જમશેદપુર : ભારતના ઝારખંડ રાજ્યનું પોલાદ ઉદ્યોગ માટે પ્રસિદ્ધ નગર. ભૌગોલિક સ્થાન : 22o 48’ઉ. અ. અને 86o 11’ પૂ. રે. પ્રાચીન મૌર્ય અને ગુપ્તયુગની જાહોજલાલીને કારણે બિહાર ઇતિહાસપ્રસિદ્ધ રાજ્ય ગણાય છે, જ્યારે આધુનિક યુગમાં લોખંડ અને પોલાદ ઉદ્યોગના પ્રારંભ માટે તે પ્રસિદ્ધિ પામ્યું. ટાટાનગર તરીકે જાણીતા આ શહેરમાં 1909માં આર. જી. વેલ્સના જનરલ મૅનેજરપદ નીચે ‘ટાટા આયર્ન ઍન્ડ સ્ટીલ કંપની’ (TISCO–ટિસ્કો) દ્વારા પોલાદ ઉદ્યોગનો પ્રારંભ થયો. 1911ની બીજી ડિસેમ્બરે સૌપ્રથમ લોહભઠ્ઠી ઝળહળી, ત્યારે પોલાદનો પહેલો પાટડો (ingot) આ કારખાનામાં ઉત્પન્ન થયો. 1919માં જૂના ગામ સાકચીનું નવું નામ જમશેદપુર અને કાલીમાટી નામના જૂના ગામનું નવું નામ ટાટાનગર રાખવામાં આવ્યું. જમશેદજી ટાટાની યાદમાં આ શહેર જમશેદપુર અથવા ટાટાનગર તરીકે જાણીતું બન્યું. જમશેદજી ટાટાની સરખામણી યુ.એસ.એ.ના ઍન્ડ્રુ કાર્નેગી તથા ઇંગ્લૅન્ડના લૉર્ડ નેફીલ્ડ સાથે કરવામાં આવે છે કારણ કે ભારતમાં પોલાદ-ઉદ્યોગના પિતા તરીકે જમશેદજી ટાટાનું નામ મોખરે છે.

સુવર્ણરેખા અને ખરકાઈ નદીના સંગમસ્થાને આવેલું જમશેદપુર એક સુઆયોજિત નગર છે. અહીં કાચું લોખંડ (લોહ-અયસ્ક) રેલમાર્ગ દ્વારા ગુરુમહિસાની, બાદામપ્રહાર, મયૂરભંજ અને સિંગભૂમ તેમજ સુલિયાપતની ખાણોમાંથી આવે છે. જ્યારે કોલસો રાણીગંજ અને ઝરિયાની ખાણોમાંથી આવે છે. મૅન્ગેનીઝ અને ચૂનાના પથ્થર પડોશી રાજ્ય ઓરિસાના બોનાઈ, કેઓન્જાર તેમજ ગંગપુર ક્ષેત્રોમાંથી પ્રાપ્ત થાય છે. અહીં લોખંડની કાચી ધાતુમાંથી પોલાદ-લોખંડની પાટો, વાયર, સળિયા, ખેતીનાં યંત્રો, રેલવે એન્જિનો વગેરે યંત્રો તૈયાર થાય છે. આ શહેરમાં યંત્રઓજાર, સાઇકલ તેમજ બીજા યાંત્રિક ઉદ્યોગો વિકસેલા છે. સુંદર રસ્તા, બાગબગીચા, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ સુંદર નગરઆયોજન ધરાવતું આ શહેર ઝારખંડ રાજ્યના ઔદ્યોગિક શહેર ઉપરાંત સાંસ્કૃતિક, શૈક્ષણિક, વહીવટી તેમજ વ્યાપારી ર્દષ્ટિએ મહત્વનું શહેર છે. પાંચ લાખથી અધિક વસ્તી ધરાવતું અને મુંબઈ-કૉલકાતા વચ્ચે મુખ્ય રેલવેલાઇન પર આવેલું આ શહેર રસ્તા, રેલ અને હવાઈમાર્ગોથી ભારતનાં અન્ય શહેરો સાથે જોડાયેલું છે.

મહેશ મ. ત્રિવેદી