જનકલ્યાણ : ગુજરાતી માસિક પત્ર. 1951માં સંત ‘પુનિત’ મહારાજના તંત્રીપદે શરૂ થયેલું. પ્રથમ વર્ષે જ 6000 ગ્રાહકો નોંધાયા હતા.

‘જનકલ્યાણ’ના પ્રકાશનનો હેતુ સસ્તા દરે જીવનલક્ષી સાહિત્ય પૂરું પાડવાનો છે. તેમાં મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, નીતિ, વ્યવહાર વગેરે વિષયોને આવરી લેતી સામગ્રી સરળ ભાષામાં આપવામાં આવે છે. પ્રત્યેક વર્ષે વિવિધ વિષયોને આવરી લેતો એક વિશેષાંક પ્રગટ થાય છે.

1962માં સંત ‘પુનિત’ મહારાજનું અવસાન થયું હતું છતાં ‘જનકલ્યાણ’ના સંપાદક ચંદુલાલ પ્રજાપતિ(‘પુનિતપદરેણુ’)એ તેનું પ્રકાશન ચાલુ રાખ્યું હતું અને તેનો ફેલાવો 1 લાખ 70 હજાર સુધી પહોંચાડ્યો હતો. 2000માં સંપાદક ચંદુભાઈ પ્રજાપતિ-(‘પુનિતપદરેણુ’)નું અવસાન થયું. ત્યારબાદ, તેના તંત્રી/સંપાદક તરીકેની કામગીરી દેવેન્દ્ર એલ. ત્રિવેદી (‘પુનિતપદરજ’) સંભાળી રહ્યા છે.

આ માસિકમાં કોઈ પણ પ્રકારની જાહેરાત લેવી નહિ કે કશેય તેની જાહેરાત કરવી નહીં – સંસ્થાએ પોતે ન બોલવું. સંસ્થાનાં સત્કાર્યોને બોલવા દેવાં તથા સંસ્થાની સત્ય પ્રવૃત્તિઓ નિમિત્તે જાહેર જનતામાંથી મળતો સ્વૈચ્છિક સહયોગ સ્વીકારવો; પરંતુ પૈસાને અનુચિત અગત્ય ન જ આપવી એવો તેના સંચાલકોનો સિદ્ધાંત છે.

દર મહિને 20,000થી વધુ અંકો સેવાભાવી પ્રતિનિધિઓ દ્વારા વિના વેતને ગ્રાહકોને હાથોહાથ પહોંચાડાય છે. આથી આર્થિક લાભ ઉપરાંત અનેક લોકોનો લોકસંપર્ક સધાય છે અને સાચા અર્થમાં સંસ્થા લોકાભિમુખ બની રહી છે.

‘જનકલ્યાણ’ પ્રકાશન સંસ્થા શ્રી પુનિત સેવા ટ્રસ્ટ રજિસ્ટર્ડ પબ્લિક ટ્રસ્ટ છે. તેનું ટ્રસ્ટીમંડળ આ સંસ્થાનું સેવાભાવનાથી સંચાલન કરે છે.

આ માસિકના હિંદુ ઉપરાંત મુસ્લિમ, પારસી, જૈન, ખ્રિસ્તી વગેરે ધર્મના અસંખ્ય વાચકો તેના ગ્રાહકો પણ છે. ઉપરાંત બિનગુજરાતી સમાજ – રાજસ્થાની, મરાઠી, હિંદી-ભાષી પણ તેના ગ્રાહકો છે.

વિદેશોમાં પણ તેના ગ્રાહકો સારી એવી સંખ્યામાં છે. ગુજરાતી માસિકોમાં ગ્રાહકસંખ્યાની ર્દષ્ટિએ આ માસિકે વિક્રમ સ્થાપ્યો છે એમ કહી શકાય.

વળી જીવનને ઊર્ધ્વગામી બનાવે તેવાં વિશિષ્ટ વિભૂતિઓનાં જીવનચરિત્રોને આવરી લેતા લઘુ વિશેષાંકોની આગવી પરંપરા તેણે પ્રસ્થાપિત કરી છે.

સંસ્થા ‘જનકલ્યાણ’ માસિકના પ્રકાશનની લગોલગ વિવિધ પુરાતન-અદ્યતન સર્જકોની જીવનવિકાસલક્ષી કૃતિઓનું પુસ્તકસ્વરૂપે સમય સમય પર પ્રકાશન કરે છે; અને, તે પ્રકાશનો ‘જનકલ્યાણ’ના કાયમી સભ્યો કે જેમની સંખ્યા લગભગ 31,000 થવા જાય છે તેમને વિનામૂલ્યે, ભેટસ્વરૂપે આપે છે. આ પ્રકાશનો સંસ્થા અન્ય વાંચકોને પણ સીધેસીધાં વાજબી કિંમતે ઉપલબ્ધ કરાવી આપે છે.

મુકુન્દ પ્રા. શાહ