જશુમતી કંકુવતી : ગુજરાતી નાટ્યસંગ્રહ. ‘બારાડીનાં બે નાટકો’ (1984) અંતર્ગત પ્રગટ થયેલું, 1980માં લખાયેલું ને 1982માં ભજવાયેલું દ્વિઅંકી નાટક. તેની રચના વનવેલી છંદમાં થયેલી છે. તે શોષણલક્ષી સામાજિક જીવનરીતિને પ્રતીકાત્મક રીતે નિરૂપે છે. મુગ્ધ કિશોરી જશુમતીને વય પ્રાપ્ત થતાં પરણાવી દેવાય છે ત્યાંથી શરૂ થતું શોષણ મુખ્યત્વે એને, ગૌણ ભાવે તો સપડાતા સૌને, વિવિધ રીતે વીંટળાય છે. પતિને દેવામાં ડુબાડાય, એથી પત્નીનું જાતીય શોષણ થાય; સંવેદનશીલ વિનાયક પણ શોષણભરડામાં ફસાઈ લાચાર, બરડ ને વિ-નાયક થતો જાય; સાબુ, પાઉડર અને ફીનૉપ્થેલીન ભેગાં ઘસતાં બનતા લાલ પાઉડરને કંકુ ખર્યાના ચમત્કાર રૂપે લેખવી, જશુમતીને કંકુવતીના આદરણીય મોભા સુધી પહોંચાડવાનો ખેલ કરી ધન-પ્રતિષ્ઠા મેળવનાર એનું શોષણ શરૂ કરે; એની સંવેદનશીલતા આ દંભની ના પાડે ત્યારે જશુમતી કંકુવતી : બે તૈયાર જ હોય અને એણે (નાની ઉંમરની હોવા છતાં) વાસ્તવિક લાચારીને પામી જઈને આ સ્થિતિને જીવનરીતિ તરીકે સ્વીકારી છે એવું સમજાતાં જશુમતી : એક પણ એ રસ્તે શરણે જાય – જીવનમાં આ શોષકો દ્વારા અપાયેલ એક નાટ્યભૂમિકા (રોલ) તરીકે સ્વીકારી લે – એવા વિષયવસ્તુના તંતુઓની કંઈક કાવ્યાત્મક, ચિત્રાત્મક ને નાટ્યાત્મક આલેખન-રજૂઆત વિવિધ નાટ્ય-પ્રયુક્તિઓનેય પ્રયોજે છે જેમાંની કેટલીક આકર્ષક ને સાર્થક પણ છે.

વનવેલીને પદ્ય-નાટકના સાહિત્ય-માધ્યમ તરીકે નહિ પણ ‘થિયેટ્રિકલ સ્ટેટમેન્ટ’ તરીકે એટલે કે ‘શૈલીપરક નાટ્યધર્મી રૂપરચના’ કે ભાત તરીકે યોજ્યો છે એવું લેખકે પશ્ચાત્કથનમાં કહ્યું છે. નાટકને ‘વધુ અભિનેય’ બનાવવા આવતો આ વનવેલીલય નાટ્યભાષા તરીકે, પાત્રોક્તિના મરોડો રૂપે ને ક્યાંક પ્રયુક્તિ તરીકેય સફળ જરૂર થયો છે પરંતુ ક્યાંક ક્યાંક સંવાદની-બોલચાલની સહજ ગતિને એ અનુસરતો નથી ત્યાં એ ખટકે પણ છે.

વૃંદ (કોરસ) પાસેથી સમૂહ-પાત્ર તથા વ્યક્તિગત પાત્રો તરીકેનું કામ લેવાની તેમજ એક જ પાત્રના વ્યક્તિત્વરૂપને બે પાત્રો (અહીં જસુમતી : એક, જશુમતી : બે) દ્વારા પ્રતીકાત્મકતાથી પ્રભાવક રૂપે મૂકી આપવાની હસમુખ બારાડીની નાટ્યકાર તરીકેની વિશેષતાનો અહીં સારો પરિચય થાય છે.

રમણ સોની