જસહરચરિઉ (યશોધરચરિત) : મહાકવિ પુષ્પદન્ત (દશમી સદી) વિરચિત 4 સંધિમાં બદ્ધ અપભ્રંશ કાવ્ય. યશોધરની કથા જૈન સાહિત્યમાં ઘણી પ્રસિદ્ધ છે. જસહરચરિઉ પૂર્વે અને પછી અનેક કથાઓ અને કાવ્યો આ વિષય ઉપર રચાયેલાં મળે છે. સોમદેવરચિત પ્રસિદ્ધ યશસ્તિલકચમ્પૂ(સંસ્કૃત)નો વિષય પણ આ જ છે. પુષ્પદન્તે જસહરચરિઉની રચના રાષ્ટ્રકૂટ વંશના કૃષ્ણરાજ તૃતીયના મંત્રી નન્નના આશ્રય તળે રહીને રાષ્ટ્રકૂટોની રાજધાની માન્યખેટમાં કરી હતી.

તેનું કથાવસ્તુ આ પ્રમાણે છે : મારિદત્ત નામે રાજાએ ભૈરવાનંદ નામે કાપાલિક પાસેથી દિવ્યશક્તિ મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી. ભૈરવાચાર્યે રાજાને તે માટે બધા પ્રકારનાં પ્રાણીઓની જોડીઓનું બલિદાન ચંડમારી દેવીને ચડાવવા કહ્યું. બધાં પ્રાણીઓની જોડી મળી પણ મનુષ્યની જોડી ન મળી એટલે રાજકર્મચારીઓ સુદત્ત નામના જૈન મુનિના અભયરુચિ અને અભયમતિ નામના બે બાલશિષ્ય-શિષ્યાના જોડાને પકડી લઈ આવ્યા. રાજા તેમને જોતાં પ્રભાવિત થયા અને પૂછવા લાગ્યા કે આટલી નાની વયમાં તેઓ કેમ મુનિ બન્યા ? ત્યારે બાળમુનિએ કહ્યું – ‘પૂર્વે ઉજ્જયિનીમાં એક યશોહ નામે રાજા હતો, તેની ચન્દ્રમતિ નામે રાણી હતી. તેમને યશોધર નામે પુત્ર હતો. યુવાન યશોધરને અમૃતમતિ નામે રાજકુમારી સાથે પરણાવી, ગાદી સોંપી રાજા વિરક્ત થવાથી મુનિ બની ગયો. યુવાન યશોધર ભોગો ભોગવતો રાજ્ય ચલાવવા લાગ્યો. તેને યશોમતિ નામે પુત્ર જન્મ્યો. રાણી અમૃતમતિ દુરાચારિણી હતી, તેના દુરાચારની એક રાતે ખબર પડતાં યશોધરે પોતાને આવેલ દુ:સ્વપ્નનું કારણ ધરી માતા પાસે કાં તો મરવા અથવા ભિક્ષુ બનવાની આજ્ઞા માગી. માતાએ દુ:સ્વપ્નના નિવારણ અર્થે દેવીને પશુબલિ ચડાવવાની સલાહ આપી. રાજાએ તેનો વિરોધ કરતાં પશુબલિના સ્થાને આટાનો કૂકડો બનાવી તે બલિ આપવામાં આવ્યો. છતાં રાજાનું ચિત્ત શાંત થયું નહિ તેથી તેણે વનમાં જવા નિશ્ચય કર્યો, પણ વનમાં જતાં પહેલાં જ રાણી અમૃતમતિએ કપટ કરી રાજા અને રાજમાતાને વિષ આપી મારી નાખ્યાં. પ્રાણીવધના પાપના કારણે માતાપુત્ર મરીને કૂતરા અને મોર રૂપે, પછી નોળિયો-સાપ રૂપે, પછી મગર અને માછલી તથા બકરો-બકરી અને છેલ્લે કૂકડો-કૂકડી થઈ યશોમતિ રાજાના હાથે જ મરીને તેનાં જ પુત્ર-પુત્રી અભયરુચિ-અભયમતિ રૂપે જન્મ્યાં. કાલાન્તરે યશોમતિ રાજાએ સુદત્ત મુનિ પાસેથી આ વાત જાણી અને સંસારવિરક્ત બની મુનિદીક્ષા લીધી. અભયરુચિ-અભયમતિ પણ સુદત્ત મુનિનાં બાલશિષ્ય-શિષ્યા બની રહ્યાં. તે તેઓ પોતે જ છે.

આ વાત જાણતાં રાજા મારિદત્ત અને ભૈરવાનંદ પણ સંસારવિરક્ત બન્યા અને જૈન ધર્મમાં દીક્ષિત થયા. કાલાન્તરે અભયરુચિ-અભયમતિ પણ પવિત્ર મુનિ-જીવન ગાળી દેવત્વ પામ્યાં.

આ કથા દ્વારા કવિનો આશય માનવહૃદયમાં અહિંસાની ભાવના જગાડવાનો અને પશુપક્ષીઓ પ્રત્યેની ક્રૂરતા નિવારવાનો છે. કાવ્યત્વની ર્દષ્ટિએ કે કથાની ર્દષ્ટિએ જસહરચરિઉનું સાહિત્યિક મૂલ્ય અલ્પ છે : કવિએ અલૌકિક તત્વો અને જન્મજન્માન્તરની કથા દ્વારા કથાનકને પ્રભાવક બનાવવા પ્રયત્ન કર્યો છે. પ્રસંગોપાત્ત વર્ણનોમાં પુષ્પદન્તની કવિપ્રતિભાના ચમકારા જોવા મળે છે.

રમણિકભાઈ મ. શાહ