જલવિભવ : પાણીનો રાસાયણિક વિભવ. રાસાયણિક તંત્રમાં આવેલ એક મોલ પદાર્થની મુક્તશક્તિને તે પદાર્થનો રાસાયણિક વિભવ કહે છે. તેથી અચળ દબાણે અને તાપમાને રાસાયણિક વિભવનો આધાર તે પદાર્થની મોલ સંખ્યા પર રહેલો હોય છે. પાણીનો જલવિભવ ગ્રીક મૂળાક્ષર (psi – સાય) દ્વારા દર્શાવાય છે. તે પ્રમાણભૂત સ્થિતિમાં કોઈ એક તંત્રમાં રહેલા પાણીના રાસાયણિક વિભવ અને શુદ્ધ પાણીના રાસાયણિક વિભવ વચ્ચેનો તફાવત છે, જે નીચેના સૂત્ર દ્વારા દર્શાવાય છે :

અહીં R = વાયુ અચળાંક (8.3    107  અર્ગ/ મોલ/ ડિગ્રી); T= નિરપેક્ષ તાપમાન (oK), e = T તાપમાને તંત્રમાં રહેલા પાણીનું બાષ્પદબાણ, e° = તે જ તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પદબાણ,  પાણીનું મોલલ કદ (18.0 સેમી.3/મોલ).

જલવિભવ સામાન્યત: બાર્સમાં (1 બાર = 106 અર્ગ સેમી3 અથવા 106 ડાઇન્સ સેમી-2) અથવા મેગાપાસ્કલ(1M pa = 10 બાર)માં માપવામાં આવે છે.

જલવિભવ વનસ્પતિકોષો કે પેશીઓમાં પાણીના પ્રમાણનું ચોક્કસ મૂલ્ય દર્શાવે છે. જેમ વનસ્પતિકોષો કે પેશીઓનો જલવિભવ નીચો તેમ તેમની પાણી શોષવાની શક્તિ વધારે અને જેમ જલવિભવ ઊંચો તેમ વધારે શુષ્ક કોષો કે પેશીને પાણી પૂરું પાડવાની શક્તિ વધારે. આમ વનસ્પતિ-દેહધર્મવિજ્ઞાનીઓ જલવિભવનો ઉપયોગ વનસ્પતિકોષો કે પેશીમાં પાણીની અછત કે જલતાણ માપવામાં કરે છે. શુદ્ધ પાણીનો જલવિભવ શૂન્ય હોય છે. વનસ્પતિપેશીમાં જલવિભવ હંમેશાં શૂન્ય કરતાં ઓછો હોવાથી તે ઋણ અંક દર્શાવે છે.

સામાન્ય રીતે પૂરતા પ્રમાણમાં પાણી ધરાવતી ભૂમિમાં મૂળ નાખતી વનસ્પતિઓનાં પર્ણોમાં જલવિભવ લગભગ –2થી –8 બાર્સ હોય છે. તેમનાં પર્ણોનો વૃદ્ધિનો દર ઊંચો હોય છે. ભૂમિમાં ભેજનો પુરવઠો ઘટતાં જલવિભવ – 8 બાર્સ કરતાં વધારે ઋણ બને છે. તેમાં થતી વનસ્પતિનાં પર્ણની વૃદ્ધિનો દર નીચો હોય છે.

–15 બાર્સ સુધી જલવિભવ હોય ત્યારે શાકીય વનસ્પતિઓનાં પર્ણો પ્રમાણમાં ટૂંકા સમય પૂરતાં જ જીવંત રહે છે. –20થી –30 બાર્સ જેટલો જલવિભવ થતાં શાકીય વનસ્પતિનાં પર્ણો મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી શકતાં નથી. જલવિભવ –30થી –60 બાર્સ હોય ત્યારે આવી અત્યંત શુષ્ક પરિસ્થિતિમાં મરુનિવાસી ક્ષુપ વનસ્પતિઓનાં પર્ણો અસ્તિત્વ ટકાવી શકે છે. જીવંત હવાશુષ્ક બીજનો જલવિભવ  –60 થી –100 બાર્સ જેટલો હોય છે.

25° સે. તાપમાને હોગ્લૅડના જલસંવર્ધન માધ્યમનો –0.7 બાર; દરિયાના પાણીનો 25  બાર્સ, એક મોલલ સુક્રોઝના દ્રાવણનો –26.9 બાર્સ અને એક મોલલ પોટૅશિયમ ક્લોરાઇડના દ્રાવણનો  –44.6 બાર્સ હોય છે.

બળદેવભાઈ પટેલ