જનગણમન : ભારતનું રાષ્ટ્રગીત. રવીન્દ્રનાથ ઠાકુરની આ રચના (1911) તેમના તંત્રીપદે પ્રસિદ્ધ થતી ‘તત્વબોધિની પત્રિકા’માં સૌપ્રથમ જાન્યુઆરી 1912માં ‘ભારત વિધાતા’ શીર્ષક સાથે પ્રસિદ્ધ થયેલી. કવિએ 1919માં ‘ધ મૉર્નિંગ સૉન્ગ ઑવ્ ઇન્ડિયા’ નામે આ ગીતનો અંગ્રેજી અનુવાદ કર્યો હતો.
(રાગ : કોરસ – તાલ ધુમાલી)
જનગણમનઅધિનાયક જય હે ભારતભાગ્યવિધાતા,
પંજાબ સિંધુ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગ
વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિતરંગ
તવ શુભ નામે જાગે, તવ શુભ આશિષ માગે,
ગાયે તવ જયગાથા.
જનગણમંગલદાયક જય હે ભારતભાગ્યવિધાતા !
જય હે, જય હે, જય હે, જય જય જય, જય હે !
રાષ્ટ્રગીતની ભાવનાથી તેનું સૌપ્રથમ ગાયન કૉલકાતામાં ભારતીય રાષ્ટ્રીય મહાસભા(ઇંડિયન નૅશનલ કૉંગ્રેસ)ના વાર્ષિક અધિવેશન સમયે 27મી ડિસેમ્બર, 1911ના દિવસે થયું હતું. ભારતની બંધારણસભાએ વિશેષ ઠરાવ કરીને 24મી જાન્યુઆરી, 1950ના દિવસે તેને સત્તાવાર રાષ્ટ્રગીત તરીકે અપનાવ્યું. મૂળ ગીતમાં પાંચ ટૂકો છે. રાષ્ટ્રગીત તરીકે પ્રથમ ટૂકનો સંપૂર્ણ પાઠ લેવાય છે. તેનો ગાયનકાળ 52 સેકંડ છે. સંક્ષિપ્ત ગીતમાં ટૂકની પ્રથમ અને છેલ્લી પંક્તિઓ વગાડવામાં આવે છે તેનો સમય 20 સેકંડનો છે. (જુઓ : ‘વન્દે માતરમ્’).
હસમુખ પંડ્યા