જમશેદજી જીજીભાઈ, સર

January, 2012

જમશેદજી જીજીભાઈ, સર (જ. 15 જુલાઈ 1783, નવસારી; અ. 1859) : ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં સાર્વત્રિક ઉદારતા અને પરોપકારી સખાવતો માટે ખ્યાતિ પામેલ પશ્ચિમ હિંદના એક અગ્રગણ્ય પારસી સદગૃહસ્થ.

તેમના પિતાનો હાથવણાટના કાપડનો વ્યવસાય હતો. આર્થિક સંકડામણને કારણે જમશેદજી ઔપચારિક શિક્ષણથી વંચિત રહ્યા હતા; પરંતુ પ્રામાણિકતા, ધર્મપરાયણતા અને સદાચારી માતાપિતાના સંસ્કાર પામ્યા હતા. તેઓ 16 વર્ષના હતા ત્યારે 1799માં તેમનાં માતાપિતા અવસાન પામ્યાં.

1795માં 12 વર્ષની વયે મામાની પેઢીમાં શિખાઉ તરીકે વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી; ટૂંક સમયમાં જ તેમની સુષુપ્ત શક્તિઓ ખીલી ઊઠી. 30 વર્ષની ઉંમર પૂરી થતાં સુધીમાં તેમણે વેપાર અર્થે 5 વખત ચીનની દરિયાઈ સફર ખેડી અને આફ્રિકા પણ જઈ આવ્યા. બારીક અવલોકનશક્તિ અને કુશાગ્રબુદ્ધિથી વ્યાપારી આલમના રીતરિવાજોનું ઊંડું જ્ઞાન અને વિસ્તૃત અનુભવ મેળવ્યાં. ઊંડી સૂઝ, ખંત, નિષ્ઠા અને કુનેહથી વેપાર વિસ્તાર્યો; પરોપકારી પ્રતિષ્ઠિત વેપારી તરીકે ખ્યાતિ પામ્યા. 1814માં તેમણે તેમનું સૌપ્રથમ જહાજ ખરીદ્યું; પછીનાં વર્ષોમાં તેમનો કાફલો ફૂલ્યોફાલ્યો. અઢળક સંપત્તિ એકઠી થઈ.

ગુપ્ત સખાવતો દ્વારા સુપાત્રોને મદદ કરવા તેઓ સદાય તત્પર રહેતા. 1822થી શરૂ થયેલો તેમનાં જાહેર દાનનો પ્રવાહ ક્રમશ: લોકોપયોગી સખાવતોના પૂર રૂપે પ્રસર્યો. દુષ્કાળરાહત, કૂવા, જળાશયો, રસ્તા, પુલો, ધર્મશાળાઓ, પાંજરાપોળો, નિરાધારો-અશક્તો માટેનાં કેન્દ્રો વગેરેનાં બાંધકામ; શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના, શિષ્યવૃત્તિ ભંડોળોની રચના, ઇસ્પિતાલોની શરૂઆત ઇત્યાદિ સામાજિક સાર્વજનિક જરૂરિયાતની સંખ્યાબંધ પ્રવૃત્તિઓ માટે તેમણે ઉદાર હાથે દાન આપ્યાં અને લોકોપયોગી કાર્યો કર્યાં. તેની સખાવતથી મુંબઈમાં સ્થપાયેલ જે. જે. હૉસ્પિટલ, જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ્સ અને જે. જે. બેનિવોલન્ટ ઇન્સ્ટિટ્યૂશન અસાધારણ ખ્યાતિ પામેલ છે.

જમશેદજી 1827માં સ્થપાયેલ નેટિવ એજ્યુકેશન સોસાયટીની મૅનેજિંગ કમિટીના સભ્ય, 1842માં બોર્ડ ઑવ્ એજ્યુકેશનના સભ્ય અને 1857માં સ્થપાયેલી મુંબઈ યુનિવર્સિટીની સર્વપ્રથમ સેનેટના સભ્ય હતા. ‘બૉમ્બે કુરિયર’ દૈનિકના તેઓ એક માલિક હતા. તે ઉપરાંત ‘બૉમ્બે સમાચાર’, ‘બૉમ્બે ટાઇમ્સ’ (હાલનું ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’) દૈનિકો તથા ‘વિદ્યાસાગર’ સામયિકના પ્રકાશનકાર્યમાં તેમણે નાણાકીય સહાય પૂરી પાડી હતી. ‘જામે જમશેદ’ પ્રેસના આશ્રયદાતા રૂપે તેમણે ઘણાં પુસ્તકોના પ્રકાશનકાર્યમાં મદદ કરી હતી. 1856માં તેમની પ્રતિમા ઊભી કરીને મુંબઈના નાગરિકોએ તેમનું જાહેર સન્માન કર્યું હતું.

અંગ્રેજ હાકેમો દ્વારા પણ તેઓ સન્માનિત થયા હતા. 1829માં હિંદી નાગરિકોને ન્યાયાલયોમાં જ્યૂરર તરીકે નિયુક્ત કરવાની શરૂઆત થઈ; હિંદી જ્યૂરરોના પ્રથમ જૂથમાં જમશેદજીનો સમાવેશ થયો હતો. 1834માં જસ્ટિસ ઑવ્ પીસ તરીકે તેમની નિમણૂક થઈ હતી. બ્રિટિશ શાસન હેઠળ હિંદીઓની વિટંબણાઓને વાચા આપવા 1852માં સ્થપાયેલ પશ્ચિમ હિંદના સર્વપ્રથમ રાજકીય સંગઠન બૉમ્બે ઍસોસિયેશનના તેઓ માનાર્હ અધ્યક્ષ હતા. નવસારીના લોકો પાસેથી સરકાર તરફથી દર સાલ લેવાતી ખંડણી તેમણે 1854માં માફ કરાવી હતી.

ઈ. સ. 1842માં સમ્રાજ્ઞી વિક્ટોરિયાએ તેમને દેશભક્તિ માટે હીરાજડિત સુવર્ણચંદ્રક અને સરનો ખિતાબ એનાયત કર્યા હતા; આ સન્માન પામનારા તેઓ સર્વપ્રથમ ભારતીય હતા. 1857માં તેઓ ભારતના સૌપ્રથમ બૅરોનેટ બન્યા હતા.

ધીરુભાઈ વેલવન