જસદણ : રાજકોટ જિલ્લાના રાજકોટ સબડિવિઝનમાં આવેલ તાલુકો અને તે જ નામનું તાલુકા – મથક. આ તાલુકામાં જસદણ અને વીંછિયા બે શહેરો અને 100 ગામો છે. જસદણ નામ ક્ષત્રપ રાજા ચષ્ટનના નામ ઉપરથી પડ્યું હોવાનું અનુમાન છે.

આ તાલુકાની દક્ષિણે અમરેલી જિલ્લો, પશ્ચિમે રાજકોટ જિલ્લાના ગોંડળ, કોટડાસાંગાણી અને રાજકોટ તાલુકાઓ, ઉત્તરે સુરેન્દ્રનગર જિલ્લો અને પૂર્વમાં ભાવનગર જિલ્લો આવેલો છે. આ તાલુકાનો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાને સ્પર્શતો ઉત્તર તરફનો ભાગ ડુંગરાળ છે. બાકીનો સમગ્ર તાલુકો સરેરાશ 150 મી.ની ઊંચાઈ ધરાવતો સપાટ પ્રદેશ છે. જસદણથી શરૂ થતી યાંગા ડુંગરમાળાવાળો ઉચ્ચ પ્રદેશ આનંદપુર ભાડલા પાસે 303 મી. ઊંચો છે અને તેના ફાંટા દક્ષિણ અને ઉત્તર તરફ ફેલાયેલા છે. જમણી બાજુનો ફાંટો મંદાર ટેકરીઓ તરીકે ઓળખાય છે.

આ તાલુકામાં સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી ભાદર જસદણથી ઉત્તરે 11.2 કિમી. દૂરથી નીકળે છે અને શરૂઆતના 19.2 કિમી. સુધી દક્ષિણે વહે છે. આ નદીમાં બારે માસ પાણી રહે છે. બીજી એક નદી ઘેલો છે. તેની ઉપર ઘેલા સોમનાથનું પ્રખ્યાત શિવમંદિર છે.

આ તાલુકો સમુદ્રથી દૂર છે તેથી આબોહવા વિષમ છે. મે માસમાં વધારે ગરમી પડે છે. તાપમાન 40° સે.થી વધીને 45° સે. થાય છે. જાન્યુઆરી સૌથી વધુ ઠંડો માસ છે. સરેરાશ દૈનિક તાપમાન 29.4° સે. અને લઘુતમ સરેરાશ તાપમાન 10° સે. રહે છે. ઑક્ટોબર માસમાં બીજી વખત વધુ તાપમાન રહે છે.

તાલુકામાં 617.5 મિમી. વરસાદ પડે છે, જ્યારે જિલ્લામાં સરેરાશ વરસાદ 589.7 મિમી. છે. બધો વરસાદ જૂનથી સપ્ટેમ્બર સુધીમાં પડે છે.

આ તાલુકામાં 7877 હેક્ટરમાં જંગલો છે. તેમાં બાવળ, ગાંડો બાવળ, ઘાસ, આવળ, ખાખરો વગેરે વૃક્ષો છે. જંગલમાં દીપડા, જરખ, શિયાળ, વરુ, ઘોરખોદિયું, ચીતળ, કાળિયાર, શેળો, નોળિયો, સસલું વગેરે પ્રાણીઓ જોવા મળે છે. બટેર, તેતર, કાળોકોશી, બાજ, ટિટોડો, કબૂતર, હોલો, સમળી, ગીધ, કાબર, કાગડો જેવાં પક્ષીઓ જોવા મળે છે. જળસાપ, નાગ, ચીતળો, ચાકણ વગેરે સાપની વિવિધ જાતો જોવા મળે છે. ગાયો, ભેંસ, ઘેટાં, બકરાં વગેરે પ્રાણીઓની પણ સારી સંખ્યા છે.

આ તાલુકાના ડુંગરોમાંથી બાંધકામ માટેના પથ્થરો, માટી, કપચી, મુરમ વગેરે ખોદી કાઢવામાં આવે છે. આ ઉપરાંત સારી જાતના ચૂનાના પથ્થરો પણ મળે છે.

જસદણ તાલુકાનો કુલ 1,32,307 હેક્ટર વિસ્તાર છે. તે પૈકી આશરે 82,964 હેક્ટર જમીનનો ખેતી માટે ઉપયોગ થાય છે. 14,055 હેક્ટર જમીન ઉજ્જડ છે. 6,681 હેક્ટર જમીન ગોચરની જમીન છે, જ્યારે 11,827 હેક્ટર જમીન ચાલુ પડતર છે; જંગલ નીચે 7,877 હેક્ટર જમીન છે. 25 % જમીનમાં કૂવાઓથી સિંચાઈ થાય છે.

જસદણ તાલુકામાં ખાદ્ય પાકો વવાય છે. કુલ ખેતીલાયક જમીન પૈકી તેનું પ્રમાણ 34.38 % છે. જુવાર, બાજરી અને ઘઉંનું વાવેતર મુખ્ય છે. અન્ય પાકોમાં શેરડી, મગફળી, કપાસ અને જીરું છે. 62,339 હેક્ટર જમીન અખાદ્ય પાકો નીચે હતી. તલ થોડા પ્રમાણમાં વવાય છે. કપાસ 9,329 હેક્ટરમાં વવાય છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. આ જિલ્લામાં જસદણ ખાતે ઔદ્યોગિક વસાહત છે. તેલ મિલ, કપાસ લોઢવાનું જિન તથા કેટલાક હસ્તઉદ્યોગો આ તાલુકામાં આવેલ છે.

2001માં આ તાલુકાની વસ્તી 2,62,930 હતી. ચોથા ભાગની વસ્તી હિંદુ છે. જૈન અને મુસલમાનોની થોડી વસ્તી છે. હિંદુઓ પૈકી કાઠી કોમની થોડી વસ્તી છે. આ કોમ લડાયક કોમ તરીકે જાણીતી છે.

1911થી રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત કરાયું હતું. 1928 પછી માધ્યમિક શિક્ષણ મફત હતું. આ સિવાય જસદણ અને વીંછિયામાં પુસ્તકાલયો અને જસદણમાં મદરેસા અને સંસ્કૃત પાઠશાળા હતી. હાલ ગ્રંથાલયો અને વાચનાલયો છે. 1981માં ગ્રામવિસ્તારના 15.42 % લોકો અક્ષરજ્ઞાન ધરાવતા હતા, જ્યારે શહેરી વિસ્તારના 67.60 % લોકો અક્ષરજ્ઞાન ધરાવતા હતા. આ સિવાય બાલમંદિર અને બાલવાડી આવેલાં છે.

તાલુકા મથક જસદણ 22° ઉ. અ. અને 71°–10’ પૂ. રે. ઉપર આવેલું છે. ભૂતપૂર્વ જસદણ રાજ્યની તે રાજધાની હતી. 1991માં જસદણની 39,041 (2001) વસ્તી હતી. શહેરમાં તેલની મિલ અને વીંછિયામાં જિન છે.

ઇતિહાસ : જસદણથી ઈશાન ખૂણે 11.2 કિમી. ઉપર ક્ષત્રપકાલીન શિલાલેખ મળી આવ્યો હતો. તે તેની પ્રાચીનતા સૂચવે છે. જૂનાગઢના ઘોરી વંશના નવાબના શાસન દરમિયાન જસદણ ઘોરીગઢ તરીકે ઓળખાતું હતું. અહીં કાઠીઓના હુમલા ખાળવા કિલ્લો બંધાયો હતો. ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજાના સમકાલીન (1572) લોમા ખુમાણના વંશજ જસા ખુમાણ પાસેથી 1665માં વિકા ખાચરે જસદણ કબજે કરી આજુબાજુનો પ્રદેશ કબજે કર્યો હતો. વિકાના પિતાનું નામ માણસિયો અને દાદાનું નામ લખોજી હતું. તેથી તેના વંશજો ‘લખાણી’ શાખાના કહેવાય છે. વિકા ખાચરનું 1685માં અવસાન થયું હતું. તેનો પુત્ર માણસિયો બીજો જસદણની ગાદીએ આવ્યો. ખુમાણો સાથેના યુદ્ધમાં તેનું મરણ થતાં તેનો ઓરમાન ભાઈ ચલો, પછી ઓઢો અને વાજસૂર ગાદીએ આવ્યા. વાજસૂરની સગીર અવસ્થા હતી ત્યારે તેના કાકા જેઠસૂર વાલી તરીકે વહીવટ કરતા હતા. જેઠસૂરના મરણ પછી વાજસૂર પુખ્તવયે ગાદીએ બેઠા. 1787માં ધંધૂકા, રાણપુર અને આરાટમ ગામોમાંથી વાજસૂરે કર ઉઘરાવ્યો હતો. 1781માં લીંબડી સાથે તકરાર થતાં લીંબડી રાજ્યે તેને એક ગામ આપી સમાધાન કર્યું હતું.

1801માં નવાનગરના જામે જસદણ ઉપર ચડાઈ કરી. વાજસૂર મોટા લશ્કરનો સામનો કરી શકે તેમ ન હોવાથી તેણે જસદણ છોડી ભાવનગરમાં આશ્રય લીધો. જામે જસદણમાં લૂંટફાટ કરી આગ લગાડીને એક થાણું બેસાડ્યું હતું. જામ જસોજીના પુત્રના લગ્નપ્રસંગે આટકોટનો કિલ્લો આપી નજરાણું કર્યું અને ત્યારબાદ જસદણ તેમને પાછું મળ્યું. ભાવનગર સામે ચીતળને મદદ કરવાથી ભાવનગરના લશ્કરે જસદણનો કબજો લીધો હતો. તેના વખતમાં કર્નલ વૉકરે 1807માં સૌરાષ્ટ્રના બધા રાજાઓની નિયમિત ખંડણી નક્કી કરી લૂંટફાટ બંધ કરાવી. 1807માં બ્રિટિશરોએ જસદણ રાજ્યને થોડાં ગામો આપ્યાં અને 400 ઘોડેસવારોના ખર્ચ પેટે રૂ. 9,000 આપવાનું નક્કી થયું. 1810માં તેમનું મૃત્યુ થતાં ચેલો ખાચર બીજો જસદણની ગાદીએ આવ્યા. 1820માં રાજકોટમાં એજન્સી સ્થપાતાં તે રાજકોટ એજન્સી નીચે મુકાયું. જસદણ 1931 અને 1941માં વેસ્ટર્ન કાઠિયાવાડ એજન્સી નીચે હતું. તેનું મથક રાજકોટ હતું. 1943માં નાનાં રાજ્યો અને તાલુકાઓને ઍટેચમેન્ટ સ્કીમ નીચે નજીકનાં રાજ્યો સાથે જોડી દેવામાં આવ્યાં હતાં. જસદણને ભાવનગર રાજ્ય સાથે જોડ્યું હતું. 1948માં સૌરાષ્ટ્રનાં રાજ્યોનું એકીકરણ થતાં જસદણ મધ્ય સૌરાષ્ટ્ર જિલ્લાનો અને 1956 પછી રાજકોટ જિલ્લાનો તાલુકો બન્યું.

જસદણ તાલુકાના હીંગોળગઢમાં ઘોડા-ઉછેર કેન્દ્ર હતું. હવે તે પક્ષીઓના અભ્યાસ માટેનું કેન્દ્ર બન્યું છે. ભોંયરાની પ્રાચીન ગુફાઓ હીંગોળગઢ નજીક છે. બીજું મોટું ગામ વીંછિયા છે. આ શહેરમાં માધ્યમિક શાળા અને કુમાર અને કન્યાશાળા, પુસ્તકાલય અને બાલમંદિર છે. શહેરનો નાનકડો બગીચો છે. વીંછિયા વેપારી કેન્દ્ર છે. જસદણ-વીંછિયા રોડથી તે જોડાયું છે.

શિવપ્રસાદ રાજગોર