જમૈકા : ઉત્તર અમેરિકા ખંડના અગ્નિખૂણામાં આવેલા ટાપુઓમાંનો એક (ટાપુ)દેશ. ભૌગોલિક સ્થાન 18o 15’ ઉ. અ. 77o 30’ પ. રે. વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓ નામે ઓળખાતા આ સમૂહમાં હવાના, ક્યુબા, જમૈકા, પોર્ટોરિકો, ડોમિનિકન, બહામા તેમજ હૈટી (હૈતી) ટાપુઓનો સમાવેશ થાય છે. ઇટાલીનો વતની ક્રિસ્તોફર કોલંબસ આ ટાપુ પર 1494માં પહોંચ્યો હતો. કૅરિબિયન સાગરના પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા ટાપુ તરીકે આ ટાપુની ગણના થાય છે. અહીંનો સુંદર રેતપટ (બીચ) ધરાવતો સાગરકિનારો અને વનશ્રી સાથે લીલીછમ પર્વતમાળા વિદેશી સહેલાણીઓને આકર્ષે છે. ટાપુનો વિસ્તાર 10,991 ચોકિમી. જેટલો છે. ક્યૂબા ટાપુથી તે આશરે 160 કિમી.ના અંતરે દક્ષિણ દિશામાં આવેલો છે. 1892 સુધી ટાપુની ઉત્તરે આવેલું ‘મૉન્ટે ગોબે’ રાજધાનીનું શહેર હતું. ત્યારબાદ દક્ષિણે આવેલું ‘કિંગ્સ્ટન’ શહેર રાજધાની બનેલું છે. ટાપુની મધ્યમાં અને પૂર્વ-પશ્ચિમે બ્લૂ માઉન્ટેનની પર્વતમાળા પથરાયેલી છે. સૌથી ઊંચું શિખર 2256 મી.ની ઊંચાઈ ધરાવે છે.

આ ટાપુમાં વસવાટ કરતી પચરંગી પ્રજા તેની વિવિધ વેશભૂષા અને પોશાકોની વિશિષ્ટતાને કારણે જુદી તરી આવે છે. તહેવારોની ઉજવણીમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. વસ્તી : 27.30 લાખ. અહીં આશરે 76 % નિગ્રો (હબસી), ઉપરાંત 1 % યુરોપિયન, 3 % ભારતીય, 1 % ચીની તેમજ અન્ય યુરોપી-આફ્રિકી મિશ્ર વસ્તી વસે છે. બધી મળીને વસ્તી 27 લાખ (2010) છે. આ દેશ 1660 સુધી સ્પૅનિશ પ્રજાના પ્રભુત્વ નીચે હતો. ત્યારબાદ અંગ્રેજ શાસકોએ આ ટાપુને પોતાનું સંસ્થાન બનાવ્યું. 1962માં આ દેશ પૂર્ણ સ્વતંત્ર થયો.

આઝાદી બાદ ખેતી, ઉદ્યોગ, પરિવહન અને વ્યાપારના ક્ષેત્રે આ દેશે હરણફાળ ભરી. ફળદ્રૂપ જમીન તથા વરસાદની અનુકૂળતાને પરિણામે ઉષ્ણકટિબંધના કપાસ, તમાકુ, શેરડી, કૉફી જેવા પાકો ઉપરાંત વિવિધ ફળોની ખેતી મોટા પાયા પર થાય છે. ખેત-આધારિત ઉદ્યોગો સાથે પર્યટન-ઉદ્યોગ પણ અહીંની રાષ્ટ્રીય આવકમાં મોટો હિસ્સો આપે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં (બૉક્સાઇટ) પેદા કરતો વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ બન્યો છે. ક્રિકેટ અને નૃત્યની શોખીન અહીંની પ્રજાએ ભાતીગળ સંસ્કૃતિ ટકાવી રાખી છે. 2010ના જાન્યુઆરીમાં નજીકમાં આવેલ હૈતીમાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ થવાથી મોટા ભાગનાં શહેરો નાશ પામેલાં.

1494માં ક્રિસ્તૉફર કોલંબસ દ્વારા આ ટાપુની શોધ થયા બાદ 1509થી 1655 સુધી તે સ્પૅનિશ કબજા હેઠળ રહ્યું. 1655થી તે અંગ્રેજોના કબજા હેઠળ રહ્યું. અંગ્રેજ શાસન દરમિયાન 1611માં ત્યાં પ્રાતિનિધિક બંધારણ ધરાવતી શાસનવ્યવસ્થા રહી. શેરડીના વ્યાપક પાકને કારણે ખાંડના ઉત્પાદન માટે સ્પૅનિશ શાસકોએ દાખલ કરેલી ગુલામી પ્રથા છેક 1830માં નાબૂદ થઈ. એથી તેની અર્થવ્યવસ્થા લગભગ તૂટી પડવાની સ્થિતિ પર પહોંચી, કારણ ગુલામી-નાબૂદીના કારણે મહેનતકશ વર્ગ ખેતરાઉ કામોથી દૂર જવા લાગ્યો હતો.

રાજકીય : 1866માં ક્રાઉન કૉલોની સરકારનો આરંભ થયો. 1884માં આંશિક ચૂંટાયેલી સરકાર ત્યાં કામ કરવા લાગી. 1919માં મહિલાઓને મતાધિકાર આપવામાં આવ્યો. 1930માં જમૈકાની પ્રજાએ સ્વશાસનની માંગ કરી, જેનો ઘણે અંશે સ્વીકાર થતાં 1944માં કૉમનવેલ્થમાં રહીને તેને સ્વશાસન આપવામાં આવ્યું. 1958માં જમૈકા ત્રિનિદાદ, બાર્બાડોસ, લીવાર્ડ ટાપુઓ, વિન્ડયાર્ડ ટાપુઓ સાથે જોડાતાં આ બધા ટાપુઓનું ‘વેસ્ટ ઇન્ડિઝ ફેડરેશન’ બન્યું. 1959માં આ સૌ ટાપુઓની સ્વશાસન ધરાવતી સરકાર રચાઈ; પરંતુ 1961માં જમૈકા આ ‘વેસ્ટ ઇન્ડિઝ ફેડરેશન’માંથી અલગ થયું. 1962માં તે સ્વતંત્ર રાજ્ય બન્યું અને બ્રિટિશ કૉમનવેલ્થનું સભ્ય બન્યું. ઑગસ્ટ, 1962માં ઘડાયેલ બંધારણ મુજબ ત્યાં બ્રિટિશ તાજ રાજ્યનો વડો છે. વાસ્તવમાં તાજના પ્રતિનિધિ તરીકે ગવર્નર જનરલ કામ કરે છે. વડાપ્રધાનની સલાહથી તાજ ગર્વનર-જનરલની નિમણૂક કરે છે. આ  ગવર્નરજનરલની મદદ માટે છ સભ્યોની બનેલી પ્રિવી કાઉન્સિલ કામ કરે છે. પીપલ્સ નૅશનલ પાર્ટી અને જમૈકા લેબર પાર્ટી તેના અગ્રિમ રાજકીય પક્ષો છે. 2009 સુધી તે બ્રિટિશ કૉમનવેલ્થનો ભાગ હોવાથી રાજ્યના વડા તરીકે રાણી એલિઝાબેથ–બીજાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે; પરંતુ એકવીસમી સદીના પહેલા દસકાને અંતે જમૈકા પ્રજાસત્તાક બને તેવી શક્યતાઓ વિકસી છે. જમૈકા કૅરેબિયાનો ત્રીજો સૌથી મોટો ટાપુ છે.

જમૈકા

ઑક્ટોબર, 2002ની ચૂંટણીઓમાં સતત ચોથી વાર પીપલ્સ નૅશનલ પાર્ટીને બહુમતી પ્રાપ્ત થઈ છે જેમાં પ્રથમ ત્રણ વાર પરસીવલ જે. પેટરસન વડાપ્રધાન બન્યા હતા. તે પછી માર્ચ, 2006ની ચૂંટણીઓમાં પણ આ જ પક્ષ વિજેતા બન્યો અને પોર્શિયા સિમ્પસન મિલર નામનાં નેત્રી જમૈકાનાં સૌપ્રથમ મહિલા વડાંપ્રધાન બન્યાં. જમૈકા લેબર પાર્ટી ત્યાંનો માન્ય વિરોધપક્ષ છે.

ઑક્ટોબર, 2002ની ચૂંટણીઓમાં સતત ત્રીજી વાર પીપલ્સ નેશનલ પાર્ટીને બહુમતી મળી અને તે પછી 2006ની ચૂંટણીમાં પણ આ જ પક્ષ બહુમતી મેળવી શક્યો. આમ પીપલ્સ નેશનલ પાર્ટી સતત અઢાર વર્ષ સત્તા પર ટકી રહી. સપ્ટેમ્બર, 2007ની સામાન્ય ચૂંટણીમાં જમૈકા લેબર પાર્ટીએ બહુમતી મેળવી અને તે પક્ષના નેતા બ્રુસ ગોલ્ડિંગ વડાપ્રધાન બન્યા. તેઓ 2012 સુધી વડાપ્રધાન પદના હોદ્દા પર છે ત્યારબાદ જમૈકામાં નવી સામાન્ય ચૂંટણીઓ અપેક્ષિત છે. જમૈકામાં ફાંસીની સજા અંગે લાંબી ચર્ચાઓ ચાલી પરંતુ 2008માં તેની સંસદના બંને ગૃહોએ ફાંસીની સજાની તરફેણ કરતાં આ સજા કાર્યરત રાખવાનો નિર્ણય લેવાયો.

તેની ધારાસભા બે ગૃહો ધરાવે છે છ સેનેટ અને હાઉસ ઑવ્ રિપ્રેઝન્ટેટિવ. સેનેટમાં કુલ 21 સેનેટરો ગવર્નર જનરલ દ્વારા નિમાય છે, જેમાં 13 સભ્યો વડાપ્રધાનની સલાહ અનુસાર અને 8 સભ્યો વિરોધપક્ષના નેતાની સલાહથી નિમાય છે. સેનેટ તેની ધારાસભાનું ઉપલું ગૃહ છે. હાઉસ ઑવ્ રિપ્રેઝન્ટેટિવ તેનું નીચલું ગૃહ છે, જે પ્રજા દ્વારા સીધી રીતે ચૂંટાય છે, તેમાં કુલ 60 સભ્યો પાંચ વર્ષ માટે ચૂંટાય છે. અન્ય સંસદીય લોકશાહીઓની જેમ આ ગૃહમાં બહુમતી મેળવનાર પક્ષ વડાપ્રધાન નીમે છે અને સરકાર ચલાવે છે, જ્યારે બેઠકોના ધોરણે બીજું સ્થાન મેળવનાર રાજકીય પક્ષ વિરોધપક્ષનું સ્થાન પ્રાપ્ત કરે છે.

ન્યાયકીય ક્ષેત્રે સર્વોચ્ચ સ્થાને સર્વોચ્ચ અદાલત કામ કરે છે, જેના વડા સર્વોચ્ચ ન્યાયાધીશ હોય છે. ગુનાઓનો ઊંચો દર જમૈકાનો એક મહત્વનો પ્રશ્ન છે.

જમૈકા નાનું પણ મુક્ત અર્થતંત્ર ધરાવે છે. તેના અર્થતંત્રનો મુખ્ય આધાર પ્રવાસન છે. ઍલ્યુમિનિયમ બૉક્સાઇટ, કેળાં અને ખાંડ જેવી ચીજોની તે નોંધપાત્ર પ્રમાણમાં નિકાસ કરે છે. સાધારણ કક્ષાનું નિમ્ન તંત્ર તેના આર્થિક વિકાસને અવરોધે છે. ભ્રષ્ટાચારની સમસ્યા ગંભીર છે. સીધા વિદેશી મૂડીરોકાણ પર તેણે આધાર રાખવો પડે છે. બેકારીનો દર લગભગ 15 ટકા જેવો છે. ગ્રામીણ વિસ્તારોમાં લગભગ 24 ટકા જેવો ગરીબોનો દર તે ધરાવે છે.

આમ આ નાનો દેશ આર્થિક સમસ્યાઓનો સામનો કરતાં કરતાં લોકશાહીને ટકાવી રાખવાની મથામણ કરી રહ્યો છે.

ઇતિહાસ : દક્ષિણ અમેરિકાના મૂળ વતનીઓ આરાવાક અને ટાઇનો લોકો ઈ. પૂ. 4000થી 1000 વર્ષના સમયગાળા દરમિયાન અહીં આવીને વસેલા. ઈ. સ. 1494માં ક્રિસ્તૉફર કોલંબસ અહીં આવેલો અને આ ટાપુ પર એનો દાવો મૂકેલો ત્યારબાદ 1509માં સેવિલા ટાપુ પર વસાહત ઊભી કરેલી; પરંતુ લોકોનાં સ્વાસ્થ્યની અનુકૂળતા ન સધાતાં 1534માં સેંટ જાગો-દ-લા-વેગા તરીકે પછીથી જાણીતા બનેલ સ્થળને પાટનગર બનાવેલું, જે આજે સેંટ કૅથેરિના નજીક આવેલું છે. 1655માં બ્રિટનના વિલિયમ પેન અને જનરલ રૉબર્ટ વેનાબ્લેસે અહીં પ્રભુત્વ સ્થાપ્યું. 1660માં જમૈકાની કાળા અને ગોરા લોકોની વસ્તી 6000 જેટલી થયેલી. 1670ના દસકામાં કાળા લોકોની વસ્તી વધી ગઈ હતી. 18મી સદીમાં અહીંના મૂળ વતનીઓએ બ્રિટિશરો સામે લડત આપી હતી.

1820થી 1924ના સમયગાળા દરમિયાન 77,000 ટન જેટલું ખાંડનું ઉત્પાદન થવા પામ્યું હતું; પરંતુ ખાંડનું વધુ ઉત્પાદન મળે તે માટે ભારતીય અને ચીની મજૂરોને લાવીને વસાવેલા. 19મી સદીની શરૂઆતમાં શેરડીના ઉત્પાદન માટે કાળા ગુલામો લવાતા ગયા. પરિણામ તેમની વસ્તી ગોરાઓની તુલનામાં વીસ ગણી વધી ગઈ. ત્યારબાદ 1834માં ગુલામીની પ્રથા નાબૂદ થતાં, જમૈકાને સ્વતંત્ર કરવા માટેની તક સાંપડી. 1962માં જમૈકા એક સ્વતંત્ર દેશ તરીકે ઊભરી આવ્યો.

મહેશ મ. ત્રિવેદી

રક્ષા મ. વ્યાસ

નીતિન કોઠારી