જલંધર : પંજાબ રાજ્યનો જિલ્લો તથા ઔદ્યોગિક નગર. તે આશરે 31° 18’ ઉ. અ. અને 75° 34’ પૂ. રે.ની આજુબાજુના 2632 ચોકિમી. વિસ્તાર આવરી લે છે. દિલ્હીથી આશરે 368 કિમી. તથા હોશિયારપુરથી આશરે 39 કિમી.ના અંતરે છે. આ પ્રાચીન નગર સાતમી સદીમાં રાજપૂત વંશના રાજાઓનું પાટનગર હતું. પંજાબનું નવું પાટનગર ચંડીગઢ બંધાયું ત્યાં સુધી 1947થી 1954 દરમિયાન તે પંજાબ રાજ્યનું પાટનગર હતું. રાજ્યનાં મોટાં નગરોમાં તે ત્રીજા ક્રમે આવે છે. જિલ્લાની વસ્તી 21,81,753 (2011) છે. જિલ્લા અને વિભાગીય મથક ઉપરાંત તે કૃષિપેદાશોનું વ્યાપારકેન્દ્ર અને ઔદ્યોગિક મથક છે. તે રેલ અને રાષ્ટ્રીય ધોરી માર્ગે પઠાણકોટ, અમૃતસર, લુધિયાણા, અંબાલા જેવાં રાજ્યનાં અગત્યનાં શહેરો સાથે સંકળાયેલું છે.

આ શહેરમાં રમતગમતનાં સાધનો બનાવવાનો ઉદ્યોગ સૌથી મોટો છે. 1947 પહેલાં આ ઉદ્યોગ સિયાલકોટ(પાકિસ્તાન)માં કેન્દ્રિત હતો, પણ દેશના વિભાજન પછી સિયાલકોટથી અહીં આવીને વસેલા કારીગરોએ આ ઉદ્યોગનો વિકાસ કર્યો છે. તે માટેનું જરૂરી લાકડું હિમાચલ પ્રદેશ અને કાશ્મીરનાં જંગલોમાંથી તેમજ અન્ય કાચો માલ સ્થાનિક રીતે ઉપલબ્ધ થાય છે. અહીંથી રમતગમતનાં સાધનોની યુરોપના દેશો, કૅનેડા, યુ.એસ., દૂર પૂર્વના અને અગ્નિએશિયાના દેશો, ઑસ્ટ્રેલિયા વગેરેમાં નિકાસ કરવામાં આવે છે. આ સિવાય અહીં ખાંડ, કાચ, કાગળ, ચિનાઈ માટી, ધાતુનો સરસામાન, ચામડાં કેળવવાં અને ચામડાંની ચીજો બનાવવી, વણાટકામ, સુથારીકામને લગતા ઉદ્યોગો તેમજ ઇજનેરી ઉદ્યોગનો પણ વિકાસ થયેલો છે. ઇજનેરી ઉદ્યોગોમાં મુખ્યત્વે સીવણ-સંચા, ખેત-ઓજારો, ડીઝલ ઑઇલ-એન્જિન, વીજળીનાં સાધનો, સાઇકલ તથા ઑટો-વાહનોના ભાગો, હાથ-ઓજારો, મશીન ટૂલ્સ, વાઢકાપ માટેનાં અને દાક્તરી તથા વૈજ્ઞાનિક ઉપકરણો, ઇલેક્ટ્રૉનિક સાધનો, વૉટર મીટર, બૉલ-બેરિંગ, સંગીતનાં સાધનો વગેરેનો સમાવેશ થાય છે.

જલંધર તેની આસપાસના ઘણા પરાવિસ્તારોને આવરે છે અને તેના દક્ષિણ ભાગમાં વિશાળ કૅન્ટૉન્મેન્ટ છે. તેનું હવાઈ મથક શહેરથી લગભગ 14 કિમી. પૂર્વમાં આવેલું છે. પંજાબ યુનિવર્સિટી સાથે સંલગ્ન 9 કૉલેજો અહીં આવેલી છે.

પ્રાચીનકાળમાં આ નગર ત્રિગર્ત રાજ્યનું પાટનગર હતું. સાતમી સદીમાં જાણીતા પ્રવાસી યુઅન શ્ર્વાંગે આ નગરની મુલાકાત લીધી હતી એવા ઉલ્લેખો સાંપડે છે. મુઘલ સામ્રાજ્યના સમયગાળા દરમિયાન આ નગર સતલજ તથા બિયાસ નદી વચ્ચેના પ્રદેશનું પાટનગર હતું.

સતલજ નદીથી ઉત્તરમાં આવેલો આશરે 2658 ચોકિમી. ક્ષેત્રફળને આવરતો જલંધર જિલ્લાનો પ્રદેશ, સપાટ ફળદ્રૂપ મેદાનોનો બનેલો છે. ઘઉં, મકાઈ, કપાસ, શેરડી, ચણા વગેરે અહીંના મુખ્ય પાકો છે. રાજ્યના મુખ્ય 2 વિભાગો પૈકીના જલંધર વિભાગમાં જલંધર, હોશિયારપુર, કપૂરથલા, ફિરોજપુર, લુધિયાણા, અમૃતસર અને ગુરુદાસપુર જિલ્લાનો સમાવેશ થાય છે.

બીજલ પરમાર