જમ્પર, જ્હૉન (Jumper, John) (જ. 1985 લિટલ રૉક, આરકાન્સો, યુ.એસ.એ.) : પ્રોટીનના માળખાના અનુમાન માટે 2024નો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ જ્હૉન જમ્પર તથા ડેમિસ હસાબિસને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. પુરસ્કારનો અન્ય અર્ધભાગ ડેવિડ બેકરને પરિકલન અથવા ગાણિતિક પ્રોટીન-રચના (કમ્પ્યુટેશનલ પ્રોટીન ડિઝાઇન) માટે એનાયત થયો હતો.
જ્હૉન જમ્પરે 2007માં ગણિત અને ભૌતિકશાસ્ત્ર વિષયો સાથે વાન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી. 2010માં યુનિવર્સિટી ઑવ્ કેમ્બ્રિજમાંથી સૈદ્ધાંતિક સંઘનિત દ્રવ્ય ભૌતિકશાસ્ત્ર(theoretical condensed matter physics)માં અનુસ્નાતક(M.Phil)ની પદવી પ્રાપ્ત કરી. 2012માં યુનિવર્સિટી ઑવ્ શિકાગોમાંથી સૈદ્ધાંતિક રસાયણશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ યુનિવર્સિટી ઑવ્ શિકાગોમાંથી જ 2017માં સૈદ્ધાંતિક રસાયણશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી.
જ્હૉન જમ્પર ગૂગલ ડીપમાઇન્ડ નામે મશીન લર્નિંગ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) માટેની કંપનીના નિર્દેશક (director) છે. તેમણે પોતાના સહકાર્યકર્તાઓ સાથે મળીને આલ્ફાફોલ્ડ (Alphafold) પ્રોગ્રામની રચના કરી જે AI સંબંધિત ડીપ લર્નિંગ (Deep Learning) પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામ દ્વારા એમિનોઍસિડની ક્રમાનુસાર શ્રેણી પરથી પ્રોટીનના ત્રિ-પારિમાણિક માળખાનું અનુમાન કરવામાં આવ્યું. આલ્ફાફોલ્ડ અન્ય પ્રોગ્રામો કરતાં ઉત્તમ છે અને અનેક સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ સાબિત થયો છે.
2022માં જ્હૉન જમ્પરને બાયૉમેડિકલ વિજ્ઞાનનું વિલી ઇનામ પ્રાપ્ત થયું. 2023માં આલ્ફાફોલ્ડ વિકસાવવા માટે લાઇફ સાયન્સીસનું બ્રેકથ્રૂ ઇનામ પ્રાપ્ત થયું. આ ઉપરાંત બીજા અનેક પુરસ્કારોથી તેઓ સન્માનિત થયા છે.
પૂરવી ઝવેરી