જર્મન કન્ફેડરેશન : જર્મન રાજ્યોનો સંઘ. નેપોલિયનના પતન બાદ, 1815માં મળેલા વિયેના સંમેલને અનેક બાબતોમાં પુરાણી વ્યવસ્થાની પુન:સ્થાપનાનો આગ્રહ રાખ્યો હતો; પરંતુ જર્મનીનાં 300 રજવાડાંને તેણે પાછાં અલગ ન કર્યાં. આ બાબતમાં નેપોલિયનના કાર્યનો સ્વીકાર કરી, તેમાં એક સોપાન આગળ વધ્યા, વિયેના સંમલેનમાં ભેગા થયેલા રાજપુરુષોએ જર્મનીનાં 300 રાજ્યોને ભેગાં કરીને બનાવેલાં 39 રાજ્યો ચાલુ રાખી તેના એક શિથિલ સંઘ(જર્મન સમૂહતંત્ર)ની રચના કરી. આ સંઘનાં રાજ્યોની એક સંઘસભા રાખી અને તેના પ્રમુખપદે ઑસ્ટ્રિયા અને ઉપપ્રમુખપદે પ્રશિયાને રાખવામાં આવ્યું. આ રીતે જર્મની પર ઑસ્ટ્રિયાનું વર્ચસ્ સ્થપાયું. 1815થી 1866 સુધી જર્મનીની સરકાર તરીકે તેનું અસ્તિત્વ ચાલુ રહ્યું.

આ સંઘમાં પ્રતિનિધિઓ પ્રજાના ન હતા; પરંતુ રાજાઓએ નિમણૂક કરેલા હતા. તેઓ રાજાઓનું હિત ધ્યાનમાં રાખતા અને રાજાની આજ્ઞા મુજબ મત આપતા. તે સ્વતંત્ર રાજ્યોનું બનેલું નબળું સંગઠન હતું. આ સંઘ રાજાઓનો હતો, પ્રજાનો નહિ. આ જર્મન સંઘ કાયમી કે શક્તિશાળી બની શકે તેમ ન હતો કારણ કે તેણે બે મહત્ત્વની બાબતોની ઉપેક્ષા કરી હતી. એક તો તેણે જર્મન પ્રજામાં ફેલાયેલી એકતાની ભાવનાને અવગણી હતી અને બીજું ઑસ્ટ્રિયા તથા પ્રશિયા વચ્ચેની જર્મનીમાંની હરીફાઈને તેણે ધ્યાનમાં લીધી ન હતી. આ સંઘમાં મૂળભૂત કાયદા, અંગભૂત સંસ્થાઓ, વૈયક્તિક અધિકારો તથા ધાર્મિક બાબતોમાં સુધારા કરવા માટે સર્વાનુમતિનો નિર્ણય રાખવામાં આવેલ હોવાથી, કોઈ પણ નક્કર કાર્ય થઈ શકતું નહિ. વળી આ સંઘને પોતાનું લશ્કર અથવા વ્યવસ્થાતંત્ર ન હોવાથી, જર્મનીમાં યથાવત્ પરિસ્થિતિ તથા ઑસ્ટ્રિયાનું આધિપત્ય ચાલુ રહ્યાં. જર્મની ઑસ્ટ્રિયાના પૂરા આધિપત્ય હેઠળ તથા મેટરનિકની પ્રત્યાઘાતી નીતિના પ્રભાવ હેઠળ આવી ગયું. મેટરનિકની જર્મની પ્રત્યેની નીતિનું ધ્યેય ઉદારમતવાદ, બંધારણવાદ તથા સંસદીય લોકશાહીનો સખત વિરોધ કરવાનું હતું. તેણે આ ધ્યેયને પાર પાડવા વાસ્તે જર્મનીના સંઘનો ઉપયોગ કર્યો. જર્મનીના સામંતો ઉત્સાહ કે ડરથી લોકોને ઉદાર બંધારણીય સુધારા ન આપે તેની તેણે તકેદારી રાખી હતી. પ્રશિયાના રાજા ફ્રેડરિક વિલિયમ ત્રીજાએ પણ લોકોને બંધારણીય સુધારાનું આપેલું વચન, મેટરનિકના દબાણથી પાછું ખેંચી લીધું. ઑગસ્ટ, 1819માં મેટરનિકે જર્મનીના કાર્લ્સબાદ મુકામે પ્રશિયા સહિત અગત્યના રાજાઓની સભા બોલાવી. તેમાં રાષ્ટ્રવાદી વિચારોને કચડી નાખવા માટે કેટલાક આદેશો નક્કી કરી જર્મન સંઘની સભા પાસે તે મંજૂર કરાવવામાં આવ્યા. આ આદેશો અનુસાર દરેક રાજાએ પોતાના રાજ્યમાં શાળાઓ તથા યુનિવર્સિટીઓની પ્રવૃત્તિઓ પર નિયંત્રણો મૂકવાનાં હતાં, વિદ્યાર્થીઓની સભાઓ પર પ્રતિબંધ મૂકવાનો હતો, યુનિવર્સિટીઓમાંથી રાષ્ટ્રવાદી વિચારસરણી ધરાવતા અધ્યાપકો તથા વિદ્યાર્થીઓને બરતરફ કરવાના હતા તથા વર્તમાનપત્રો પર કડક નિયંત્રણો મૂકવાનાં હતાં. આ બધા આદેશોને પરિણામે જર્મન સંઘ એક પોલીસ-રાજ્ય સમાન બની ગયો. રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓને કચડી નાખવા માટે જર્મનીમાં દમન તથા અત્યાચારની શરૂઆત થઈ.

મેટરનિકની સૂચનાથી, જર્મન સંઘની સભાએ, રાજાઓને તેમના વહીવટી તંત્રમાં લોકોનો સહકાર લેવાની મનાઈ ફરમાવી. આમ, જર્મનીમાં મેટરનિકની પ્રત્યાઘાતી નીતિ સફળ થઈ તેના ફલસ્વરૂપે જર્મની ઑસ્ટ્રિયાના આધિપત્ય હેઠળ અને તેના આપખુદ વહીવટ હેઠળ કચડાયેલું રહ્યું. 1866માં ઑસ્ટ્રિયા અને પ્રશિયા વચ્ચે થયેલી તુમુલ લડાઈ બાદ પ્રાગ સંધિ કરવામાં આવી. તે મુજબ જર્મન સંઘનું વિસર્જન કરવામાં આવ્યું. તેનાથી જર્મન રાજકારણ પરનું ઑસ્ટ્રિયાનું આધિપત્ય નાબૂદ થયું.

જયકુમાર ર. શુક્લ