જશવંતસિંહ મહારાજા (જ. ? અ. ડિસેમ્બર 1678) : રાજસ્થાનના મારવાડ રાજ્યના રાઠોડ વંશના રાજવી તથા ગુજરાતના મુઘલ સૂબા. તેમના પિતા ગજસિંહને અમરસિંહ, જશવંતસિંહ અને અચલસિંહ એમ ત્રણ પુત્રો હતા. પિતાના મૃત્યુ પછી ભાયાતો તથા સરદારોએ સૌથી મોટા પુત્ર અમરસિંહને ગાદી માટે અયોગ્ય ઠરાવીને જશવંતસિંહને જોધપુરની ગાદી ઉપર બેસાડ્યા (મે, 1638).
શાહજહાંના શાસન દરમિયાન જશવંતસિંહની મનસબદારીમાં વૃદ્ધિ થતી ગઈ અને 1655માં તેમને મહારાજાની પદવી આપવામાં આવી.
શાહજહાંની બીમારી દરમિયાન (1657) જશવંતસિંહને માળવાના સૂબેદાર તરીકે નીમ્યા હતા, જ્યારે દારા રાજ્યનો વહીવટ સંભાળતો હતો. જશવંતસિંહે ભાઈઓ વચ્ચેના આંતરવિગ્રહમાં શરૂઆતમાં દારાને સાથ આપ્યો હતો. ઔરંગઝેબ તથા મુરાદના સંયુક્ત લશ્કરને દિલ્હી તરફ આગળ વધતું અટકાવવા જશવંતસિંહ તથા કાસિમખાને ઉજ્જનથી 22.4 કિમી. દૂર ધરપત પાસે 5-5-1658ના રોજ લડાઈ કરી પણ તેમાં તેમની હાર થઈ.
22 જુલાઈ 1658ના રોજ ઔરંગઝેબ સત્તા પર આવ્યો. જશવંતસિંહે ઔરંગઝેબનો બાદશાહ તરીકે સ્વીકાર કર્યો પરંતુ ખાનગીમાં તે તેમના વિરોધી રહ્યા. નવેમ્બર 1658માં ખજૂરાની લડાઈમાં બાદશાહ વતી જશવંતસિંહે ભાગ લીધો પણ તેમણે દ્રોહ કર્યો. તેમની જમણી પાંખ યુદ્ધના મેદાનમાંથી ખસી ગઈ અને બાદશાહના લશ્કર ઉપર હુમલો કરી તેમણે લૂંટ ચલાવી તેમજ તેના 14,000 સૈનિકો સાથે તે મારવાડ ચાલ્યા ગયા.
1659માં જશવંતસિંહ ગુજરાતના સૂબા તરીકે નિમાયા ત્યારે રહમતખાન તેમનો દીવાન હતો; પરંતુ ઔરંગઝેબ ઉત્તર હિંદના તે સમયના શક્તિશાળી રાજ્ય મારવાડને પોતાની સીધી હકૂમત નીચે લાવવા ઇચ્છતો હતો કારણ કે દિલ્હી, અમદાવાદ, ખંભાત અને સૂરત વગેરે સમૃદ્ધ શહેરો અને બંદરોને જોડતો ટૂંકો માર્ગ, મારવાડમાંથી પસાર થતો હતો. ગુજરાતની સમૃદ્ધિથી આકર્ષાઈને પણ તે મારવાડને પોતાના સીધા અંકુશ નીચે લાવવા ઇચ્છતો હતો. પ્રથમવાર 1659થી 1662 સુધી જશવંતસિંહે ગુજરાતની સૂબાગીરી કરી. પણ ખરેખર વહીવટ તેમના માણસો સંભાળતા હતા. 1662માં તેમને બોલાવી લેવાયા. ત્યાર બાદ જ્યારે તે બુરહાનપુરની છાવણી સંભાળતા હતા, ત્યારે શાઇસ્તખાનને દખ્ખણમાં મરાઠાઓ (શિવાજી) વિરુદ્ધ સહાય કરવા માટે 1670માં મોકલવામાં આવ્યા.
1670–72 દરમિયાન જશવંતસિંહ ફરી ગુજરાતના સૂબા તરીકે નિમાયા. નવાનગરના જામ તમાચીને નવાનગરની ગાદી ઉપર તેમણે પ્રસ્થાપિત કર્યા. જશવંતસિંહને ધંધૂકા અને પેટલાદની મહેસૂલની આવક ફાળવાઈ હતી. તે કારણે તે ઝાલા વંશના રાજવીઓના પરિચયમાં આવ્યા. તેમના કુટુંબની એક કુંવરી હળવદ પરણાવી. આંતરિક ખટપટને કારણે જશવંતસિંહે હળવદ ઉપર ચડાઈ કરી અને ચંદ્રસિંહ ઝાલાને હરાવ્યા. ખંભાતના બંદરની આ કાળ દરમિયાન કાંપના પુરાણને કારણે અવનતિ થઈ અને ખંભાતનો વેપાર સૂરત ઘસડાઈ ગયો.
ગુજરાતની સૂબાગીરી દરમિયાન તે કાંઈક ખટપટ કરતા હતા એવો વહેમ આવતાં તેમને સૂબાગીરીપદથી ફારેગ કરવામાં આવ્યા, અને તેથી તે જોધપુર જઈને રહ્યા. હિંદુ ધર્મ વિરોધી ઔરંગઝેબની નીતિને કારણે પણ જશવંતસિંહ ઔરંગઝેબ વિરુદ્ધ જાય તેવી શક્યતા હતી. આ કારણે હિંદથી દૂર રાખવા માટે ખૈબરઘાટ, પેશાવર જિલ્લો અને કાબૂલના સૂબા તરીકે તેમની નિમણૂક કરાઈ. તેમના શૂરા રાજપૂત સૈનિકોએ આ પ્રદેશ ઉપર કાબૂ જમાવ્યો અને પઠાણોને નમાવ્યા.
અહીંના વસવાટ દરમિયાન તેમના બે પુત્રો ખરાબ હવાને કારણે મરણ પામ્યા. ઔરંગઝેબે તેમના મોટા પુત્ર પૃથુસિંહને સન્માનના બહાને જોધપુરથી દિલ્હી બોલાવી ઝેર આપી મારી નંખાવ્યો. આ સમાચાર સાંભળી જશવંતસિંહ ખૂબ દુ:ખી થયા.
જશવંતસિંહ શૂરવીર, સંસ્કારી અને કલાપ્રેમી હતા. પણ ઔરંગઝેબે તેમની વફાદારીની કદર કરવાને બદલે તેમનું રાજ્ય પડાવી લેવા કાર્યવાહી કરી.
રમણલાલ ક. ધારૈયા
મુગટલાલ પોપટલાલ બાવીસી