર આ માટે સંમત ન હતા.
ઈ. સ. 1940માં ભારત સરકારે વિશાખાપટનમ્ ખાતે જહાજવાડો સ્થાપવા પરવાનગી આપી હતી. જહાજવાડાની મૂડીમાં ભારત સરકારનો બે-તૃતીયાંશ ને સિંધિયા કંપનીનો એક-તૃતીયાંશ હિસ્સો હતો. ટૅકનિકલ જ્ઞાન અને સલાહ માટે ફ્રેંચ જહાજવાડા કંપની સાથે કરાર કરાયા હતા. 21 જૂન 1941ના રોજ તે વખતના કૉંગ્રેસપ્રમુખ ડૉ. રાજેન્દ્રપ્રસાદે તેનો પાયો નાખ્યો હતો. ઈ. સ. 1946 સુધીમાં રૂ. પાંચ કરોડના ખર્ચે જહાજવાડો બંધાયો હતો. અહીં બે સ્લિપ વે હતા અને 550 ફૂટ લાંબા 15,000 DWT (ડેડવેઇટ), ટનનાં જહાજો બાંધવાની સગવડ ઊભી કરાઈ હતી. માર્ચ 1948ની ચૌદમી તારીખે 8,000 ટનનું ‘જલઉષા’ જહાજ બંધાયું હતું. બીજું ‘જલપ્રભા’ જહાજ 24 નવેમ્બર 1948માં બંધાયું. કંપનીને પૂરતાં જહાજ બાંધવા માટે ઑર્ડર મળતા ન હતા. આ ઉપરાંત આ જહાજવાડામાં બંધાયેલાં જહાજોની કિંમત પોસાય એવી ન હતી. વિદેશી જહાજો પ્રમાણમાં સસ્તાં હતાં. ઈ. સ. 1949માં ભારત સરકારે નૌકાસૈન્ય માટે કેટલાંક જહાજો બાંધવાનો ઑર્ડર આપ્યો ને સહાય કરી. ઈ. સ. 1948-1952 સુધીમાં કુલ આઠ જહાજો બંધાયાં હતાં. ઉપર જણાવેલી મુશ્કેલીને કારણે ભારત સરકારે ઈ. સ. 1952માં આ જહાજવાડાની વ્યવસ્થા સંભાળી હતી અને તેને ‘હિંદુસ્તાન શીપયાર્ડ લિ.’ નામ આપ્યું હતું. ઈ. સ. 1957માં ભારતીય નૌકાસૈન્યના ઉચ્ચ અધિકારીની મૅનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી. ઈ. સ. 1958માં વિવિધ કદનાં અને પ્રકારનાં 23 જહાજો બંધાયાં હતાં. આ કંપનીએ બાંધેલું જહાજ ‘જલવીર’ એક લાખ જી.આર.ટી. જેટલું મોટું હતું. ઈ. સ. 1952-53માં બંધાયેલાં જહાજોની રૂ. 126.36 લાખ, ઈ. સ. 1959-60 અને ઈ. સ. 1960-61 સુધીમાં બંધાયેલાં જહાજોની કિંમત અનુક્રમે 244.44 લાખ અને રૂ. 717 લાખ હતી. ઈ. સ. 1952થી 1975 સુધીમાં વિવિધ પ્રકારનાં 64 જહાજો બંધાયાં હતાં. ત્રીજી યોજનામાં રૂ. 244 લાખના ખર્ચે જહાજવાડાનું વિસ્તરણ કરાયું હતું. ઈ. સ. 1971માં જહાજદુરસ્તીનો વિભાગ ખોલવામાં આવ્યો હતો. ઓ.એન.જી.સી. માટે તેલના કૂવા ઉપરના પ્લૅટફૉર્મ બાંધવાની ઈ. સ. 1985માં શરૂઆત કરાઈ હતી અને વરસે બે પ્લૅટફૉર્મ બાંધી શકાય તેવી સગવડ ઊભી કરાઈ હતી. આઠમી યોજનામાં વરસે ત્રણ પ્લૅટફૉર્મ બાંધવાની સગવડ ઊભી કરાઈ છે. ઈ. સ. 1989-90માં ‘પાયોનિયર’ વર્ગનાં 3થી 5 જહાજો બાંધવાની સગવડ હતી. ઈ. સ. 1994 સુધીમાં આ જહાજવાડામાં યંત્રવિહીન બજરા (damb barges), બલ્ક કેરિયર, માલવાહક જહાજો, પેસેન્જર સહિત માલવાહક જહાજો, મચ્છીમારી માટેની ટ્રોલરી, પેટ્રોલનાં પુરવઠા-જહાજો વગેરે મળી કુલ 104 જહાજો બંધાયાં છે. ઓ.એન.જી.સી. માટે નવ જૅકેટ અને બે ડેક તેણે બાંધી આપ્યાં છે. આ જહાજવાડો 50,000 ટન સુધીનાં જહાજો બાંધી શકે તેમ છે.
કોચીન જહાજવાડો : આ જહાજવાડો જાપાની કંપની સાથેના સહકારથી ઈ. સ. 1968માં સ્થાપવામાં આવ્યો છે. અહીં 255 x 42.8 મી. કદનો ધક્કો (dock) છે. અહીં 86,000 ગ્રોસ ટનેજનાં જહાજો બાંધી શકવાની સગવડ છે. ઈ. સ. 1994 સુધીમાં 75,000 ટનનાં પાંચ જથ્થાબંધ માલવાહક જહાજો (bulk carriers) અને 86,000 ગ્રોસ ટનેજનાં બે તેલવાહક જહાજો (tankers) બંધાયાં હતાં.
મઝગાંવ ડૉક લિ. : લવજી વાડિયાએ બાંધેલા ધક્કા(dock)ના સ્થળે મુંબઈમાં ખાનગી ક્ષેત્રે મઝગાંવ ડૉક કંપની જહાજો બાંધવા ઉપરાંત જહાજોનું સમારકામ કરતી હતી. 14 મે ઈ. સ. 1960ના રોજ સરકારે આ કંપની પોતાને હસ્તક લીધી છે. મઝગાંવ ખાતે 6,000 ટન સુધીનાં યુદ્ધજહાજો અને ફ્રીગેટો, 27,000 ટનનાં વેપારી જહાજો, સબમરીન, વિનાશિકા (destroyer), મિસાઇલ બોટ, પુરવઠા જહાજ, તેલકૂવાનાં પ્લૅટફૉર્મ, તરતી ક્રેનો અને ધક્કા, લૉન્ચ વગેરે બાંધી શકાય છે. લીએન્ડર વર્ગની ‘હિમગિરિ’, ‘નીલગિરિ’ અને ‘ઉદયગિરિ’ ત્રણ ફ્રીગેટો બંધાયા પછી ચોથી ફ્રીગેટ પણ બંધાઈ છે. બે વરસે ત્રણ મોટાં અને નાનાં જહાજો હોય તો વધુ જહાજો બંધાય છે. જહાજોનું સમારકામ પણ થાય છે. ચાર મધ્યમ કદનાં જહાજોનું એકીસાથે ફિટિંગ કરી શકાય તે માટે બંધિયાર પાણી ભરેલું બેસિન છે. 2,500 અને 3,000 DWT(ડેડવેઇટ)વાળાં જહાજો માટે નિશ્ચિત પ્રમાણભૂત યોજના (design) છે, જ્યારે 6000, 8,000, 14,000 અને 15,000 ટનેજવાળાં માલવાહક જહાજો માટેની પ્રમાણભૂત યોજના તૈયાર થઈ રહી છે. મુંબઈ ઉપરાંત ન્હવા શેવા અને મેંગલોર ખાતે તેનાં બે પેટાકેન્દ્રો છે. આ જહાજવાડામાં બે મોટી સૂકી ગોદીઓ અને ચાર સ્લિપ વે છે.
ગાર્ડન રીચ વર્કશૉપ ને જહાજવાડો : ગાર્ડન રીચ જહાજવાડાના છ ઘટકો કૉલકાતા અને તેની આસપાસ હુગલી નદી ઉપર આવેલાં છે. રાંચી ખાતે ડીઝલ એંજિનો બને છે. કોરવેટો (corvetts), ફ્રીગેટ, ટૅન્કર, સર્વે જહાજ, કાંઠારક્ષણ માટેની પેટ્રોલ બોટો, ફેરવી શકાય તેવા પુલો, ડૉક મશીનરી, ડીઝલ એંજિન, પંપ વગેરે અહીં બને છે. 28,000 ટન સુધીનાં દરિયાઈ પ્રવાસ માટેનાં જહાજો બાંધવા માટે ડૉક અને જેટીનું કામ પૂર્ણ થયું છે. આ ઉપરાંત કેટલાંક નાના કદનાં જહાજો અને બારાંમાં ઉપયોગમાં આવતાં બજરા, ટગ વગેરે બાંધવાની પણ વ્યવસ્થા થઈ છે. કસ્ટમની જરૂરિયાત મુજબનાં તથા 26થી 28 હજાર ટનનાં જહાજો માટેનું ડ્રૉઇંગ અને ડિઝાઇનનું કામ તે સંભાળે છે. આ જહાજવાડામાં બે ડૉક અને ત્રણ સ્લિપ વે છે. અહીં 45 ટન સુધીની બોલાર્ડ ટગ અને 7,500 ટન સુધીની હોપર ડ્રૅજરો બાંધવાની ખાસ સગવડ છે. અગ્નિશામક જહાજો, મચ્છીમારી માટેની હોડીઓ અને ઝડપી લૉન્ચો માટે ગાર્ડન રીચ વર્કશોપ ખાતે નિશ્ચિત પ્રમાણભૂત ડિઝાઇન છે. તે ડૉક માટેનાં યંત્રો પણ બનાવે છે.
ગોવા જહાજવાડો : આ જહાજવાડો વાસ્કો દ ગામા બંદરે આવેલો છે. અહીં મિસાઇલ બોટો વગેરે નૌકાસૈન્ય માટેનાં જહાજો તથા અન્ય પ્રકારનાં જહાજો, જેવાં કે કાંઠાના પેટ્રોલિંગ માટેની બોટો વગેરે બાંધે છે.
રાજ બગન ડૉકયાર્ડ : અહીં આંતરિક જળમાર્ગ માટેનાં જહાજો, બારામાં ઉપયોગમાં લેવાતાં બજરા, લૉન્ચ, ટગ, પાઇલટ લૉન્ચ વગેરે બંધાય છે. આ જહાજો 2,000 ટન (DWT) સુધીનાં હોય છે.
હુગલી ડૉક અને પૉર્ટ એન્જિનિયર્સ લિ. કંપની : આ ખાનગી કંપનીની નોંધણી ઈ. સ. 1924માં થઈ હતી. જેને ઈ. સ. 1960માં ભારત સરકારે હસ્તગત કરી હતી. ભારતનો આ સૌથી જૂનો જહાજવાડો છે. આ કંપનીના સલુકિયા અને નઝીર ગુંગે ખાતે જહાજ બાંધવાના બે ઘટકો છે. અહીં 90 મી. લંબાઈ સુધીનાં આંતરિક તથા કાંઠાના પરિવહન માટેનાં જહાજો બંધાય છે. સલુકિયા ખાતે મુસાફરી માટેનાં જહાજો, ડ્રૅજરો, ટગો, તરતી સૂકી ગોદી, મચ્છીમારી માટેની ટ્રોલરો, ઓ.એન.જી.સી. માટેનું ઑફશોર દરિયામાં તેલના કૂવા શારવા માટેનું પ્લૅટફૉર્મ, પુરવઠા જહાજો, બારાંમાં ઉપયોગી બનતાં બજરા, લૉન્ચ, દીવાદાંડી માટેનાં તરતાં જહાજો વગેરે બંધાય છે. કીડપોર ડૉક ખાતે આ ઘટકનું સંકુલ (complex) છે. તે વિવિધ સમુદ્રગામી જહાજો અને ડ્રૅજરોનું સમારકામ પણ કરે છે. નઝીર ગુંગે ખાતે મચ્છીમારી માટેની ટ્રોલરો, અગ્નિશામક જહાજો, બજરા (barges), મુરિંગ લૉન્ચો, ગ્રેબહોપર ડ્રૅજર વગેરે બંધાય છે અને જહાજોનું સમારકામ વગેરે હાથ ધરાય છે. ઇજનેરી કામને માટે ત્રણ સ્લિપ વે (slip ways) છે.
ભારતી જહાજવાડો : મહારાષ્ટ્રના રત્નાગિરિ ખાતે કાલબાદેવી ઉપસાગર ખાતે આ જહાજવાડો આવ્યો છે. તે નાનાં વહાણો, મછવા વગેરે બાંધે છે. આ સિવાય કાલીકટ, કારવાર, મેંગલોર, પારદીપ, ચિલ્કા સરોવર તથા અન્યત્ર નાના જહાજવાડાઓ ખાનગી ક્ષેત્રે આવેલા છે.
ગુજરાતના જહાજવાડાઓ : ગુજરાતમાં મચ્છીમારી માટેના વીસેક જહાજવાડાઓ માંડવી (કચ્છ), જામ સલાયા, બીલીમોરા, વલસાડ, ઉમરગામ, ગણદેવી, હનુમાન ભાંગડા, ઓંજલ, ઘોલાઈ, નગોદ-બીગરી, નાની અને મોટી દાંતી, પોરબંદર, વેરાવળ, માંગરોળ, જાફરાબાદ વગેરે સ્થળોએ આવેલા છે. આ જહાજવાડાઓમાં 400–450 મત્સ્યબોટો બાંધવાની ક્ષમતા છે. પાંચ જહાજવાડાઓ સહકારી ક્ષેત્રમાં, બે જહાજવાડાઓ જાહેર ક્ષેત્રમાં અને બાકીના જહાજવાડાઓ ખાનગી માલિકીના છે. વલસાડ જિલ્લામાં ઉમરગામ ખાતે ત્રણ, ગણદેવી ખાતે બે અને બીલીમોરા ખાતે બે મચ્છીમારી માટેની હોડીઓ બાંધવાના જહાજવાડાઓ છે. આ જહાજવાડાઓમાં 1985–1990 દરમિયાન 6થી 8 મી. લાંબી 160 હોડીઓ બંધાઈ હતી. આ ઉપરાંત 1970થી 1985 દરમિયાન સ્થપાયેલા વ્યક્તિગત માલિકીના જહાજવાડાઓમાં 400 હોડીઓ અને વહાણો બંધાયાં હતાં. વલસાડ, માંગરોળ અને પોરબંદર ખાતે જાહેર ક્ષેત્ર અને સહકારી ક્ષેત્રના જહાજવાડાઓમાં મચ્છીમારીની હોડીઓ બંધાય છે. આ ઉપરાંત અંબિકા, ઔરંગા, પૂર્ણા વગેરે દક્ષિણ ગુજરાતની નદીઓના કાંઠા ઉપરનાં ગામો જેવાં કે નાની અને મોટી દાંતી, ઘોલાઈ, બીગરી-નગોદ વગેરે ગામોમાં પણ છૂટક છૂટક હોડીઓ જરૂર પ્રમાણે બંધાય છે. કચ્છનું માંડવી, જામનગર જિલ્લાનાં સલાયા અને જોડિયા, ભાવનગર જિલ્લાનાં ઘોઘા, મહુવા વગેરે સ્થળોએ પણ હોડી અને વહાણો બંધાય છે. માંડવીમાં ત્રણેક જહાજવાડાઓ છે. કચ્છના કોટિયા પ્રકારનાં વહાણો લાંબી ખેપ કરી શકે છે. કચ્છનું એક વહાણ દક્ષિણ આફ્રિકા થઈને લંડન અને ત્યાંથી વળતાં મલબાર થઈને માંડવી પાછું આવ્યું હતું. બીલીમોરા ખાતે પારસી વાડિયાના સાત જહાજવાડાઓ અને ઉમરગામમાં છ જહાજવાડાઓ હતા. તેઓ ડાંગના સાગનો ઉપયોગ કરતા હતા. નગોદ-બીગરીના કુંભારવાડિયાઓ વહાણો અને હોડીઓ બાંધે છે.
ભાવનગર જિલ્લામાં ભાવનગર અને ઘોઘામાં આધુનિક પદ્ધતિથી ટગ, બજરા, લૉન્ચ વગેરે બાંધવાના બે જહાજવાડા છે. ભાવનગર ખાતેનો આલકોક એશડાઉન ઍન્ડ કું.નો જહાજવાડો 1958માં સ્થપાયો હતો. તેની મૂડી રૂ. 26.18 લાખ હતી. પૂરતું કામ ન મળવાથી થોડાં વરસ તે બંધ રહ્યો હતો પણ 1973માં ગુજરાત રાજ્યે આ જહાજવાડો હસ્તગત કર્યો છે. અહીં મધ્યમ કદનાં જહાજો બાંધી શકાય તેમ છે. અહીં સ્વયંસંચાલિત બજરા (barges), બોલાર્ડ પુલ ટગો, સ્ટીલ હલવાળી વર્ક બોટ, ટગો, પ્લાસ્ટિકના બજરા, માલવાહક બજરા, પાઇલટ લૉન્ચ, લાઇફ બોટો, વી.આઈ.પી. લૉન્ચ, તરાપા, ઑફશોર વર્કમૅન કૉર્નેટ, ટૂરિસ્ટ લૉન્ચ, પૉન્ટૂનો અને યંત્રવિહીન બજરાઓ બને છે. છેલ્લાં પાંચ વરસ દરમિયાન 76 ફાઇબર ગ્લાસ હોડીઓ, 10 ઝડપી લૉન્ચો, મચ્છીમારીની ટ્રોલરો, પૂરરાહત માટેની હોડીઓ વગેરે બધું થઈને 100 જેટલી હોડી વગેરે 1985 સુધીમાં બંધાયાં હતાં. ભાવનગર સિવાય મહુવા અને તળાજામાં વહાણો અને હોડીઓ બંધાતી હતી. ઘોઘા ખાતે ચોગુલે કંપનીનો જહાજવાડો છે. તેણે ગુજરાત રાજ્ય માટે ત્રણ ટગો તથા અન્ય માટે હોડીઓ વગેરે બાંધી હતી. હાલ આ જહાજવાડો બંધ છે.
જૂનાગઢ જિલ્લામાં વેરાવળ ખાતે 1965માં મચ્છીમારી માટેની હોડીઓ માટેનો જહાજવાડો રૂ. 30 લાખની મૂડીથી સ્થપાયો હતો. આ જહાજવાડામાં 150 માણસો કામ કરે છે. 1975 સુધીમાં 250 યાંત્રિક હોડીઓ બંધાઈ હતી. કેરલના સુથારો આ જહાજવાડામાં હોડી બાંધવાનું કામ સંભાળે છે. ગુજરાત મત્સ્ય ઉદ્યોગ નિગમ દ્વારા માંગરોળ ખાતે ફાઇબર ગ્લાસની હોડીઓ બંધાય છે. પોરબંદર ખાતે પણ જહાજવાડો છે.
જહાજવાડો : આશરે 4500 વર્ષ પહેલાં ગુજરાતના લોથલમાંથી મળી આવેલ અવશેષોમાં સમૃદ્ધ બંદર, જહાજવાડો તેમજ વિશ્વની સૌપ્રથમ ભરતીની ગોદી જેવો ભવ્ય ભૂતકાળ હોવા છતાં હાલનો ભારતનો જહાજ બાંધકામ ઉદ્યોગ વિશ્વના જહાજ બાંધકામ ઉદ્યોગનો 1 ટકાથી પણ ઓછો હિસ્સો ધરાવે છે. હડપ્પન સંસ્કૃતિથી માંડીને અંગ્રેજોના આગમન સુધી ગુજરાતના આશરે 1600 કિમી.થી વધુ લંબાઈના દરિયાકિનારાએ તેને વહાણવટું ખેડવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ગુજરાતમાંથી સુતરાઉ અને રેશમી કાપડ, મલમલ, કપાસ, ખાંડ, મરી, સૂંઠ, સુગંધી પદાર્થો વગેરેની રોમ, ગ્રીસ, અરબી દેશો, પૂર્વ આફ્રિકા, શ્રીલંકા, જાવા, સુમાત્રા અને ચીન સુધી નિકાસ થતી હતી. આ વહાણવટા માટે આવશ્યક નાનાંમોટાં સઘળાં વહાણો ગુજરાતમાં જ બાંધવામાં આવતાં હતાં. આ વહાણો તેની સંગીનતા અને સહીસલામતી માટે મશહૂર હતાં. તે સફળતાથી સમુદ્રમાં હજારો કિમી.ની મુસાફરી કરતાં હતાં. કચ્છમાં રૂકમાવતી નદીના બંને કાંઠા વહાણોનું બાંધકામ કરતા સુતારવાડાના અવાજથી બારે માસ ગાજતા રહેતા હતા તેવી માહિતી ઉપલબ્ધ થાય છે. કચ્છી કોટિયા, ઘાઉ, સૂરતી બતેલા વગેરે આજે પણ વખણાય છે. એક યુરોપિયન મુસાફર બોરબોસે નોંધ કરી છે કે વહાણો એટલાં બધાં મોટાં હતાં કે તેની કિંમતનો અંદાજ કરતાં ગભરામણ થઈ જાય.
તે સમયનો વહાણબાંધકામ ઉદ્યોગ હસ્તઉદ્યોગ હતો. અનેક સઢવાળાં વિરાટ જહાજો ગુજરાતનાં બંદરોમાં જ બાંધવામાં આવતાં હતાં. યુરોપિયન દેશો પણ ભારતમાંથી જ વહાણો ખરીદતા હતા. સૂરતમાં બનાવેલ ફ્રીજેટોનો ઉપયોગ અંગ્રેજો પણ કરતા હતા. સૂરતના વહાણબાંધકામમાં નિષ્ણાત વાડિયા કુટુંબને તેમણે મુંબઈમાં જહાજવાડો બાંધવા માટે સવલતો પૂરી પાડી હતી.
પરંતુ યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ થતાં અને યંત્રોથી ચાલતાં ગતિશીલ વિરાટ જહાજો અસ્તિત્વમાં આવતાં ભારતના વહાણવટા તેમજ વહાણબાંધકામ ઉદ્યોગની પડતીનો આરંભ થયો હતો. યંત્રોથી ચાલતાં વિરાટ જહાજોની સરખામણીમાં ભારતના હસ્તઉદ્યોગથી બનેલાં સઢવાળાં ધીમી ગતિનાં વહાણો વામણાં સાબિત થયાં હતાં. અંગ્રેજ સરકારની સ્થાનિક ઉદ્યોગોને ભોગે પોતાના ઉદ્યોગોનો વિકાસ કરવાની નીતિને પરિણામે ભારતનો અને વિશેષ કરીને ગુજરાતનો વહાણ-બાંધકામ ઉદ્યોગ ક્રમશ: નષ્ટપ્રાય થતો ગયો હતો. ફક્ત કાંઠા વિસ્તારમાં તેમજ અંતરિયાળ જળપ્રવાહોમાં ઉપયોગમાં લઈ શકાય તેવાં નાનાંમોટાં વહાણો બનાવવાનો ઉદ્યોગ અસ્તિત્વમાં રહ્યો હતો.
વીસમી સદીના આરંભમાં ભારતના કેટલાક ઉદ્યોગપતિઓનો જહાજવાડા સ્થાપવાના પ્રયત્નોને અંગ્રેજ સરકાર તરફથી અનુકૂળ પ્રતિભાવ સાંપડ્યો ન હતો. તેમ છતાં ઈ. સ. 1934માં ખાનગી ક્ષેત્રે ગાર્ડન રીચ વર્કશોપ લિ. કૉલકાતાની સ્થાપના થઈ હતી. ઈ. સ. 1941માં સિંધિયા સ્ટીમશીપ કંપની લિ. અને ભારત સરકારની ભાગીદારીમાં વિઝાગાપટનમમાં એક જહાજવાડો શરૂ કરવામાં આવ્યો હતો. ઈ. સ. 1952માં ભારત સરકારે તેને હસ્તગત કર્યો હતો. પાછળથી તેનું નામ હિન્દુસ્તાન શીપયાર્ડ લિ. રાખવામાં આવ્યું હતું. ખાનગી ક્ષેત્રે બીજી એક કંપની હુગલી ડૉક અને પૉર્ટ એન્જિનિયર્સ લિ. કૉલકાતાએ સલ્કિયા અને નઝીરગંજમાં નાનાં વહાણો બાંધવાનાં તેમજ તેનું સમારકામ કરવાનાં કારખાનાંઓ શરૂ કર્યાં હતાં. તેને પણ સરકારે હસ્તગત કર્યાં હતાં.
ભારતમાં હાલ 32 જહાજવાડાઓ કાર્યરત છે. તેમાંથી 7 કેન્દ્ર સરકાર હસ્તક, 2 રાજ્ય સરકાર હસ્તક અને 23 ખાનગી ક્ષેત્રમાં છે. કેન્દ્ર સરકારના વહીવટ હેઠળ હિન્દુસ્તાન શીપયાર્ડ લિ. વિઝાગાપટ્નમ કોચીન; શીપયાર્ડ લિ. કોચીન; હુગલી ડૉક અને પૉર્ટ એન્જિનિયર્સ લિ. કૉલકાતા. સેન્ટ્રલ ઈ વૉટર ટ્રાન્સપૉર્ટ કૉર્પોરેશન લિ. કૉલકાતા; મઝગાંવ ડૉક્સ લિ. મુંબઈ; ગાર્ડન રીચ શીપબિલ્ડર્સ ઍન્ડ એન્જિનિયર્સ લિ. કૉલકાતા અને ગોવા શીપયાર્ડ લિ., ગોવા છે જ્યારે આલ્કોક એશડાઉન કું. લિ., ગુજરાત અને શાલીમાર વકર્સ લિ., કૉલકાતા રાજ્ય સરકારો હસ્તક છે. ખાનગી ક્ષેત્રમાં ભારતી શીપયાર્ડ લિ., એ.બી.જી. શીપયાર્ડ લિ. લાર્સન ઍન્ડ ટુબ્રો લિ. એસ્સાર શીપિંગ લિ. ચોગુલે શીપિંગ લિ., વેસ્ટર્ન ઇન્ડિયા લિ., પીપાવાવ શીપિંગ લિ., ટેલ્મા શીપયાર્ડ લિ., વગેરે દેશના અગ્રણી જહાજવાડા ગણાય છે. આ ઉપરાંત રાજ્ય સરકારો અને ખાનગી ક્ષેત્રના અનેક જહાજવાડાઓ લઘુઉદ્યોગ ક્ષેત્રમાં નાનાં મોટાં વહાણો અને હોડીઓ બનાવે છે.
ભારતના જહાજ બાંધકામ ઉદ્યોગના વિકાસની માહિતી નીચેની સારણીમાં પ્રસ્તુત કરવામાં આવી છે :
ભારત–જહાજ બાંધકામ ઉદ્યોગ | |
વર્ષ | ઉત્પાદન (રૂ. કરોડમાં) |
1981–81 | 130 |
1985–86 | 378 |
1990–91 | 469 |
1995–96 | 671 |
2000–01 | 1303 |
2005–06 | 2000 |
(અંદાજ) |
આ જહાજવાડાઓ વિશાળ બંધ જહાજો તેલ અને વાયુના ટૅન્કરો, ડ્રેજર, ડ્રીસ્યોયર, પ્લૅટફૉર્મ, માછલી પકડવાની હોડીઓ વગેરેનું બાંધકામ તેમજ જહાજો અને વહાણોનું સમારકામ કરે છે. કોચીન શીપયાર્ડ લિ. 1,10,000 ટન વજન સુધીનાં જહાજોનું બાંધકામ અને 1,25,000 ટન વજનનાં જહાજોનું સમારકામ કરવાની ક્ષમતા ધરાવે છે. હિન્દુસ્તાન શીપયાર્ડ લિ. 50,000 ટન સુધીનાં જહાજોનું બાંધકામ અને 70,000 ટન વજન સુધીનાં જહાજોનું સમારકામ હાથ લે છે. ભારતના ફક્ત આ બે જહાજવાડાઓ સમુદ્રમાં પરિવહન કરી શકે તેવા અને આંતરરાષ્ટ્રીય સામુદ્રિક વ્યાપાર જાતે ખેડવા યોગ્ય જહાજો અને વહાણો બાંધવાની અને સમારકામ કરવાની ક્ષમતા ધરાવે છે.
ભારત પાસે આંતરરાષ્ટ્રીય પરિવહનક્ષમતા ધરાવતાં 282 જહાજો અને કાંઠા વિસ્તાર પરનાં 590 વહાણો મળીને કુલ 872 વહાણો છે. તેમનું કુલ વજન આશરે 88.30 લાખ ટન અંદાજવામાં આવે છે. વિશ્ર્વના આશરે 90,000થી વધુ જહાજો, વહાણો, ટૅન્કરો વગેરેનું કુલ વજન 60 કરોડ ટનથી વધુ અંદાજવામાં આવે છે. તેની સરખામણીમાં ભારતનો હિસ્સો એક ટકાથી પણ ઓછો ગણી શકાય. વહાણ-ઉદ્યોગના વિકાસ માટે ભારતમાં ઉજ્જ્વળ તકો છે.
શિવપ્રસાદ રાજગોર
જિગીશ દેરાસરી