જલવાહક પેશી (water conducting tissue)

જલવાહક પેશી (water conducting tissue) : વનસ્પતિનો, સંવહનપેશી-તંત્ર(vascular system)નો એક ભાગ, જે મૂળ દ્વારા શોષાયેલાં પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોનું વનસ્પતિનાં અન્ય અંગો જેવાં કે પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ વગેરે તરફ વહન કરે છે તેમજ વનસ્પતિને યાંત્રિક આધાર આપે છે. મૂળવર્ધી અગ્ર અને પ્રરોહવર્ધી અગ્રના વિભાજન પામતા કોષો પ્રાથમિક જલવાહક પેશી ઉત્પન્ન કરે છે; તેમાં પ્રથમ વિભેદન પામતી પેશીને આદિદારુ (protoxylem) કહે છે; જ્યારે પાછળથી વિભેદન પામતી પેશીને અનુદારુ (metaxylem) કહે છે. જલવાહક પેશીમાં આદિદારુ બહારની તરફ હોય તો તેને બહિરારંભી; અને અંદરની તરફ હોય તો તેને અંતરારંભી અને આદિદારુ અનુદારુ વડે ઘેરાયેલ હોય તો તેને મધ્યારંભી કહે છે.

એધા (પાર્શ્વીય વર્ધનશીલ પેશી – cambium) દ્વારા વૃદ્ધિની ઋતુઓમાં દ્વિતીય જલવાહક પેશીનો ઉમેરો થાય છે. એધાના કોષો પ્રકાંડ કે મૂળના કેન્દ્ર તરફ જલવાહક પેશીના નવા કોષો ઉત્પન્ન કરે છે.

જલવાહક પેશી જટિલ પેશી છે; તેમાં ચાર પ્રકારના કોષો જોવા મળી શકે : (1) જલવાહિનિકી, (2) જલવાહિની, (3) કાષ્ઠમૃદુતક (wood parenchyma) અને (4) કાષ્ઠતંતુ (xylem). તેઓ પૈકી જલવાહિનિકી અને જલવાહિની નલિકા અને નિર્જીવ કોષો છે; તેમની કોષદીવાલમાં લિગ્નિનનું વલયાકાર, કુંતલાકાર, સોપાનાકાર, જાલાકાર, પરિવેષ્ટિત ગર્તાકાર કે સાદા ગર્તાકાર સ્વરૂપે સ્થૂલન થયેલું હોય છે તે બંને પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોનું વહન કરે છે. જલવાહિનિકીના છેડા ત્રાંસા વિટપયુક્ત અને છિદ્રવિહીન હોય છે. તે એક જ વર્ધનશીલ કોષમાંથી ઉત્પન્ન થાય છે. જ્યારે જલવાહિનીના છેડા છિદ્રોયુક્ત હોય છે; વિટપ હોય અથવા ન પણ હોય; તે એક કરતાં વધારે કોષોમાંથી ઉત્પન્ન થાય છે.

કાષ્ઠમૃદુતક જલવાહક પેશીમાં આવેલા જીવંત મૃદુતક કોષો (parenchyma) છે. તેઓ પાણી અને ખનિજ ક્ષારોનું પાર્શ્વીય વહન અને ખોરાકસંગ્રહનું કાર્ય કરે છે. કાષ્ઠતંતુઓ લાંબા ત્રાકાકાર નિર્જીવ ર્દઢોત્તક (sclerenchyma) તંતુઓ છે. તેમની દીવાલોમાં લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય છે. તેઓ યાંત્રિક પેશી તરીકે કાર્ય કરે છે.

જલવાહક પેશી કાષ્ઠમય પ્રકાંડ કે મૂળનો ઘણોખરો ભાગ રોકે છે.

બળદેવભાઈ પટેલ