જલાલી એહમદાબાદી (જ. 1581; અ. 1637) : ગુજરાતના મુહરવરદિયા સંપ્રદાયના સંત હઝરત શાહેઆલમ બુખારી (ર. અ.). તેમનો રોજો ચંડોળા તળાવ નજીક રસૂલાબાદમાં આવેલો છે. અને જેમના નામ સાથે સંકળાયેલો વિસ્તાર આજે શાહેઆલમથી વધુ જાણીતો છે તેમના વંશજ, જલાલીનું મૂળ નામ મુહમ્મદ, નિઝામુદ્દીન લકબ, અબુલ ફતેહ કુનિયત અને મકબૂલે આલમ ખિતાબ. પિતાનું નામ સૈયદ જલાલુદ્દીન માહે આલમ અને માતાનું નામ આમેના.
જલાલીની બાલ્યાવસ્થા અને તેમના અભ્યાસ વિશે તેમની કૃતિ ‘લતાઇફે શાહિયા’ના અધ્યયન પરથી થોડી જાણકારી મળે છે કે જલાલીએ કુરાન શરીફનું પ્રાથમિક જ્ઞાન રસૂલાબાદની કોઈ મદરેસામાં પ્રાપ્ત કર્યું હતું અને તેમના ગુરુ શેર મુહમ્મદ રસૂલાબાદની જુમ્મા મસ્જિદના શાહી ઇમામ હતા. વળી તેમણે હદીસ, તફસીર, જ્યોતિષશાસ્ત્ર અને તત્વજ્ઞાનમાં નિપુણતા પ્રાપ્ત કરી હતી. જલાલી અરબી અને ફારસી ભાષા ઉપર પ્રભુત્વ ધરાવતા હતા. જલાલીએ સરળ અને સાદી ભાષામાં કુરાન શરીફનો અનુવાદ કર્યો હતો. જલાલીની ખ્યાતિ તેમની ગદ્ય કૃતિઓના કારણે છે; પરંતુ તે એક સારા કવિ અને મહાન સંત હતા. તે પોતાના પિતા સૈયદ જલાલુદ્દીન માહેઆલમના મુરીદ અને ખલીફા હતા. તે સંયમી અને અત્યંત સહનશીલ હતા. તેમણે અતિ સાદું જીવન ગુજાર્યું હતું. સૂફીઓ સાથે શ્રદ્ધાપૂર્વક મળતા અને આદર કરતા.
જહાંગીરે અમદાવાદની મુલાકાત વખતે (1617) જલાલીનાં દર્શન કર્યાં હતાં. જહાંગીર અમદાવાદથી ખંભાત જવા રવાના થયો ત્યારે જલાલી પણ તેની સાથે હતા. જહાંગીરની મુલાકાત પછી તુરત જલાલી આગ્રા ગયા હતા. આગ્રા શહેરમાં ‘જુમાતે શાહિયા’નો એક ભાગ 1618માં રમઝાન ઈદના દિવસે સંપૂર્ણ કર્યો હતો.
જલાલી જીવનનાં છેલ્લાં વર્ષોમાં દમની બીમારીથી પીડાતા હતા. 8 વર્ષ સુધી પીડાયા પછી 56 વર્ષની વયે તેમનું અવસાન થયું. તેમની દફનવિધિ હઝરત શાહેઆલમના રોજાના પશ્ચિમી દરવાજા પાસે આવેલ રોઝ એ સાનિયામાં કરવામાં આવી જે કદમે રસૂલની દરગાહથી આજે જાણીતી છે. તેમની કૃતિઓ ‘અહસા ઉલ અસમા’, ‘જામે ઉલ મમના’, ‘અફકારૂલ અઝહાર’, ‘તરજમઉલ કુરઆન’, ‘લતાઈ ફે શાહિયા’ અને ‘જુમાતે શાહિયા’ છે.
જમાલુદ્દીન રહીમુદ્દીન શેખ