જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી : ભારતની એક કેન્દ્રીય યુનિવર્સિટી. વડાપ્રધાન જવાહરલાલ નેહરુની સ્મૃતિમાં સંસદના વિશેષ ધારા દ્વારા 1969માં નવી દિલ્હીમાં તેની સ્થાપના કરવામાં આવી. યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર અને સ્વરૂપ રાષ્ટ્રવ્યાપી છે. યોગ્યતાના ધોરણે જ પ્રવેશ અપાય છે. આમ છતાં, નબળા વર્ગને અનેક પ્રકારે છૂટછાટો અપાય છે. પ્રવેશકસોટી તથા સમાલાપ દ્વારા પ્રવેશ અપાય છે. પ્રતિવર્ષે મે મહિનામાં પ્રવેશકસોટી દેશનાં પ્રમુખ સ્થળોએ યોજાય છે. તે પૂર્વે રાષ્ટ્રીય વર્તમાનપત્રોમાં વિજ્ઞાપન આપી આવેદનપત્રો મંગાવવામાં આવે છે. 14 ઑગસ્ટ પ્રવેશ માટેની અંતિમ તારીખ હોય છે. દરેક વિષયમાં 22.5 % અનુસૂચિત જાતિ તથા જનજાતિ માટે, 30 % વિકલાંગો માટે તથા 10 % પરદેશીઓ માટે આરક્ષિત રખાય છે. શિક્ષણકાર્ય, સિમેસ્ટર પદ્ધતિથી ચાલે છે : વર્ષા સિમેસ્ટર 22–7થી 5–12 અને શરદ સિમેસ્ટર 6–1થી 12–5. તેમાં કોઈ વાર થોડો ફેરફાર કરાય છે.

ગ્રંથાલયમાં 4 લાખથી અધિક પુસ્તકો છે. 3000 જેટલાં સામયિકો તથા વૃત્તપત્રો મંગાવવામાં આવે છે. પરીક્ષાના દિવસોમાં ગ્રંથાલય મધરાત સુધી ખુલ્લું રહે છે. નિવાસી યુનિવર્સિટી હોવાથી બહારથી આવતા વિદ્યાર્થીઓ માટે નિવાસની સમસ્યા નડે છે. સંચાલકો શક્ય તેટલા વિદ્યાર્થીઓને નિવાસ પૂરો પાડવા પ્રયત્ન કરે છે. યોગ્ય વિદ્યાર્થીઓને ફી-માફી અપાય છે. ઉચ્ચ પદવી માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિઓની વ્યવસ્થા છે. રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, અભ્યાસેતર પ્રવૃત્તિ, આદિને ઉત્તેજન આપવામાં આવે છે. આંતરિક મૂલ્યાંકન તથા મધ્યસત્ર અને સત્રાંત પરીક્ષા પર ભાર મુકાય છે.

વિષયો તથા પદવીની વિગત આ પ્રમાણે છે : (i) અરબી, ચીની, જર્મન, જાપાની, ફારસી, ફ્રેન્ચ, રશિયાઈ તથા સ્પૅનિશમાં બી.એ. (ઓનર્સ), (ii) અરબી, અંગ્રેજી, ઉર્દૂ, ચીની, જર્મન, જાપાની, ફારસી, ફ્રેન્ચ, ભાષાશાસ્ત્ર, રશિયાઈ, સ્પૅનિશ તથા હિંદીમાં એમ.એ., (iii) આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એમ.એ., (iv) અર્થશાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર તથા સમાજશાસ્ત્રમાં એમ.એ., (v) સંગણક પ્રયોજનમાં એમ.સી.એ., (vi) જીવશાસ્ત્રો, પર્યાવરણ, ભૌતિકશાસ્ત્ર તથા જીવ-પ્રૌદ્યોગિકીમાં એમ.એસસી., (vii) ઉપરાંત એમ.ફિલ., એમ. ટેક., એમ.સીએચ. તથા પીએચ.ડી. પદવી.

ભાષા, જીવશાસ્ત્રો, ભૌતિકશાસ્ત્રો, જીવ-પ્રૌદ્યોગિકી, પર્યાવરણ, સંગણક, આંતરરાષ્ટ્રીય પ્રસંગો તથા સમાજવિદ્યાના વિષયો માટે 8 ભવનો છે.

સંસ્થાના સહયોગથી