જઠરાંત સંકીર્ણન, અતિવૃદ્ધીય (hypertrophic pyloric stenosis) :

January, 2012

જઠરાંત સંકીર્ણન, અતિવૃદ્ધીય (hypertrophic pyloric stenosis) : જઠરના નીચેના છેડે આવેલા સ્નાયુઓની અતિવૃદ્ધિને કારણે જઠરનું દ્વાર સાંકડું થવાનો વિકાર તે શિશુઓમાં તથા ક્યારેક પુખ્તવયે થતો વિકાર છે. દર 1000 શિશુએ 3થી 4 શિશુમાં તે થાય છે. તેનું કારણ નિશ્ચિત કરાયેલું નથી. તેને માટે વિવિધ સંકલ્પનાઓ (hypotheses) વિચારાયેલી છે. સૌથી વધુ સ્વીકાર્ય વિચાર પ્રમાણે તે જઠરના નીચલા છેડાના સ્નાયુઓનું રહેતું સતત સંકોચન અને અશિથિલન (achalasia) છે. 7 % દર્દીઓમાં આ વિકાર કૌટુંબિક હોય છે. આ કુટુંબોમાં 50 % માતાઓમાં, 10 % ભાઈઓમાં અને 2 % બહેનોમાં આ વિકાર થયેલો હોય છે.

જઠર પેટમાં આવેલો પાચનતંત્રનો અવયવ છે. તેમાં અન્નનળીમાંથી આવેલો ખોરાક તેના ઉપલા છેડે આવેલા અન્નનળી અને જઠર વચ્ચે આવેલા જઠરારંભ દ્વારરક્ષક(sphincter)માંથી પસાર થઈને આવે છે. જઠરના નીચલા છેડે આવેલા દ્વારરક્ષકને જઠરાંત દ્વારરક્ષક (pyloric sphincter) કહે છે. જઠર પોલો, ‘J’ આકારની કોથળી જેવો અવયવ છે જેમાં ખોરાકનો સંગ્રહ, મિશ્રણ અને પચન થાય છે. જઠરના પોલાણના 3 ભાગ છે : જઠરઘુંમટ (fundus), જઠરકાય (body of stomach) અને જઠરાંત (pylorus). જઠરાંતના પોલાણને જઠરાંત ગુહા (pyloric antrum) કહે છે. અતિવૃદ્ધીય જઠરાંત સંકીર્ણનના દર્દીમાં જઠરાંત ગુહાના સ્નાયુઓની અતિવૃદ્ધિ થયેલી હોવાથી તેની દીવાલ જાડી થયેલી હોય છે અને અંદરનું પોલાણ સાંકડું થયેલું હોય છે. જઠરના નીચલા છેડા તરફ જતાં ધીરે ધીરે દીવાલની જાડાઈનું પ્રમાણ વધે છે અને તેથી જઠરાંતનું પોલાણ સાંકડું થાય છે જેથી માંડ પાતળો તાર તેમાંથી પસાર થઈ શકે. જઠર પછી નાનું આંતરડું શરૂ થાય છે. તેના શરૂઆતના ભાગને પક્વાશય (duodenum) કહે છે. પક્વાશયમાં આ વિકારને કારણે કોઈ ખરાબી થયેલી હોતી નથી.

લક્ષણ, ચિહનો અને નિદાન : સામાન્ય રીતે અસરગ્રસ્ત શિશુ જન્મેલો છોકરો હોય છે. જન્મ પછી ત્રીજાથી છઠ્ઠા અઠવાડિયામાં મુખ્ય લક્ષણો જોવા મળે છે. ક્યારેક તે વહેલું અથવા સાતમા અઠવાડિયામાં પણ થાય છે. શિશુને ઊલટીઓ થાય. ઊલટીઓ જોરદાર અને ઉછાળો મારતી (projectile) હોય તેવી હોવા છતાં તેમાં પિત્ત (bile) હોતું નથી. ઊલટી થયા પછી શિશુ ભૂખ્યું થાય છે. શિશુને પ્રવાહી આપ્યા પછી પેટના ઉપલા ભાગ પર જઠરની લહરગતિ (peristalsis) જોવા મળે છે. તે ઊલટી થાય ત્યારે શમે છે. સહેજ હૂંફાળા હાથ વડે પેટ તપાસતાં જઠરાંતના ભાગ પર ગાંઠ જણાય છે. એકથી વધુ વખત તપાસવું સલાહભર્યું ગણાય છે. શિશુને આહાર આપતી વખતે તે સહેલાઈથી સ્પર્શી શકાય છે. શિશુને કબજિયાત હોય છે અને તેના શરીરમાં પાણીની ઊણપ થાય છે. તેનું વજન ઘટે છે. ક્યારેક આહારનો પ્રકાર બદલવાથી તકલીફો ઘટે છે પરંતુ તેનાથી નિદાન મોડું થાય છે. જો અપૂર્ણવિકસિત (premature) શિશુ હોય તો તેમાં અરુચિ હોય છે. પાછું પાણી આવતું હોય તેવી (regurgitative) ઊલટી હોય છે અને લહેરગતિ જોવાતી હોવા છતાં આવા શિશુમાં તે સહજ હોવાથી ઘણી વખત તેનું મહત્ત્વ જાણવાનું ચૂકી જવાય છે. જોકે પેટ પર હાથ મૂકતાં ગાંઠ જેવો જઠરાંતનો ભાગ જણાઈ આવે છે. નિદાન માટે બેરિયમ ચિત્રશ્રેણીની ભાગ્યે જ જરૂર પડે છે. આ વિકારને ખોપરીમાં લોહી વહેવાનો વિકાર, પક્વાશયનું અવિકસન અને આંતરડાંમાં અવરોધ વગેરે વિકારોથી અલગ પડાય છે.

સારવાર : શસ્ત્રક્રિયા મુખ્ય સારવાર છે. શિશુ 24 કલાકમાં પાછું સામાન્ય સ્થિતિમાં આવે છે. મોંમાં ચેપ લાગેલો હોય તો તેને પહેલાં મટાડાય છે. અલ્પ ઉગ્ર વિકાર હોય તો ક્યારેક શસ્ત્રક્રિયા વગર શમે છે. શસ્ત્રક્રિયા રૂપે રામ્સ્ટેડ્ટની શસ્ત્રક્રિયા કરાય છે. લગભગ બધા જ કિસ્સામાં સફળતા મળે છે. સ્થાનિક ચામડી અને પેશીને બહેરી કરીને જઠરાંત પર ઊભો ચીરો મૂકીને સ્નાયુ કાપી કઢાય છે. જઠર કે પક્વાશયમાં છિદ્ર ન પડે તે જોવાય છે. શસ્ત્રક્રિયા પછી ક્યારેક તાવ, ઝાડાઊલટી કે ઘાવ ખૂલી જવાના આનુષંગિક વિકારો થાય છે. સફળ શસ્ત્રક્રિયા પછી 48 કલાકમાં શિશુને સામાન્ય આહાર શરૂ કરાય છે. પુખ્ત વયે થયેલા વિકારને કૅન્સરથી અલગ પડાય છે અને તેમાં જઠરાંત-નવસર્જન (pyloroplasty) અને જઠર-અગ્રાંત્ર જોડાણ(gastrojejunostomy)ની શસ્ત્રક્રિયા કરાય છે. પુખ્ત વયે થતા આ વિકારનું કારણ આંત્રપટમાંના ચેતાજાળ(mecenteric plexus)માં તંતુતા થયેલી હોય છે.

શિલીન નં. શુક્લ

સોમાલાલ  ત્રિવેદી