જયદેવ (આશરે તેરમી સદીનો પૂર્વાર્ધ) : ‘ચન્દ્રાલોક’ નામે પ્રસિદ્ધ સંસ્કૃત અલંકારગ્રંથના રચયિતા. તે ધ્વનિપરંપરાના અનુમોદક છે. તેમનું બીજું નામ ‘પીયૂષવર્ષ’ કે ‘સૂક્તિપીયૂષવર્ષ’ છે. તેમના કહેવા પ્રમાણે તેમના પિતાનું નામ મહાદેવ તથા માતાનું નામ સુમિત્રા હતું. સંસ્કૃત સાહિત્યજગતમાં જયદેવ નામે અનેક લેખકો થઈ ગયા હોવાનું ઑફ્રેટની ગ્રંથસૂચિ દ્વારા જણાય છે. તેમાં ઉલ્લિખિત નાટ્યકાર જયદેવ, ગીતકાર જયદેવ તથા તાર્કિક જયદેવ આલંકારિક જયદેવ સાથે એકરૂપ છે કે કેમ તે અંગે અનેક મતભેદો પ્રવર્તે છે; પરંતુ જયદેવકૃત ‘પ્રસન્નરાઘવ’ નામે નાટકની પ્રસ્તાવનામાં નાટ્યકારને કૌણ્ડિન્ય ગોત્રમાં જન્મેલ મહાદેવ અને સુમિત્રાના પુત્ર તરીકે ઓળખાવેલ છે. તે પરથી આલંકારિક જયદેવથી તે અભિન્ન હોવાનું જણાય છે, જ્યારે ‘ગીતગોવિંદ’ના રચયિતા જયદેવે પોતાને ભોજદેવ અને રામાદેવીના પુત્ર કહ્યા છે. તેથી તે બંનેને અભિન્ન માનવા યોગ્ય નથી. વળી, ‘પ્રસન્નરાઘવ’ નાટકમાં જયદેવે તાર્કિકોદ્ધૃત પ્રમાણજ્ઞાનનો ઉલ્લેખ કર્યો છે એટલા ઉપરથી તેમને તાર્કિક/નૈયાયિક માનવા એ વધારે પડતું છે. આમ, આલંકારિક જયદેવ અને નાટ્યકાર જયદેવ એક હોવાનું સ્વીકાર્ય લાગે છે.

જયદેવનો સમય આશરે 1200+થી 1250+, અર્થાત્ તેરમી સદીના પૂર્વાર્ધમાં ગોઠવાય છે. તે મમ્મટ, રુય્યક તથા શ્રીહર્ષના અનુગ્રાહી જણાય છે. તે દ્વારા તથા જયદેવમાંથી વિશ્વનાથ, શાર્ઙગધર, શિંગભૂપાલ, કેશવમિશ્ર વગેરેએ ઉદ્ધરણો ટાંક્યાં છે તે ઉપરથી તેમનો સમય નિશ્ચિત કરી શકાય છે.

તેમનો અલંકારગ્રંથ ‘ચન્દ્રાલોક’ 10 મયૂખોમાં વિભાજિત છે. તેમાં કાવ્યને લગતી લગભગ બધી જ બાબતો ઉદાહરણ સાથે સુંદર પ્રવાહી ભાષામાં તથા અનુષ્ટુપ છંદમાં રજૂ કરવામાં આવી છે. કાવ્યાલંકારોનું વિસ્તૃત નિરૂપણ એ એમનું જમા પાસું છે. પૂર્વાચાર્યોના વિચારોને સંગૃહીત કરીને જયદેવે સુંદર સારગ્રાહી ગ્રંથની રચના કરી છે, જે તેની લોકપ્રિયતાનું પરિચાયક છે.

તપસ્વી નાન્દી