જયદીપસિંહજી (જ. 24 જૂન 1929, દેવગઢ બારિયા, જિ. દાહોદ; અ. 20 નવેમ્બર 1987, નવી દિલ્હી) : ગુજરાતમાં બારિયારાજ્યના ભૂતપૂર્વ રાજવી. તે પછી રાજકીય નેતા, મંત્રી અને રમતવીર. અગાઉના બારિયા રાજ્યના મહારાજા રણજિતસિંહના પૌત્ર અને યુવરાજ સુભગસિંહના પુત્ર જયદીપસિંહે અજમેરની મેયો કૉલેજમાં અભ્યાસ કરી સિનિયર કેમ્બ્રિજની પરીક્ષા પસાર કરી હતી. તેઓ ચિત્રકલા તથા ક્રિકેટ, અશ્વ પોલો, સાઇકલ-પોલો, ટેનિસ વગેરે રમતોમાં રસ ધરાવતા હતા.

જયદીપસિંહજી

1956થી તેઓ સક્રિય રાજકારણમાં જોડાયા. 1962થી 1980 સુધી ચાર વાર દેવગઢ બારિયા મતવિસ્તારમાંથી તેઓ મોટી બહુમતીથી વિધાનસભામાં ચૂંટાયા હતા. 1962માં તેમને મળેલા મતની ટકાવારી ભારતમાં કોઈ પણ વિધાનસભાના સભ્યથી વધારે હતી. તેઓ બારિયા કેળવણીમંડળના, બારિયા હાયર એજ્યુકેશન સોસાયટીના તથા દેવગઢ બારિયા નગરપાલિકાના પ્રમુખ હતા.

સ્વતંત્ર પક્ષને ગુજરાતમાં મહત્વનું સ્થાન અપાવવામાં તેમનું પ્રદાન નોંધપાત્ર હતું. એપ્રિલ, 1968થી નવેમ્બર, 1970 સુધી તેઓ વિધાનસભામાં સ્વતંત્ર પક્ષ તરફથી વિરોધપક્ષના નેતા હતા. 1971માં તેઓ ગુજરાત સરકારના ખેતીવાડી મંત્રી હતા. ત્યારબાદ ફેબ્રુઆરી 1976માં તેઓ કૉંગ્રેસ(આઇ)માં જોડાયા અને 1976માં રાજ્ય સરકારમાં આરોગ્ય, રમતગમત અને મત્સ્યવિભાગના મંત્રી બન્યા હતા. ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમના અધ્યક્ષ તરીકે તેમણે પ્રશંસનીય કામ કર્યું હતું. 1980 અને 1985માં ગોધરા મતવિસ્તારમાંથી કૉંગ્રેસના ઉમેદવાર તરીકે તેઓ લોકસભામાં ચૂંટાયા હતા.

ભારતને વિશ્વ ઑલિમ્પિકમાં સ્થાન અપાવવાની તેમની મહેચ્છા હતી. એશિયન ઍથલેટિક્સ ઍસોસિયેશનના 1980માં તેઓ પ્રમુખ ચૂંટાયા હતા. તેમણે ગુજરાત સ્પૉર્ટ્સ કાઉન્સિલ સ્થાપી રમતક્ષેત્રે સારા કોચ પૂરા પાડવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.

ભારતને રમતના ક્ષેત્રે અગ્રણી રાષ્ટ્ર બનાવવા તેમણે ઍમેચ્યૉર ઍથલેટિક્સ ફેડરેશન ઑવ્ ઇન્ડિયાની સ્થાપના કરી હતી. તેના તેઓ પ્રમુખ ચૂંટાયા હતા અને તેનાં રાષ્ટ્રીય સંમેલનો પણ યોજ્યાં હતાં.

તેમને કૂતરાં પાળવાનો શોખ હતો અને વિવિધ પ્રકારનાં કૂતરાંઓના તેઓ અભ્યાસી પણ હતા. તેઓ કેનલ ક્લબ ઑવ્ ઇન્ડિયાના પ્રમુખ હતા. બ્રિટનની કેનલ ક્લબ દ્વારા સન્માન મેળવનાર તેઓ પ્રથમ એશિયાવાસી હતા. અનેક દેશોમાં ‘ડૉગ-શો’ના નિર્ણાયક તરીકેની સેવા આપનાર તેઓ એકમાત્ર ભારતીય હતા.

ભારતના હોટલ-ઉદ્યોગ સાથે પણ તેઓ જોડાયેલા હતા. સૂરતના જે. એન. એમ. લિ.ના પ્રમુખ તથા ગુજરાત હોટેલ લિ. અને હોટેલ તાજ, વારાણસીના તેઓ નિયામક હતા.

તેમણે યુનાઇટેડ સ્ટેટ્સ, ઇંગ્લૅન્ડ, ફ્રાંસ, જર્મની સહિત અનેક દેશોનો પ્રવાસ કર્યો હતો. કૉમનવેલ્થ ઑવ્ નૅશન્સની પાર્લમેન્ટરી કૉન્ફરન્સમાં 1969માં ગુજરાતના પ્રતિનિધિ તરીકે હાજરી આપવા તેમણે પૉર્ટ-ઑવ્ સ્પેન, ટ્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત લીધી હતી.

તેમણે પોતાનો જૂનો રાજમહેલ કૉલેજ માટે દાનમાં આપી 1964માં દેવગઢ બારિયામાં યુવરાજ સુભગસિંહ આર્ટ્સ કૉલેજ શરૂ કરી. તેમણે પોતાનો રાજમહેલ ખેતીવાડી સંશોધન કેન્દ્ર માટે ગુજરાત કૃષિ યુનિવર્સિટીને દાનમાં આપ્યો. તેમણે વિશાળ મેદાન સહિત ક્લબનું મકાન સ્પૉટ્ર્સ કાઉન્સિલને દાનમાં આપ્યું. તેમના અવસાન બાદ તે ‘જયદીપસિંહજી રમતગમત સંકુલ’ તરીકે ઓળખાય છે. દેવગઢ બારિયાની સર લેસ્લી વિલ્સન હૉસ્પિટલને પણ તેમના અવસાન બાદ ‘જયદીપસિંહજી સુભગસિંહજી ચૌહાણ હૉસ્પિટલ’ નામ આપવામાં આવ્યું છે. પોતાનું રાજ્ય અને વર્ષાસનની આવક ગુમાવ્યા પછી પણ, ઉદારતાથી દાન આપનાર લોકહિતૈષી દેશભક્ત તરીકે તેઓ પ્રશંસા પામ્યા હતા.

વિનોદ સોની