જયદેવ (ઈ. સ.ની બારમી સદી) : સંસ્કૃત ભાષાના સુવિખ્યાત કવિ. વૈષ્ણવ સંપ્રદાયના ઉલ્લેખો અનુસાર તેમનો જન્મ બંગાળના વીરભૂમ જિલ્લાના કિન્દુબિલ્વ(કેન્દુલી)માં થયેલો. કિન્દુબિલ્વ જગન્નાથપુરી પાસેનું ગામ હોવાનું ‘ગીતગોવિંદ’ના એક ટીકાકારે નોંધ્યું છે તો અન્ય એક ટીકાકારે કવિને ગુજરાતના કહ્યા છે. કવિની જન્મભૂમિ બિહાર હોવાની પણ એક પરંપરા છે. તેમના પિતા ભોજદેવ અને માતા રમાદેવી હતાં. આ નામોના પણ થોડા પાઠભેદ છે. કવિ બંગાળના રાજા લક્ષ્મણસેન વૈદ્યની સભામાં હતા એવો એક શ્લોક પણ છે. જયદેવ ઉત્કલનરેશ એકજાત કામદેવની સભામાં હતા એવી માન્યતા પણ કેટલાંક પ્રમાણોને આધારે ઉત્કલ દેશમાં પ્રવર્તે છે; પણ જયદેવ બંગાળાના હોવાનો મત સ્વીકાર્ય લાગે છે. ચૈતન્ય સંપ્રદાય જયદેવના ‘ગીતગોવિંદ’ કાવ્યને મધુરા ભક્તિનો રસસ્રોત માને છે. તે વેદવ્યાસનો કે બિલ્વમંગલનો અવતાર હતા એ માન્યતા તેમના રસપ્રચુર રમણીય કાવ્યને લીધે પ્રવર્તી હશે. એ સમયે ‘ગીતગોવિંદ’ કાવ્ય એટલું તો લોકપ્રિય હતું કે રાજા એકજાત કામદેવ તેનું શ્રવણ કર્યા વિના શયન ન કરતા. રાજા પ્રતાપરુદ્રે જગન્નાથ મંદિરમાં તેના નિત્ય પાઠની આજ્ઞા કરેલી.

જયદેવની પત્ની પદ્માવતી કવિના ભક્ત સ્વભાવને અનુકૂળ હતી. ‘ગીતગોવિંદ’ની અષ્ટપદીઓના ગાન સાથે તે ભાવપૂર્ણ નૃત્ય કરતી. એણે એટલી હદે કવિનું હૃદય જીતી લીધેલું કે કવિ પોતાને ‘पद्मावती-चरणचारणचक्रवर्ती’  । ‘પદ્માવતીનાં ચરણકમલોમાં આશ્રિત કવિ – ચક્રવર્તી’ કહેતા. કવિને વિચિત્ર સંયોગોમાં પદ્માવતીની પ્રાપ્તિ થયેલી. યુવાવસ્થાથી જ વિરાગવૃત્તિવાળા કવિને એક બ્રાહ્મણે ભગવાન જગન્નાથની કૃપાથી પોતાને પ્રાપ્ત થયેલું એકમાત્ર સંતાન જે પદ્માવતી તે જગન્નાથની આજ્ઞાનુસાર તેમની અનિચ્છા છતાં સોંપી દીધેલું. નિરુપાય જયદેવને તેની સાથે વિવાહ કરવો પડ્યો. ગુણવતી પદ્માવતીએ કવિનું હૃદય જીતી લીધું. પદ્માવતીની પતિભક્તિની પરીક્ષા કરવાના ઉદ્દેશથી રાજા લક્ષ્મણસેનની પટરાણીએ કવિના મૃત્યુના ખોટા સમાચાર પદ્માવતીને આપ્યા ત્યારે તત્કાલ તે નિષ્પ્રાણ થઈ ગઈ. કવિએ ભગવાન કૃષ્ણની કૃપાથી તેને પુનર્જીવિત કરેલી એવી અનુશ્રુતિ છે.

‘ગીતગોવિંદ’ મધુરા ભક્તિનું ઉત્કટ રસભર કાવ્ય છે. એમાં શ્રીકૃષ્ણ અને રાધાના નિર્મળ પ્રેમનું મનોહારી નિરૂપણ છે. કવિવર કાલિદાસના ‘મેઘદૂત’ કાવ્યના અનુકરણમાં જેમ અનેક સંદેશકાવ્યો રચાયાં, તેમ ‘ગીતગોવિંદ’ની પણ થોડી અનુકૃતિઓ થઈ છે. સંસ્કૃતમાં તેની અનેક ટીકાઓ થઈ છે અને અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન જેવી યુરોપીય તેમજ ભારતીય ભાષાઓમાં તેના અનુવાદો થયા છે. કવિએ પોતે જ પદ્માવતી સાથે વિવાહ કર્યા પછી આ કાવ્ય રચ્યાનું કાવ્યના આરંભમાં કહ્યું છે.

वाग्देवताचय्रतय्यत्तसद्मा

    पद्मावतीचरणचारणचक्रवर्ती ।

रीवासुदेवरय्तकेय्लकथासमेत

    मेतं करोय्त जयदेवकय्वः प्रनन्धम् ।।

‘વાગ્દેવી સરસ્વતીના વિવિધ ઉન્મેષોનાં પદચિહનો જેના ચિત્તનિવાસમાં અંકિત છે, તે પદ્માવતીનાં ચરણોમાં રહેનાર કવિચક્રવર્તી જયદેવ કવિએ શ્રીકૃષ્ણની કામકેલિની કથાવાળું આ કાવ્ય રચ્યું છે.’ આ કાવ્ય રાગબદ્ધ છે. પ્રત્યેક અષ્ટપદીના મથાળે તેના રાગ અને તાલનો નિર્દેશ સંભવત: કવિએ જ કર્યો છે. રાણા કુંભાએ તેમના સંગીતશાસ્ત્રના ગ્રંથમાં આ કાવ્યની અષ્ટપદીઓના રાગોની ચર્ચા કરી છે. બંગાળ, ઉત્કલ, વૃંદાવન અને અનેક વૈષ્ણવ-તીર્થોમાં વૈષ્ણવોનું આ અતિપ્રિય કાવ્ય છે. બાર સર્ગ અને કુલ ચોવીસ અષ્ટપદીઓવાળું આ કાવ્ય પારિભાષિક રીતે મહાકાવ્ય નથી. સંવાદાત્મક હોવા છતાં પણ નાટ્ય નથી. તે એક વિશિષ્ટ ગેય-નૃત્ય-નાટ્યતત્વવાળું કાવ્ય છે. ગુજરાતીમાં તેના રસસંભૃત અનુવાદ કેશવલાલ હ. ધ્રુવ અને રાજેન્દ્ર શાહે કરેલા છે.

નટવરલાલ યાજ્ઞિક