જલવાયુ (water gas) : કાર્બન-મૉનૉક્સાઇડ તથા હાઇડ્રોજનનું મિશ્રણ. તાપદીપ્ત કોક (1200°થી 1400° સે.)ના સ્તર ઉપર વરાળ પસાર કરવાથી જલવાયુ બને છે.

C + H2O = CO + H2  29,000 કૅલરી

આ પ્રક્રિયા ઉષ્માશોષક હોઈ, કોક ઠંડો થઈ જાય છે. આમ થતું અટકાવવા તપ્ત કોક ઉપર હવા ફૂંકવી પડે છે અને ફરી તેને પ્રજ્વલિત કરવામાં આવે છે. આમ વારાફરતી વરાળ અને હવા તપ્ત કોક ઉપરથી પસાર કરવાં જરૂરી હોય છે. જેમ તાપમાન વધતું જાય તેમ COનું પ્રમાણ વધે છે. જલવાયુમાં ઘટકોનું સરાસરી પ્રમાણ કદ વાર નીચે મુજબ હોય છે : H2 (49.17); CO (43.75); CO2 (2.71); CH4 (0.31); N2 (4.0). જલવાયુનું કૅલરીમૂલ્ય 3115 કિ.કૅલરી/ ઘ.મી. (350 B.T.U./ cu. ft) છે પરંતુ તેને સળગાવવા માટે હવાનું માત્ર 2.5 કદ જરૂરી છે. તે ઉગ્ર ઉષ્ણ જ્યોત સાથે બળે છે.

જલવાયુમાંના કાર્બન-મૉનૉક્સાઇડનું કેટલુંક પ્રમાણ કાર્બન-ડાયૉક્સાઇડ તથા હાઇડ્રોજનમાં રૂપાંતર કરવાથી CO + H2ના કોઈ પણ પ્રમાણનું મિશ્રણ મેળવી શકાય છે. આવા મિશ્રણને સંશ્લેષિત વાયુ (synthesis gas) કહે છે જેમાંથી મિથેનોલ બનાવવામાં આવે છે. આ રીતે સંશ્લેષિત વાયુ બનાવતાં મળતો CO2 એમોનિયા દ્વારા યૂરિયામાં ફેરવી શકાય છે. ભૂતકાળમાં જલવાયુ હાઇડ્રોજનના તથા સંશ્લેષિત એમોનિયાના ઉત્પાદનમાં વપરાતો હતો.

કાર્બુરેટેડ જલવાયુ એટલે વિભંજિત ખનિજ તેલોમાંથી મળતા આંશિક અસંતૃપ્તતા ધરાવતા હાઇડ્રોકાર્બન વાયુઓ અને જલવાયુનું મિશ્રણ. અગાઉ કાર્બુરેટેડ જલવાયુ કોલ-વાયુને સમૃદ્ધ કરવા તેમાં મિશ્ર કરાતો. કુદરતી વાયુઓની અવેજીમાં જલવાયુ બનાવવામાં સંશોધિત પ્રક્રમો ભવિષ્યમાં ઉપયોગી નીવડે તેવી ધારણા છે.

જલવાયુ અને હાઇડ્રોજનના મિશ્રણને 200 વાતાવરણ દબાણે 400° સે. તાપમાને ગરમ કરેલા ઝિંક તથા ક્રોમિયમ ઑક્સાઇડ મિશ્રણ ઉપરથી પસાર કરતાં મિથાઇલ આલ્કોહૉલ બને છે :

(CO+H2) + H2 → CH3OH

જલવાયુમાં થોડા પ્રમાણમાં ઈથીલીન કે એસેટિલીન મેળવવાથી તે પ્રકાશિત જ્યોતથી સળગે છે. માત્ર જલવાયુ એકલો વાદળી રંગની અપ્રકાશિત જ્યોતથી બળે છે.

અર્ધ જલવાયુ (semi water gas) : વરાળ તથા હવાના મિશ્રણને અતિતપ્ત કોક ઉપરથી પસાર કરતાં કાર્બન સાથે હવામાંના ઑક્સિજનના સંસર્ગથી આ વાયુ બને છે તથા તે પ્રક્રિયા દ્વારા નીપજતી ઉષ્માપ્રક્રિયાને સતત ચાલુ રાખવા માટે પૂરતી હોય છે. અર્ધજલવાયુનું કૅલરી મૂલ્ય 125 B.T.U. /cu. ft હોય છે. ઉપર દર્શાવેલી વિધિમાં જો વરાળ ખૂબ વધુ પ્રમાણમાં પસાર થતી હોય, જેથી તાપમાન નીચું (650° સે) રહે, તો મૉન્ડ વાયુ (mond gas) બને છે. મૉન્ડ વાયુમાં રહેલા નાઇટ્રોજનને એમોનિયામાં રૂપાંતર કરી અલગ પાડી શકાય છે.

જ. પો. ત્રિવેદી