જસ્ટિનિયન–1 (જ. 483 ટોરેસિયસ, મેસિડોનિયા; અ. 14 નવેમ્બર, 565 કૉન્સ્ટૅન્ટિનોપલ) : વિખ્યાત બિઝેન્ટાઇન રોમન સમ્રાટ (527–565) અને રોમન ધારા સંહિતાનો રચયિતા. પૂર્ણ નામ : ફ્લેવિઅસ નીસ્ટનિયેનસ. મૂળ નામ : પેટ્રસ સેબેટિયસ હતું. તેના કાકા રોમન સમ્રાટ જસ્ટિને-1(518–527) તેને દત્તક લીધો હતો. જસ્ટિન-1ના મૃત્યુના થોડા મહિના પહેલાં જ તેણે સત્તાનાં સૂત્રો સંભાળ્યાં.

વિદેશનીતિમાં જસ્ટિનિયને તેના સામ્રાજ્યની પૂર્વ સરહદે આવેલા કૉકેસસ પ્રદેશ પર અંકુશ જાળવી રાખવા ઈરાન સાથે 527થી 562 સુધીના સમય દરમિયાન વખતોવખત યુદ્ધો લડવાં પડ્યાં. ઈરાનીઓને મોટી રકમ ચૂકવીને પણ જસ્ટિનિયન પૂર્વ સરહદોને સુરક્ષિત રાખી શક્યો, જ્યારે રોમન સામ્રાજ્યના પશ્ચિમ વિસ્તારો – ઇટાલી, દક્ષિણ ફ્રાન્સ (ગૉલ), સ્પેન અને ઉત્તર આફ્રિકાના કેટલાક વિસ્તારો પર ગોથ, ઑસ્ટ્રોગૉથ, વિસીગોથ, ફ્રૅક તથા વૅન્ડાલ જેવી બર્બર જાતિની પ્રજાઓએ અંકુશ જમાવ્યો હતો. આ પ્રદેશો પાછા જીતી લેવાની જસ્ટિનિયનની મહત્વાકાંક્ષા હતી. 533થી 562 સુધી યુદ્ધો ચાલુ રાખીને મોટા ભાગના આ વિસ્તાર પર તેણે આધિપત્ય સ્થાપ્યું.

જીતી લીધેલા પ્રદેશો સહિતના સામ્રાજ્યના પ્રાંતોની જસ્ટિનિયને પુનર્રચના કરી વહીવટી તંત્રને સુવ્યવસ્થિત બનાવ્યું. પ્રાંતોના સૂબાઓના હોદ્દાઓના થતા વેચાણ પર પ્રતિબંધ મૂકીને તેણે પ્રાંતો પર કડક અંકુશ સ્થાપ્યો. આવક વધારવા માટે કરવેરાપદ્ધતિમાં પરિવર્તન આણ્યું અને વ્યાપાર-વાણિજ્યને પ્રોત્સાહન આપ્યું.

રૂઢિચુસ્ત (ઑર્થોડોક્સ) ખ્રિસ્તી ધર્મના પ્રણેતા તરીકે જસ્ટિનિયને સામ્રાજ્યમાં વિધર્મી પર પ્રતિબંધ મૂક્યો. ઍથેન્સની પ્રખ્યાત શાળા ‘એકૅડમી’માંથી વિધર્મી શિક્ષકોને દૂર કરવામાં આવ્યા. તેણે હેજિયા સોફિયા (કૉન્સ્ટૅન્ટિનોપલ) નામના ભવ્ય દેવળ ઉપરાંત ઘણી મોટી ઇમારતો બંધાવી અને સરહદી વિસ્તારોમાં કિલ્લા, પુલો ઉપરાંત સામ્રાજ્યના વિવિધ ભાગમાં પથ્થરની પરનાળ બંધાવી.

પરંતુ જસ્ટિનિયનની ખ્યાતિ ‘રોમન કાયદા’ના ઘડવૈયા તરીકે વિશેષ છે. તેના શાસનના સમય સુધીના રોમન સામ્રાજ્ય હેઠળના પ્રદેશોમાં પ્રચલિત એવા વિવિધ કાયદાઓને એકત્રિત કરીને જસ્ટિનિયને તેને વ્યવસ્થિત સંહિતાનું સ્વરૂપ આપ્યું. ટ્રિબોનિયન નામના ધારાવિદના અધ્યક્ષપદે રચાયેલાં વિધાનપંચો દ્વારા તૈયાર કરવામાં આવેલા ‘કૉર્પસ જ્યુરિસ સિવિલિસ’ નાગરિક ધારા સંહિતાને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવી. (1) ‘કોડૅક્સ જસ્ટિનિયેનસ’ : તેમાં જસ્ટિનિયનના પોતાના 50 જેટલા અધ્યાદેશો (ordinances) સહિત બીજી સદીની શરૂઆતથી રોમન સમ્રાટો દ્વારા જાહેર થયેલા મહત્વના રાજ્ય અધ્યાદેશોનો સમાવેશ થતો હતો. (2) ‘ધ પૅન્ડેક્ટા’ (‘ડાઇજેસ્ટ’) : તેમાં બીજી તેમજ ત્રીજી સદીના શ્રેષ્ઠ ધારાવિદોનાં મંતવ્યોનો સાર આપવામાં આવ્યો હતો. ધારાવિદોનાં એક બીજાથી જુદાં પડતાં મંતવ્યો વચ્ચે મેળ બેસાડીને સુધારેલા સ્વરૂપમાં આ સાર તૈયાર કરવામાં આવ્યો હતો. (3) ‘ઇન્સ્ટિટ્યૂટ્સ’ : જે વિદ્યાર્થીઓ માટે વિધિની માર્ગદર્શિકા હતી. પાછળથી આ ધારા સંગ્રહ-સંહિતામાં ‘ધ નોવેલી’(the novellae)નો ભાગ ઉમેરવામાં આવ્યો. તેમાં નવા પ્રસ્તાવિત કાયદાઓનો સમાવેશ થતો હતો અને જે જસ્ટિનિયનના મૃત્યુ પછી પ્રગટ કરવામાં આવ્યો હતો.

જસ્ટિનિયનની ધારાસંહિતાને આધારે જ ત્યારપછી યુરોપના ઘણા દેશોમાં ધારાપદ્ધતિનો વિકાસ થયો. જસ્ટિનિયનનો આ ધારાસંગ્રહ – ‘રોમન કાયદો’ એ રોમન સંસ્કૃતિનું વિશ્વને મહત્વનું પ્રદાન છે.

ર. લ. રાવળ