જસરાજજી (જ. 28 જાન્યુઆરી 1930, હિસાર, હરિયાણા) : ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતના મેરાતી ઘરાનાના વિખ્યાત ગાયક. પિતા મોતીરામજી શ્રેષ્ઠ કોટિના ગાયક હતા.

તેમણે સંગીતની સાધના સર્વપ્રથમ તબલાની તાલીમથી શરૂ કરેલી. તેમના વડીલબંધુ મણિરામજીને જાહેર કાર્યક્રમોમાં તબલાની સંગત પૂરી પાડતી વખતે તેમણે અનુભવ્યું કે ગાયકનું સ્થાન તબલાવાદક કરતાં શ્રેષ્ઠ ગણાય છે. તેથી એક સમયે વિખ્યાત સિતારવાદક પંડિત રવિશંકર જેવા કલાકારોને તબલાની સંગત આપનાર આ કલાકારે પંડિત મણિરામજીને ગુરુસ્થાને રાખીને મેવાતી પરંપરાની ગાયનની તાલીમ લેવાનું શરૂ કર્યું
(1945–55). કઠિન સ્વરસાધના અને ર્દઢ મનોબળથી ટૂંક સમયમાં જ જસરાજજી ભારતના શ્રેષ્ઠ કલાકારોમાં ગણાવા લાગ્યા.

તેમનો પ્રથમ જાહેર કાર્યક્રમ 1952માં નેપાલનરેશ મહારાજા ત્રિભુવન વિક્રમની ઉપસ્થિતિમાં કાઠમાંડુમાં યોજાયો હતો. ભારતમાં તેમનો પ્રથમ જાહેર કાર્યક્રમ મુંબઈમાં 1954માં આયોજિત થયો હતો. 1963માં તેમનો એક વિશેષ કાર્યક્રમ પંડિત રવિશંકર દ્વારા સંચાલિત ‘કિન્નરી’ની નિશ્રામાં યોજાયો હતો.

પંડિત જસરાજજી

અન્ય ઘરાનાની ગ્રાહ્ય વસ્તુને સ્વીકારીને પોતાની પરંપરાની ગાયકીને તેઓ પ્રસ્તુત કરે છે. તેમની ગાયનશૈલીમાં વિલંબિત લય, ગમકની તાનો, સ્વરની તાનો, ખ્યાલમાં સાહિત્યની ર્દષ્ટિએ સુંદર બંદિશો એ તેમના ગાયનની આગવી લાક્ષણિકતાઓ છે.

સાણંદ ઠાકોરસાહેબના તેઓ માનસ પુત્ર ગણાતા હતા અને તેથી તો તેમની બંદિશોમાં પંડિતજી ઠાકોરસાહેબની કૃતિઓ પોતાની ગાયકી દ્વારા વિશેષ રૂપે પ્રસ્તુત કરતા હોય છે. ઠાકોરસાહેબને શ્રદ્ધાંજલિ રૂપે તેમણે ‘જયવંતી તોડી’ રાગની રચના કરી છે. તેમની સર્જનાત્મક કૃતિઓમાં ‘ગીત-ગોવિંદમ્’, ‘સૂર-લય-છંદ’, ‘સૂરપદાવલિ’ તથા ‘સંગીતસૌરભ’ મુખ્ય છે.

જસરાજજીએ પિતાના નામે પં. મોતીરામજી સંગીત અકાદમીની સ્થાપના કરી છે, જેનું સંચાલન તેમનાં સંગીતજ્ઞ ધર્મપત્ની મધુરા કરે છે. તેમની બહોળી શિષ્યપરંપરામાં સંજીવ અભ્યંકર, અનુરાધા પૌડવાલ, આસિત દેસાઈ અને ઊગતા કલાકારો શ્વેતા ઝવેરી અને નીરજ પરીખ મુખ્ય છે. દેશવિદેશમાં અતિ સન્માન મેળવી ચૂકેલા આ યશસ્વી ગાયકનું ભારત સરકારે 1975માં ‘પદ્મશ્રી’ અને 1990માં ‘પદ્મભૂષણ’થી સન્માન કરેલું છે. ઉપરાંત હરિયાણા સરકારે ‘સંગીતમાર્તંડ’, વૃંદાવને ‘સ્વામી હરિદાસ સંગીતરત્ન’ અને ભોપાલની સાંસ્કૃતિક સંસ્થાએ ‘કલારત્ન’ જેવી ઉપાધિઓ તેમને અર્પણ કરી છે.

પ્રતિમા જી. શાહ