જઠરશોથ (gastritis) : જઠરનો શોથજન્ય (inflammatory) વિકાર થવો તે. જઠરની અંદરની દીવાલ(શ્લેષ્મકલા, mucosa)માં શોથને કારણે ટૂંકા સમયનો કે લાંબા ગાળાનો સોજો થાય તેને જઠરશોથ કહે છે. તેના વર્ગીકરણમાં મતમતાંતર છે. શસ્ત્રક્રિયા કે અંત:નિરીક્ષા (endoscopy) વડે કરાયેલા પેશીપરીક્ષણમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિના જઠરમાં શોથજન્ય વિકાર નથી એવું જણાય છે. સામાન્ય રીતે તેને ઉગ્ર (acute) અથવા ટૂંકા સમયનો કે દીર્ઘકાલીન (chronic) એમ બે પ્રકારમાં વહેંચવામાં આવે છે.

ઉગ્ર જઠરશોથ : ઍસ્પિરિન, પ્રતિશોથ (antiinflammatory) દવાઓ તથા ઘણી વખત શરાબને કારણે જઠરની અંદરની દીવાલ પર શોથ ઉદભવે છે. શોથ થાય ત્યારે ત્યાંની નસો પહોળી થાય છે, ત્યાં સોજો આવે છે, તે ભાગ લાલ થાય છે અને તેમાં દુખાવો થઈ આવે છે. જઠર પરની શસ્ત્રક્રિયા પછી કે અન્ય કારણે જો પક્વાશયમાંનું પિત્ત (bile) જઠરમાં પ્રવેશે તો પણ ઉગ્રશોથનો વિકાર થાય છે : શ્લેષ્મકલામાં નસો પહોળી થવાથી લોહી ભરાય છે અને તેની સપાટી પર સોજો અને ચાંદાં પડવાથી લોહી ઝમે છે. તેને રુધિરસ્રાવી જઠરશોથ (haemorrhagic gastritis) કહે છે. ઘણી વખત આટલો ઉગ્ર વિકાર થયો હોવા છતાં કોઈ લક્ષણો હોતાં નથી. કેટલાક દર્દીઓમાં અરુચિ, ઊબકા, પેટના ઉપલા ભાગમાં દુખાવો તથા છાતીમાં બળતરા થાય છે. જો તે લાંબા ગાળા સુધી ચાલે તો લોહી ઝમવાથી હીમોગ્લોબિનનું પ્રમાણ ઘટે છે અને પાંડુતા (anaemia) થાય છે. જઠરની અંદર અંત:દર્શક (endoscope) વડે જોવાથી (જઠરનિરીક્ષા, gastroscopy) નિદાન થાય છે. સારવાર રૂપે કારણભૂત દવા કે શરાબ પીવો બંધ કરીને પ્રતિ-અમ્લ (antacid) દવાઓ તથા સુક્રાલ્ફેટનો ઉપયોગ કરાય છે.

દીર્ઘકાલી જઠરશોથ : પેશીરુગ્ણવિદ્યા (histopathology) વડે તેને 3 તબક્કામાં વહેંચાય છે. તે ઘણાં વર્ષો સુધી ધીમે ધીમે વધે છે. (1) દીર્ઘકાલી સપાટીગત જઠરશોથ(chronic superficial gastritis)માં શ્લેષ્મકલાની જાડાઈ વધતી નથી પરંતુ તેમાં છૂટાછવાયા સ્થળે લોહીના લસિકાકોષો (lymphocytes) અને પ્લાઝમાકોષો જમા થાય છે. (2) અપક્ષીણતાજન્ય (atrophic) જઠરશોથમાં જઠરકાય(body of stomach)ની ગ્રંથિઓમાંના વિશિષ્ટ કોષો તથા જઠરાંત(pylorus)માંના શ્લેષ્મકોષોની સંખ્યા ઘટે છે. શ્લેષ્મકલાના ઉપલા આવરણરૂપ અધિચ્છદ(epithelium)ના કોષોનું પરાવિકસન (metaplasia) થાય છે અને તેમાં લસિકાકોષો અને પ્લાઝમાકોષો જમા થાય છે. (3) જઠરીય અપક્ષીણતા(gastric atrophy)માં જઠરની અંદરની દીવાલ પાતળી થાય છે, કોષોનું પરાવિકસન થાય છે પરંતુ ગોળ-કોષોની જમાવટ ઓછી હોય છે. કોઈ વિશિષ્ટ પ્રકારના કોષનું બીજા પ્રકારના કોષમાં રૂપાંતરણ થાય ત્યારે તેને પરાવિકસન કહે છે. દીર્ઘકાલી જઠરશોથને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે  –(અ) પ્રકાર ‘એ’ અથવા દીર્ઘકાલી જઠરઘુંમટશોથ (chronic fundal gastritis) અને (આ) પ્રકાર ‘બી’ અથવા દીર્ઘકાલી જઠરગુહાશોથ(chronic antral gastritis).

(અ) દીર્ઘકાલી જઠરઘુંમટશોથ : જઠરના ઉપરના ભાગને ઘુંમટ (fundus) કહે છે. લોહીમાંના જઠરના કોષો સામેનાં પ્રતિદ્રવ્યો પ્રણાશી પાંડુતા (pernicious anaemia) તથા દીર્ઘકાલી જઠરશોથ કહે છે. જઠર પરની શસ્ત્રક્રિયા, પેપ્ટિક વ્રણ (ulcer) તથા જઠરના કૅન્સરમાં પ્રતિરક્ષાલક્ષી વિકાર થાય ત્યારે આ પ્રકારનો વિકાર થાય છે.

(આ) દીર્ઘકાલી જઠરગુહાશોથ : જઠરના પોલાણમાંના ઍસિડ સામે ટકી શકે એવા હેલિકોબેક્ટર પાયલોટી નામના જીવાણુથી થતો આ વિકાર છે. પક્વાશયના વ્રણના 90 % દર્દીઓ તથા જઠરવ્રણના 60 % દર્દીઓમાં તે જોવા મળે છે. પક્વાશયમાંના પેપ્ટિક વ્રણની આસપાસની દીવાલમાં પરાવિકસન થાય ત્યારે ત્યાં પણ તે જોવા મળે છે. પેપ્ટિક વ્રણ અને જઠરશોથ એમ બંને વિકારો આ જીવાણુથી થાય છે એમ મનાય છે. બીજા ઓછા સ્વીકાર્ય મત પ્રમાણે તેને આનુષંગિક હુમલાખોર જીવાણુ ગણવામાં આવે છે. આ વિકારવાળી વ્યક્તિમાં કાં તો કોઈ લક્ષણ હોતાં નથી અથવા તેમને પેપ્ટિક વ્રણનાં લક્ષણો થઈ આવે છે. બેરિયમ ચિત્રશ્રેણીમાં જો જઠરમાં ગડીઓ ન હોય અથવા જઠરનિરીક્ષામાં સોજો જોવા મળે તો તેના નિદાનની શંકા પડે છે, જે પેશીપરીક્ષણ (biopsy) વડે નિશ્ચિત કરી શકાય છે. બિસ્મથનાં સંયોજનો વડે જઠરગુહાશોથની સારવાર કરાય છે. પ્રતિ-અમ્લ દવાઓ તકલીફમાં રાહત આપે છે. અપક્ષીણ દીવાલનું પુનર્જનન (regeneration) કરવા માટે હાલ કોઈ પદ્ધતિ ઉપલબ્ધ નથી.

શિલીન નં. શુક્લ