જર્મન ભાષા : જર્મની ઉપરાંત ઑસ્ટ્રિયાની પણ રાષ્ટ્રભાષા તથા સ્વિટ્ઝર્લૅન્ડની 4 પૈકીની એક રાષ્ટ્રભાષા. ભાષાવિજ્ઞાનની ર્દષ્ટિએ તે ઉત્તર યુરોપના બીજા દેશો એટલે કે બેલ્જિયમ, ડેન્માર્ક, સ્વીડન, નૉર્વે, ઇંગ્લૅન્ડ, આઇસલૅન્ડ વગેરે ભાષાઓની સજાત (cognate) ભાષા છે; કારણ કે એ બધી વચ્ચે કેટલાંક મૂળભૂત સામ્યો ર્દગ્ગોચર થાય છે. આ ભાષકો પ્રાચીન કુળોના ભિન્ન ભિન્ન કાળે તે તે દેશમાં સ્થળાંતર થયાના ઐતિહાસિક પુરાવા પણ સાંપડે છે – નથી મળતા કેવળ એ બધાની મૂળ સર્વસામાન્ય ભાષાના પ્રાગૈતિહાસિક કાળના નમૂના; પરંતુ જાણકાર ભાષાવિજ્ઞાનીઓએ ઉપર્યુક્ત ભાષા-સામ્યોનો તુલનાત્મક અભ્યાસ કરીને પુનર્રચના (reconstruction) કરી છે; તેને ‘આદિમ જર્મેનિક/શાર્મણ (proto-Germanic) ભાષારૂપો’ એવું નામ અપાયું છે.

આ જર્મેનિક ભાષાજૂથ વળી ભારોપીય (Indo-European) ભાષાકુળની જ એક શાખા છે અને નીચેની રીતે તે જુદી તરી આવે છે : ખૂબ પૂર્વે પ્રાગૈતિહાસિક કાળમાં આદિમ ભારોપીય ભાષામાં અઘોષ સંઘર્ષી ‘સ્’ ઉપરાંત 12 સ્પર્શવ્યંજનો હતા. એ સ્પર્શવ્યંજનોમાં ભારોપીય ભાષાકુળના એક જૂથે મોટા પાયા પર ફેરફારો કર્યા, તેના કારણે એ ભાષાજૂથ ‘જર્મેનિક’ એવા અલગ નામથી ઓળખાય છે. ‘પ્રથમ જર્મેનિક સ્વન-પરિવૃત્તિ (1st Germanic sound-shift)’ નામ અપાયેલા એ સામૂહિક ફેરફારો આ પ્રમાણે હતા : કેટલાક અપવાદો બાદ કરતાં મૂળ ભારોપીય ઘોષ મહાપ્રાણ વ્યંજનો bh, dh, gh, gwh વાળા શબ્દોમાં તેમના ઉચ્ચાર અલ્પપ્રાણ કરી દેવાયા, તો મૂળમાં એવા ઘોષ અલ્પપ્રાણ b d  g gw ધરાવતા શબ્દોમાં તેમના ઉચ્ચાર અઘોષ કરી દેવાયા; અને જ્યાં મૂળમાં ખુદ અઘોષ અલ્પપ્રાણ વ્યંજનો p t k kw હતા, ત્યાં વળી તેમના સ્થાને અઘોષ જ પણ સંઘર્ષી વ્યંજનો F, X, XW (એટલે કે ફૂ, , , ખ્વ)નો પ્રયોગ શરૂ થયો.

જે જર્મેનિક જૂથના ભાષકો ધીરે ધીરે ઉત્તર તથા મધ્ય યુરોપના ઘણા મોટા ભૂભાગ પર પ્રસરી ગયા અને સાહજિક જ તેમની વચ્ચે તે તે સ્થાનની સ્થાનિક ભાષાઓના પ્રભાવથી અવનવા પ્રયોગભેદ શરૂ થયા. આ પૈકી કેટલાક કેવળ અલગ સ્વરભાર(accent)ના હતા તો કેટલાક સ્વલ્પ અર્થચ્છટા-ભેદના, કે કોઈ ભિન્ન શબ્દપ્રયોગના; પરંતુ ઈ. સ.ના પાંચમા સૈકાની આસપાસ દક્ષિણ જર્મનીના પશ્ચિમ તરફના ઉચ્ચ પ્રદેશોમાં જઈ સ્થિર થયેલા લોકોની ભાષામાં ઈ. સ. 500–700 વચ્ચે એવા લાક્ષણિક ફેરફારો જણાવા લાગ્યા, જે અન્વયે, તે કાળે રાજકીય અને ઇતર કારણોસર દેશમાં મોભાનું સ્થાન ભોગવનારી નવા ફેરફારોવાળી દક્ષિણી ઉચ્ચ પ્રદેશોની ભાષાને ટૂંકમાં ‘ઉચ્ચ (high) જર્મન’ અને જૂના ‘જર્મેનિક’ ઉચ્ચારો કાયમ રાખનારી, ઉત્તરનાં સપાટ કે નીચાણવાળાં મેદાનોની ભાષાને ‘નિમ્ન’ (low)  જર્મન નામ મળ્યું. ‘દ્વિતીય કે ઉચ્ચ જર્મેનિક ધ્વનિ-પરિવૃત્તિ (second or high German sound shift)’ તરીકે ઓળખાતાં એ પરિવર્તનોને કારણે, જૂના (અને નિમ્ન જર્મન તથા અંગ્રેજીમાં ચાલુ રહેલા) જર્મેનિક અઘોષ અલ્પપ્રાણ સ્પર્શવ્યંજનોનું સ્થાન ઉચ્ચ જર્મનમાં તત્સશ સંઘર્ષી કે સ્પર્શસંઘર્ષી (fricative of affricate) વ્યંજનોએ લીધું, પરિણામે :

અંગ્રેજી   નિમ્ન જર્મન   ઉચ્ચ જર્મન
to make = maken = machen (માખન)
I = ik = ich (ઇખ્)
to bite = biten = beiben (બાય્સન)
to sit = sitten = sitzen (ઝિટ્ત્સન)
to hope = hopen = hoffen (હૉફન્)
Apple = Appel = Apfel (આપ્ફેલ્)

ઉચ્ચ જર્મનના સંદર્ભમાં એ નોંધવું ઘટે કે તેના સાહિત્ય કે ભાષારૂપના વિકાસના 4 મુખ્ય ઐતિહાસિક તબક્કાઓ ગણવામાં આવ્યા છે : (1) ઈ. સ. 750–1050નો પુરાતન તબક્કો. તે દરમિયાન, જર્મનોમાં વધતા જતા ખ્રિસ્તી ધર્મના અનુસરણને પરિણામે, જૂના ઉચ્ચ જર્મન(old high German)માં લૅટિન ભાષામાંથી ‘ધાર્મિક’ સંદર્ભવાળા અનેક શબ્દોનું આદાન થયું; અને આ આદાન દ્વિતીય સ્વન-પરિવૃત્તિ પછીથી થયું હોવાથી લૅટિનના પ્, ટ્, ક્ વ્યંજનો અહીં યથાવત્ સુરક્ષિત મળે છે; જેમ કે –

લૅટિન અંગ્રેજી પુરાતન ઉચ્ચ

જર્મન

(OHG)

આધુનિક ઉચ્ચ

જર્મન

(NHG)

praedicare preach predigon (predigen)
templum temple tempal (tempel)
speculum (= mirror) spiagal (spiegel)

(2) લગભગ ઈ. સ. 1050-1350વાળો મધ્યયુગ, જે દરમિયાન ફ્રેંચ અસર તળે ધાર્મિક કરતાં સામાજિક કે દરબારી કાવ્યો જ વિશેષત: દક્ષિણ જર્મનીમાં રચાયાં. પરિણામે એ સર્વમાં મધ્યયુગીન ઉચ્ચ જર્મનમાં પણ ફ્રેંચ શબ્દોનું આદાન સવિશેષ થતું રહ્યું અને એવા મધ્યયુગીન ઉચ્ચ જર્મનને સાહિત્યની પ્રમાણભાષા બનાવવા પ્રયત્નો થયા. (કદાચ ફ્રેંચ અસર તળે જ) મધ્યયુગીન ઉચ્ચ જર્મનમાં કેટલાંક નવાં ધ્વનિ-પરિવર્તનો(sound-changes) પણ થયાં :

(ક) શબ્દાંતે આવતા અલ્પપ્રાણ ઘોષ વ્યંજનો અઘોષ તરીકે (પ્રથમ) ઉચ્ચારાવા અને (પછી) લખાવા (પણ) લાગ્યા; દા.ત.,

અંગ્રેજી આદિમ

જર્મેનિકની નિકટતમ)

પુ... ...  
grave grab grap (ગ્રાપ્)
(wheel) rad rat (રાટ્)
(day) tag tac (ટાક્)

 [નોંધ : આધુનિક ઉચ્ચ જર્મનમાં પુરાતન તથા મધ્યયુગીન ઉચ્ચ જર્મનના સમન્વય રૂપે પુરાતન ઉચ્ચ જર્મનની જોડણીઓ કાયમ રાખી, તેમના ઉચ્ચાર માત્ર મધ્યયુગીન ઉચ્ચ જર્મન જેવા (અઘોષ) કરાય છે.]

(ખ) નામાદિની વિભક્તિઓનાં બહુવચનનાં રૂપોમાં સ્વરભાર (accent) વિનાના પદાન્તે આવેલા eનો ઉચ્ચાર હ્રાસ (reduction) પામીને ‘અ’ થવા લાગ્યો. પરિણામે,

બહુવચનનાં પુરાતન ઉચ્ચ જર્મનમાં રૂપોને સ્થાને મધ્યયુગીન ઉચ્ચ જર્મન રૂપો આ પ્રમાણે થયાં :

પ્રથમા-દ્વિતીયા taga taga (ટાગ) = દિવસો (ને)
ચતુર્થી વિ. tagun tage (ટાગન્) = દિવસો (માટે)
ષષ્ઠી વિ. tago tage (= ટાગ) = દિવસો(નું)

(3) આધુનિક ઉચ્ચ જર્મનના યુગને પાછો 2 અંશોમાં વહેંચવામાં આવે છે જે પૈકી અગ્રભાગ (લગભગ ઈ.સ. 1350-1650) દરમિયાન સાહિત્યમાં ઉચ્ચ જર્મનને કંઈક સ્થાન મળ્યું હોવા છતાં સમગ્ર જર્મનીના શિષ્ટ સમાજમાં વ્યવહારની ભાષા હજી સુધી ફ્રેંચ હતી અને શિક્ષણમાં લૅટિનનું વર્ચસ્ ચાલુ હતું. આ પરિસ્થિતિથી ચિંતિત કેટલાક દેશભક્તોએ ‘ઉચ્ચ અને નિમ્ન’ જર્મનની મોભા માટેની સ્પર્ધા ટાળવા બંનેના પ્રદેશોની વચ્ચે  વિશેષે કરીને પૂર્વ દિશા તરફના  ભૂભાગોમાં વિકસિત લોકબોલીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી, તેમનું પ્રમાણીકરણ (standardization) આદર્યું અને એથી પ્રાપ્ત થયેલી નવી પ્રમાણભાષાનો ત્યાંનાં મુદ્રણકાર્યો તથા વિદ્યાલયોમાં ઉપયોગ શરૂ કરી દીધો.

એ પ્રમાણભૂત નવી ઉચ્ચ જર્મન મધ્યપૂર્વ જર્મનીની બોલીઓ પર આધારિત હોવાથી એમાંની પ્રત્યેકમાંથી કાંઈક અંશો (શબ્દો, ઉચ્ચારો, સ્વરભાર) એમાં સ્વીકારાયા અને તેથી જ તે એમાંની કોઈ એક સાથે એકરૂપ ન રહી, સિવાય, ઈ. સ.ના બારમા સૈકાથી દક્ષિણના મધ્યયુગીન ઉચ્ચ જર્મનમાં શરૂ થઈને મધ્યપૂર્વ તરફ વિસ્તરવા લાગેલા સ્વરોને લગતા 3 નવાં ધ્વનિ-પરિવર્તનો પણ એમાં સ્વીકારાયાં; જેમ કે

મ.ઉ.જ. ન.ઉ.જ. અંગ્રેજી અર્થ
mīn (મીન્) mein (માઇન્) = mine = મારું
hūs (હૂસૂ) Haus (હાઉસ્) = house = ઘર
hǖer હ્યૂઝહ્ર્ Häuser (હૉય્ઝર) = Houses = ઘરો

અર્થાત્ મ. ઉ. જ. ના 3 દીર્ઘસ્વરો (ī,ū,ǖ)ને સ્થાને તેમને લાગતા-વળગતા સંધિસ્વરો (diphthongs) (આઈ/આય્, આઉ/ આવ્ અને ઑય્) ન.ઉ.જ. શબ્દોના ઉચ્ચાર તેમજ જોડણીમાં સ્વીકારાયા.

(ખ) પરંતુ મ.ઉ.જ.માં પ્રચલિત બીજા પ્રકારના દ્વિસ્વરો (:i¶,u¶,ü¶), જેમાં આગળ કોઈ ઊંચો હ્રસ્વ સ્વર અને પાછળ હ્રાસિત (reduced) સ્વર ‘અ’ આવતો, તેમની બાબતમાં વળી વિરુદ્ધ દિશાના ધ્વનિ-પરિવર્તન એટલે કે દીર્ઘ એકસ્વરી-કરણ (Inog monophthongization)ની પ્રક્રિયા શરૂ થયેલી, તેનો પણ સ્વીકાર કરાયો. પરિણામે

... ઉચ્ચાર માટે ...માં

જોડણી

ઉચ્ચાર અંગ્રેજી અર્થ
tief (ટિઅફ્) Tief (ટીફ્) deep ઊંડું
vouz (ફુઅત્સ્) Fuβ (ફૂસ્) foot પગ (એક)
vüeze (ફુઅત્સ્) Fsse (ફ્યુસ) feet પગ (બે)

 (ગ) બેવડા વ્યંજનો (gemirate consonants) પૂર્વે કોઈ શબ્દમાં આવતો હ્રસ્વ સ્વર યથાવત જ રખાયો હોય; પરંતુ ઇતર (અનેક) પરિસ્થિતિઓમાં તે દીર્ઘ કરી દેવાયો હોય.

(4) ઈ. સ. 1650થી આજ સુધીનો કાળ ન.ઉ.જ.નો પશ્ર્ચયુગ કે આધુનિકતમ સમય ગણાય છે. એ અરસામાં એક તો ત્રીજા તબક્કામાં આદરેલા મધ્યપૂર્વીય તથા દાક્ષિણાત્ય ઉ.જ.ના મિશ્રિત પ્રમાણીકરણને વધુ પાકે પાયે આગળ ધપાવવામાં આવ્યું અને બીજું, એ ભગીરથ કાર્યમાંથી આવિર્ભૂત થતી આધુનિક ‘ઉચ્ચ’ જર્મન ભાષાને વધુ ને વધુ લોકમાન્ય બનાવવા માટે ખૂબ ખૂબ પ્રયાસો થયા. પરિણામે, લેખનમાં તો એ પ્રાય: સર્વત્ર પ્રમાણભૂત મનાઈ જ; સિવાય, બોલચાલમાં પણ એ લગભગ સમગ્ર જર્મન પ્રજાની પ્રથમ કે દ્વિતીય ભાષા તરીકે સ્વીકૃત બની. એનું મૌખિક રૂપ મહદંશે લિખિત જોડણીને જ અનુસરે છે; જોકે આગળ જણાવ્યું તેમ, શબ્દાંતે લખાતા ઘોષ વ્યંજનોનો ઉચ્ચાર (નિમ્ન જ.ની જેમ) અઘોષ તરીકે કરવામાં આવે છે; સિવાય, શબ્દો પરનો સ્વરભાર (accent) તો તે તે પ્રદેશની સ્થાનિક બોલીઓ પ્રમાણે જ લોકો કરતા રહે છે અને જર્મનીમાં એ પ્રવૃત્તિને (ઇંગ્લૅન્ડ પેઠે) નિકૃષ્ટ ગણી વખોડવામાં નથી આવતી. (ઊલટું, કોઈ કોઈ વાર તો સ્થાનિક બોલીઓમાંથી જરૂરી શબ્દોનું આદાન પણ પ્રમાણભાષામાં કરી શકાય છે.)

ધ્વનિતાંત્રિક ર્દષ્ટિએ ન.ઉ. (પ્રમાણભૂત) જ.ની વિશેષતાઓ નીચે મુજબ ગણાવી શકાય : (ક) સ્વરોમાં હ્રસ્વ-દીર્ઘનો ભેદ ઇ અને ઉ ઉપરાંત (= a), તથા ઓ ની બાબતમાં પણ અહીં મળે છે. હ્રસ્વ સ્વરોનો ઉચ્ચાર જરા શિથિલ (lax) તો દીર્ઘ સ્વરોનો ર્દઢ (tense) કરાય છે. પણ ‘અ’ (¶) સ્વર અહીં ‘આ’ (= a)નું હ્રસ્વ રૂપ ન ગણાતાં (આદિમ ભારોપીયમાં હતું તેમ) ‘એ’ (e)નું હ્રાસ (reduction) પામેલું રૂપ ગણાય છે. (ખ) ઉપરાંત જેવા સ્વરો કેટલીક જોડણીમાં મળે છે. તેમનું ઉચ્ચારણ મૂળ સ્વરોનું મુખગત ઉચ્ચારસ્થાન જરા આગળ સરકાવીને અને હોઠ વધુ વર્તુલિત કરીને કરવામાં આવે છે. આવા ઉચ્ચારણ તથા એ માટેના લેખનગત ચિહ્નને umlaut (= અભિશ્રુતિ) કહેવામાં આવે છે. નોંધ : äનો ઉચ્ચાર એ/ઍ એવો તથા äuનો ઉચ્ચાર ઑય્ એવો કરાય છે. (ગ) ન.ઉ. (= પ્રમાણભૂત) જ.માં ત્રણ સંધિસ્વરો (diphthongs) પણ વપરાય છે : ei (= આઈ/આય્) au (= આઉ/આવ્) äu (= ઑય્).  વ્યંજનોની બાબતમાં ન.ઉ. (પ્રમાણભૂત) જ.ની મુખ્ય વિશેષતાઓ છે : (ઘ) ફક્ત 9 વર્ગીય સ્પર્શવ્યંજનો : 3 નાસિક્ય (ઞ્, ન્, ઙ્) અને 6 મૌખિક (oral); તે છે : કંઠ્ય, વાર્ત્સ્ય(alveolar) તથા ઓષ્ઠ્ય વર્ગના અલ્પપ્રાણ અઘોષ તથા ઘોષ વર્ણો; એટલે કે : ક્, ગ્, ટ્, ડ્ (છેલ્લા બે વાર્ત્સ્ય છે) તથા પ્, બ્. (ઙ) મહાપ્રાણ વ્યંજનો અહીં નથી. હ્ (h)નું ઉચ્ચારણ પણ અહીં ય્ (= લિખિત j)ની માફક વિસર્પિ શ્રુતિ (glide) રૂપે વધુ કરાય છે. (ચ) તાલવ્ય, દંત્ય તથા મૂર્ધન્ય વર્ગના કોઈ જ મૌખિક (= oral) સ્પર્શ વ્યંજનો અત્રે મળતા નથી. (છ) અલબત્ત, ઉષ્માક્ષર વ્યંજનોમાં : (છ1) તાલવ્ય અઘોષ શ્ (= લેખનમાં sch કે t/pની પૂર્વે st, spમાં સંયુક્ત વ્યંજન રૂપે લખાતા s) ઉપરાંત ઘોષ જ્ (= IPA મુજબ [3] પણ ફ્રેંચમાંથી આદત્ત શબ્દોમાં ઉચ્ચારાય છે. (છ2) સિવાય, દંત્ય અઘોષ-ઘોષ સ્ તથા ઝ્ પણ અહીં છે. લિપ્યક્ષરોની ર્દષ્ટિએ જોતાં; સ્વરની પૂર્વે કે મધ્યે આવતા બેવડા ‘ss’ કે દીર્ઘ સ્વર પછી લખાતા bનો ઉચ્ચાર ‘સ્’, તો એ સ્થાનોમાં લખાતા એકવડા Sનો ઝ્ થાય છે, જ્યારે Zનો ઉચ્ચાર મળી ‘ત્સ્’ એવો થાય છે. (જ) સંઘર્ષી વ્યંજનો પૈકી ન.ઉ.જ.માં કંઠ્ય ખ્ (લિખિત રૂપે ch) તથા દંતૌષ્ઠ્ય અઘોષ ફ્ (લિખિત રૂપે મૂળ જર્મન શબ્દોમાં f, પણ વિદેશી આદત્ત શબ્દોમાં v) તથા એનો નિકટતમ ઘોષ વર્ણ લિખિત w મળે છે. (ઝ) સિવાય, બે તરલ વર્ણો (liquids) લ્ અને ર્ પણ ન.ઉ.જ.માં છે.

આમ અહીં વ્યંજનો 20 છે. એમને માટે વપરાતાં અક્ષરચિહ્નો પણ ઉપર જોયાં તે દેખીતી રીતે રોમન લિપિનાં છે. પણ ઘણી વાર તે અંગ્રેજી કરતાં કોઈ જુદો જ અવાજ દર્શાવવા વપરાય છે. પુ.ઉ.જ. કાળમાં લૅટિનનો પ્રભાવ જર્મન ભાષા-સાહિત્ય પર વધતાં આ લિપિ પણ અહીં રૂઢ થઈ. (એ પૂર્વે ઈ. સ. 350ની આસપાસ બિશપ ઉલફિલાસ નામના પાદરીએ પ્રાચીન જર્મન [ગૉથિક] ભાષામાં બાઇબલનો સ્વકૃત સર્વપ્રથમ અનુવાદ લખવા માટે 27 અક્ષરચિહ્નોવાળી [ગૉથિક] લિપિ તૈયાર કરેલી, જે ખાસ લોકપ્રિય થઈ શકી નહોતી. તે કાળે જર્મનો ઈ. સ. પૂ. 200ના શિલાલેખોમાં મળતી રુનિક લિપિ જ પસંદ કરતા.)

ન.ઉ.જ.ના ધ્વનિતંત્ર તથા લિપિ પછી તેનું વ્યાકરણ જોઈએ : (1) અન્ય ભારોપીય ભાષાઓની જેમ અહીં પણ નામ સર્વનામ આદિનાં 3-3 લિંગ છે, જે નથી પૂર્ણપણે પ્રાકૃતિક લિંગભેદ પર આધારિત કે નથી કોઈ સ્વનિમિક ઘટકો (phonemic Features) દ્વારા નિયત થયેલા; જેમ કે, શ્રીયુત માટે પુંલ્લિંગ Herr તો શ્રીમતી માટે સ્ત્રીલિંગી Frau ઠીક ગણાય; પણ કુમારી માટેનો શબ્દ Fräulëin નપુંસક લિંગી કેમ તે સમજાતું નથી. તે જ રીતે મિત્ર માટેનો શબ્દ Freund સંસ્કૃત मित्रम् પેઠે અહીં પણ નપુંસકલિંગી છે !

(2) જર્મેનિક જૂથની બીજી ભાષાઓના વ્યાકરણમાં મૂળ ભારોપીય ભાષાકુલની સંશ્લેષાત્મક સંરચના(synthetic structure)ને સ્થાને વિશ્લેષણાત્મક (analytic) સંરચનાને મહત્વ આપીને રૂપસિદ્ધિ તંત્ર-(inflectional system)ને ધીરે ધીરે ખૂબ ઘટાડી દેવાયું હતું. પણ જર્મન ભાષામાં એ પ્રવૃત્તિ ધાર્યા કરતાં ખૂબ અલ્પ રહી છે. જોકે એના શબ્દરૂપતંત્ર(morphology)માં પણ કેટલાંક મહત્વનાં પરિવર્તનો થયાં જ છે; જેમ કે –

(2.ક) પ્રથમા-દ્વિતીયા વિભક્તિમાં નામોની પરિવર્તિત રૂપસિદ્ધિને બદલે તેમની સાથે અન્વિતિ (agreement) ધરાવતા નિર્ધારક (determiner : ein/der વગેરે) કે વિશેષણની રૂપસિદ્ધિ દ્વારા તેમનાં લિંગ-વચન દર્શાવવાની પ્રથા પડી છે.

(2.ખ) આમ તો બધી જર્મનિક ભાષાઓ શબ્દની રૂપસિદ્ધિમાં (ભારોપીય લક્ષણ રૂપે) સ્વરની અવશ્રુતિ(ablaut-variation)નો બહોળો ઉપયોગ કરે છે. (જેમ કે, singen sangi gesungen); પરંતુ ઉ.જ. પ્રમાણભાષા વ્યાકરણીય રૂપસિદ્ધિઓ કે તદ્ધિતસિદ્ધિઓ-(= derivations)માં સ્વરોની અવશ્રુતિ ઉપરાંત ધ્વનિતાંત્રિક અભિશ્રુતિ (umlaut) નામનાં પરિવર્તનોનો પણ ભરપૂર ઉપયોગ કરે છે; દા.ત., der Brder = ‘તે (એક) ભાઈ’ અને die Brder = ‘તે (અનેક) ભાઈઓ’; ક્રિયાપદની બાબતમાં પણ wir waren = ‘અમે હતા’  (વિધાનવાક્ય ભૂત. બહુ.) પણ wirwären ‘અમે હોત’ (સંભાવનાર્થક કે ક્રિયાતિપત્યર્થ રૂપ). અત્રે અભિશ્રુતિ સહિતનાં અને તે વિનાનાં ‘ન્યૂનતમ રૂપયુગ્મો (minimalmorphemicpairs) નોંધ્યાં છે. જોકે એ કરતાં ન્યૂનકલ્પ રૂપયુગ્મો (subminimal morphemic pairs)’ જ અહીં વધુ સાંપડે છે, જેમાં અભિશ્રુતિ ઉપરાંત બીજો એકાદ ફેરફાર પણ વ્યાકરણીય કે અર્થમૂલક ભેદ સૂચવવા પ્રયુક્ત થાય છે; જેમ કે, das buch (= ‘તે એક પુસ્તક’) અને die Bücher (= ‘તે (બહુ) ચોપડીઓ’), offen = ખુલ્લું, પણ öffnen = ‘ખુલ્લું કરવું, ખોલવું’ વગેરે.

(3) વાક્યરચનાની ર્દષ્ટિએ ન.ઉ.જ.નું સૌથી આગવું લક્ષણ તેમાં વિધેય ક્રિયારૂપ(finite verb form)નો સ્થાનક્રમ છે. સામાન્ય રીતે (3.ક) વિધાનવાક્યના મુખ્ય ઉપવાક્ય(main clause)માં એનું સાદું વિધેય ક્રિયાપદ અનિવાર્યપણે બીજા ક્રમાંક પર મુકાય છે અને પહેલા સ્થાને એ ક્રિયાપદ સિવાયનું કોઈ પદ (કર્તા, મુખ્ય કે ગૌણ કર્મ, છે ક્રિયાવિશેષણ વગેરે) જેને વક્તા પોતાને મુખ્ય વર્ણ્યવિષય બનાવવા ધારે તે આવી શકે છે.

(3.ખ) પરંતુ, એક જ વિધાનવાક્યમાં ગૌણ ઉપવાક્ય પણ હોય, તો તેનું ગૌણ વિધેય ક્રિયાપદ ઉપવાક્યને અંતે જ મુકાય એવો નિયમ છે.

(3.ગ) જો સાદાને બદલે પદબંધ (phrase) રૂપમાં ક્રિયાપદ વાપરવું હોય તો મુખ્ય ઉપવાક્યમાં બીજા સ્થાને એ પદબંધનો વિધેય અંશ જ મૂકવો અને અવિધેય (non-finite) અંશ ઉપવાક્યને અંતે મૂકવો પડે. દા.ત. Hente habe ich deine schwester in der stadt gesehen (આજે મેં તારી બહેનને શહેરમાં જોઈ હતી).

(3.ઘ) પ્રશ્નાર્થક આજ્ઞાર્થક વાક્યોમાં મુખ્ય વિધેય ક્રિયાપદ જ હંમેશ આરંભે મૂકવું જરૂરી છે.

(3.ચ.) ઉપર્યુક્ત વિવિધ પ્રકારે નિયત થયેલાં વાક્યમાંનાં કેટલાંક સ્થાનો ભર્યા પછી બાકીનાં પદો એમાં કોઈ પણ રિક્ત સ્થાન પર મૂકી શકાય છે; એટલે કે વાક્યમાં પદોનો ક્રમ અમુક બાબતોમાં નિયત છે અને અમુક બાબતોમાં અનિયત.

છેલ્લે, ન.ઉ.જ. પ્રમાણભાષાના સંદર્ભમાં નોંધવું ઘટે કે એકલા જર્મની દેશમાં જ આશરે 8 કરોડ લોકો જર્મનનો પ્રયોગ કરી જાણે છે. ઑસ્ટ્રિયા, સ્વિટ્ઝર્લૅન્ડ વગેરે સહિત આખા યુરોપનો વિચાર કરતાં, એનું મહત્ત્વ અંગ્રેજી અને રશિયન પછી ત્રીજા નંબરનું છે. ઉપરાંત, ઑસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ તેમજ ઉત્તર અમેરિકા, કૅનેડા વગેરેમાં વસતા જર્મનોની ગણતરી પણ કરીએ તો જર્મનભાષકોની સંખ્યા સરવાળે 12 કરોડ જેટલી થાય અને વિશ્વભરની ભાષાઓમાં એનું સ્થાન બારમું ગણાય.

દુર્ભાગ્યે વીસમી સદીના પૂર્વાર્ધમાં જર્મન રાજનેતાઓએ સામ્રાજ્યવાદી વલણ અપનાવીને બબ્બે વિશ્વયુદ્ધોનો સૂત્રપાત કર્યો; તેથી બીજા વિશ્વયુદ્ધને અંતે તેમને પાઠ ભણાવવા સારુ, પરાજિત જર્મનીના ભાગલા પાડવામાં આવ્યા : ખુદ પાટનગર બર્લિનની વચ્ચોવચ અભેદ્ય દીવાલ ખડી કરીને, દેશનો પૂર્વ ભાગ સોવિયેટ રશિયાએ પોતાના તાબા હેઠળ રાખ્યો. તેને જર્મન લોકતાંત્રિક પ્રજાસત્તાક (GDR) એવું નામ આપવા છતાં ત્યાં સઘળી બાબતમાં ચુસ્ત સામ્યવાદી અંકુશો પ્રવર્તાવ્યા. એટલે સુધી કે પૂર્વની જર્મન ભાષામાં અંગ્રેજીના એકાદ શબ્દના આદાન(borrowing)ને પણ પૂંજીવાદી પ્રભાવનું ચિહ્ન માની એને સ્થાને આદત્તશબ્દાનુવાદ-(inloan-translation)ને જ પ્રોત્સાહન આપી, અનેક નવા જર્મન શબ્દો ત્યાં પ્રચલિત કર્યા અને પ્રમુખ વિદેશી ભાષા તરીકે રશિયનનું શિક્ષણ ફરજિયાત બનાવ્યું, અંગ્રેજીનું નહિ.

બીજી બાજુ બર્લિન-દીવાલની પશ્ચિમે આવેલો પ્રદેશ જર્મન સમવાયી પ્રજાસત્તાક (FRG) નામ ધારણ કરીને પૂંજીવાદી પશ્ચિમ યુરોપીય દેશો તેમજ અમેરિકાના પ્રભાવ તળે તેજીથી ઔદ્યોગિક તેમજ આર્થિક પ્રગતિના પથ પર અગ્રેસર થયો. અવનવી વૈજ્ઞાનિક તથા યંત્રતંત્રવિષયક સંકલ્પનાઓ માટે પ્રચલિત અંગ્રેજી શબ્દો અહીંની જર્મન ભાષામાં નિ:સંકોચ સ્વીકારવામાં આવ્યા; સિવાય, અહીં યુગોથી પ્રચલિત જર્મન બોલી-ભાષાઓ, સદીઓથી વાસ કરતા ડેનિશ, સર્બિયન, પૂર્વી તથા દક્ષિણી ફ્રીઝિયન વગેરેની લઘુમતી ભાષાઓ, તેમજ 1950 પછી આવીને અહીં વસેલા વિદેશી (અરબ, ગ્રીક, સર્બો-ક્રોએટ વગેરે) કામદારો-મજૂરોની માતૃભાષાઓ એ બધીનો પણ રાજભાષા તરીકે પ્રચલિત પશ્ચિમી જર્મન પ્રમાણભાષા પર વત્તોઓછો પ્રભાવ પડતો જ રહ્યો છે.

છેલ્લા દાયકા દરમિયાન સામ્યવાદી સોવિયેટ યુનિયન પડી ભાંગતાં 1990માં પૂર્વ તથા પશ્ચિમ જર્મનીનું ફરીને એકીકરણ સધાયું. પરિણામે એ બેની વચ્ચે અલગ રાજકીય વિચારધારાને લીધે વિકસેલા શબ્દભેદો કે અર્થભેદો પણ હવે ધીરે ધીરે વિલય પામે અને એક સમન્વિત અત્યાધુનિક જર્મન ભાષા પ્રાદુર્ભૂત થાય તો નવાઈ નહિ.

યશોધર વાધવાણી