જઠરનિરીક્ષા (gastroscopy)

January, 2012

જઠરનિરીક્ષા (gastroscopy) : જઠરમાં પ્રકાશવાહી તંતુઓવાળી નળી વડે નિરીક્ષણ કરીને નિદાન તથા ચિકિત્સા કરવી તે. આ પ્રક્રિયા કરવા માટે વિશેષ તાલીમ લીધેલી જરૂરી ગણાય છે. જઠર-આંતરડાંના માર્ગમાં અંદર નિરીક્ષણ કરવાની ક્રિયા સૌપ્રથમ 1880માં થઈ હતી. તે માટે વપરાતા સાધનને જઠર-અંત:દર્શક અથવા જઠરદર્શક (gastroscope) કહે છે. શરૂઆતમાં આ અંત:દર્શક કડક નળીના બનેલા હતા. પ્રકાશવાહી તંતુઓ(fiber-optics)ના વિકાસ પછી હવે 1960 પછી વાળી શકાય તેવા અંત:દર્શકો ઉપલબ્ધ છે. તેનો ઉપયોગ નિદાન તથા ચિકિત્સા (સારવાર) બંને માટે થાય છે. (સારણી 1).

સારણી 1

જઠરનિરીક્ષા : ઉપયોગો

1. નિદાનલક્ષી
(ક) ખોરાક ગળતાં દુખાવો કે અવરોધ
(ખ) કૉસ્ટિક પદાર્થ કે ઘન પદાર્થ ગળ્યો હોય ત્યારે
(ગ) વારંવાર ઊલટી
(ઘ) લાંબા સમયનો અપચો
(ચ) પેટના ઉપલા ભાગમાં લાંબા સમયનો કે અતિતીવ્ર દુખાવો
(છ) ઊલટીમાં કે મળમાં લોહી,, કાળા રંગનો મળ
(જ) પેટમાં ગાંઠ
(ઝ) કારણ ન જાણી શકાયું હોય તેવી પાંડુતા (anaemia)
(ટ) મોટી બરોળનું કારણ જાણવા માટે
2. ચિકિત્સાલક્ષી
(ક) અન્નનળીનું સંકોચન કે કૅન્સર હોય તો પોલાણને પહોળું કરવું; તેમાંથી નાક-જઠરી નળી નાખવી, લેઝર વડે કૅન્સરને બાળવું, તેમાં આલ્કોહૉલનું ઇન્જેક્શન આપવું વગેરે.
(ખ) જઠરારંભ અશિથિલન(achalasia cardia)માં માર્ગને પહોળો કરવો.
(ગ) વ્રણ(ulcer)માંથી લોહી વહેતું હોય તો તેમાં ઇન્જેક્શન આપવું.
(ઘ) બાહ્ય પદાર્થ ગળી ગયા હોય તો તેને દૂર કરવો
(ચ) જઠરાંત સંકીર્ણન(pyloric stenosis)ને પહોળું કરવું.
(છ) આંતરડાંમાં સીધેસીધો આહાર આપવાની યોજના કે જઠરના મસા કાપવા વગેરે પ્રકીર્ણ ઉપયોગો કરવા.

સામાન્ય રીતે દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોતી નથી. દર્દીએ 4 કલાક સુધી કશું ખાવું નહિ એવી સલાહ અપાય છે. જો જઠરના નીચલા છેડે અવરોધની શક્યતા હોય તો તેને 24 કલાક માટે પ્રવાહી ખોરાક લેવાની સલાહ અપાય છે. ક્યારેક નિરીક્ષણ કરતાં પહેલાં જઠરશોધન (lavage) કરીને જઠર સાફ કરાય છે. દર્દીની ચિંતાનું શમન કરતી દવા તથા એટ્રોપિન આપ્યા પછી તપાસ કરાય છે. જઠરદર્શકમાં બે અથવા ત્રણ નળીઓ દ્વારા અંદર જોવાની તથા જરૂર પડ્યે પેશી-પરીક્ષણ (biopsy) માટે ટુકડો કાપવાની કે કોઈ દવાનું ઇન્જેક્શન આપવાની ક્રિયાઓ થઈ શકે છે. શંકાસ્પદ ભાગની પેશીનો ટુકડો લેવામાં આવે છે. ક્યારેક ત્યાં જમા થયેલું પ્રવાહી લઈને તેની કોષવિદ્યા(cytology)લક્ષી તપાસ પણ કરાવાય છે. આનુષંગિક વિકારો રૂપે ક્યારેક દવાઓને કારણે એલર્જી, ઝામરના વિકારમાં ઊથલો મારવો (એટ્રોપિનને કારણે), નસોમાં લોહી ગંઠાવું, શ્વાસ ચઢવો કે હૃદય કે શ્વસનનું કાર્ય અટકી જવું વગેરે તકલીફો થાય છે. જઠરદર્શકને કારણે છિદ્ર પડવાની શક્યતા ઘણી ઓછી હોવા છતાં તે ખૂબ જોખમી આનુષંગિક તકલીફ ગણાય છે.

ક્યારેક ચાલુ શસ્ત્રક્રિયા વખતે સર્જનને મદદરૂપ થવા જઠરનિરીક્ષા કરાય છે. ખોરાક ગળવાની તકલીફમાં આ નિદાનલક્ષી પ્રક્રિયા ઘણી ઉપયોગી સાબિત થયેલી છે. જઠર અને પક્વાશયમાંના પેપ્ટિક વ્રણ(ulcer)ના નિદાન અને તેમની લોહી વહેવા જેવી આનુષંગિક તકલીફોમાં જઠરનિરીક્ષા ખૂબ ઉપયોગી રહે છે. જઠરના કૅન્સરમાં નિદાન ઉપરાંત તેના તબક્કા વિશે પણ માહિતી મળે છે. જો લોહીની ઊલટી થતી હોય તો તેનું કારણ જાણવા માટે પણ જઠરનિરીક્ષણ ખૂબ ઉપયોગી ગણાય છે. દર્દીનું લોહીનું દબાણ સ્થિર થાય કે તરત આ તપાસ કરાય છે.

જઠરનિરીક્ષાના ચિકિત્સાલક્ષી ઉપયોગોમાં અન્નનળી કે જઠરમાંથી લોહી વહેતું હોય એવી પહોળી થયેલી નસોમાં ઇન્જેક્શન આપવું તથા જઠરમાં કોઈ બાહ્ય પદાર્થ ફસાયો હોય તો તેને દૂર કરવો તે અગત્યનાં છે. ક્યારેક જઠરમાંના મસાને કાપીને દૂર કરાય છે. આંતરડામાં સીધેસીધો ખોરાક આપવાની યોજના કરવી પડે તેમ હોય તો તેમાં જઠરનિરીક્ષા ઉપયોગી ગણાય છે.

શિલીન નં. શુક્લ

સોમાલાલ ત્રિવેદી