જંબુદ્વીપ (જૈન-પરંપરા અનુસાર)

જંબુદ્વીપ (જૈન-પરંપરા અનુસાર) : જૈન, બૌદ્ધ અને હિંદુ-પરંપરા પ્રમાણે જંબુદ્વીપ પૌરાણિક દ્વીપ છે. તે મેરુ પર્વતની દક્ષિણે આવેલો માનવામાં આવે છે. બૌદ્ધ-પરંપરા પ્રમાણે ચાર મહાદ્વીપોમાંનો તે એક છે. ખૂબ જ વિશાળ અને ભવ્ય એવા જંબુ અથવા નાગવૃક્ષ પરથી આવું નામ પડ્યું છે. બૌદ્ધ-પરંપરા તો એમ પણ માને છે કે બુદ્ધ આ જંબુદ્વીપમાં જ જન્મ લે છે. જૈન-પરંપરામાં પણ કંઈક અંશે આવો જ વિચાર અભિપ્રેત છે. જંબુદ્વીપ, ઘાતકી ખંડ અને અર્ધો પુષ્કરદ્વીપ એ અઢી દ્વીપ તથા લવણ અને કાલોદધિ – એ બે સમુદ્ર એટલો જ ભાગ મનુષ્યલોક કહેવાય છે. એની બહાર કોઈ મનુષ્ય જન્મ લેતો નથી અને મરતો નથી.

શ્વેતાંબર પરંપરાના આગમ અંતર્ગત સૂર્ય, ચંદ્ર, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, ઉપરાંત ‘ક્ષેમ સમાસ’, ‘સંગ્રહણી’, ‘દ્વીપસાગર’ પ્રજ્ઞપ્તિ જેવા ગ્રંથો તેમજ દિગંબર પરંપરાના ‘તિલોય પણ્ણત્તિ’ તિલોયસાર’, ‘ધવલા’ ‘જયધવલા’ આદિ ગ્રંથોમાં ઊર્ધ્વ, મધ્ય અને અધોલોકનું તથા દ્વીપસાગરો, ક્ષેત્રો, પર્વતો, નદીઓ આદિનું સ્વરૂપ અને પરિમાણ વિસ્તારથી તેમજ ગણિતની પ્રક્રિયાઓને આધારે વર્ણવાયેલું છે. આ ગ્રંથોમાં વર્ણવ્યા પ્રમાણે સમસ્ત વિશ્વ લોકાકાશ અને અલોકાકાશ  એવા બે વિભાગમાં વિભાજિત છે. અલોકાકાશમાં આકાશ સિવાય કોઈ જડ કે ચેતન દ્રવ્ય નથી. લોકાકાશમાં જ જીવ અને પુદગલ દ્રવ્ય તથા તેમના ગમનાગમન માટે સહાયક ધર્મ અને અધર્મ દ્રવ્ય તથા દ્રવ્યપરિવર્તન માટે નિમિત્તરૂપ કાળ – એ પાંચ દ્રવ્યો મળી આવે છે.

આ દ્રવ્યલોકના ત્રણ ભાગ છે : ઊર્ધ્વ, મધ્ય અને અધોલોક. કુલ અઢારસો યોજનના મધ્યલોકનો આકાર ઝાલર જેવો છે. તેમાં દ્વીપ અને સમુદ્ર અસંખ્ય છે. તે ક્રમથી દ્વીપ, પછી સમુદ્ર અને સમુદ્ર પછી દ્વીપ એ રીતે ગોઠવાયેલ છે. તેની મધ્યમાં એક લાખ યોજન વિસ્તારવાળો જંબુદ્વીપ છે. મધ્યલોકમાં આપણી પૃથ્વી અને મધ્યલોકની ઉપરનો સંપૂર્ણ લોક ઊર્ધ્વલોક છે. નારકોના નિવાસ-સ્થાનની સાત નરકભૂમિઓ અધોલોકમાં છે. પુષ્કર દ્વીપની મધ્યમાં માનુષોત્તર નામે ઓળખાતો એક મહાન દુર્લંઘ્ય પર્વત છે, જેને ઓળંગવાનું સામર્થ્ય મનુષ્યમાં નથી.

જંબુદ્વીપ સૌથી પ્રથમ તથા બધા દ્વીપ-સમુદ્રોની વચમાં છે; અર્થાત્ એનાથી કોઈ દ્વીપ અથવા સમુદ્ર વેષ્ટિત થયેલ નથી. તેની વચમાં મેરુ પર્વત છે. તેની ઊંચાઈ એક લાખ યોજન છે. તેના ત્રણ કાંડ છે. તે ક્રમપૂર્વક ભદ્રશાલ, નંદન, સૌમસ અને પાંડુક – એ ચાર વનોથી ઘેરાયેલો છે. જંબુદ્વીપમાં મુખ્યતયા સાત ક્ષેત્રો છે. તે ‘વંશ’, ‘વર્ષ’ અથવા વાસ્ય કહેવાય છે. તેમાં પહેલું ભરત દક્ષિણ તરફ છે. ભરતક્ષેત્રમાં હિમાલયથી નીકળીને ગંગાનદી પૂર્વ સમુદ્ર તરફ તથા સિંધુ નદી પશ્ચિમ સમુદ્ર તરફ વહે છે. મધ્યમાં વિંધ્ય પર્વત છે. આ નદી-પર્વતો દ્વારા ભરત ક્ષેત્રના છ ખંડ થઈ ગયા છે. તેને જીતનાર સમ્રાટ ષટ્ખંડ ચક્રવર્તી કહેવાય છે. ભરતની ઉત્તરે ક્રમશ: હૈમવત, હરિ, વિદેહ રમ્યક, હૈરણ્યવત અને ઐરાવત ક્ષેત્ર છે. મધ્યવર્તી વિદેહક્ષેત્ર સૌથી વિશાળ છે. આ સાત ક્ષેત્રોને એકબીજાથી જુદા પાડતા છ પર્વતો છે. તે વર્ષધર કહેવાય છે. ભરત અને હૈમવત ક્ષેત્રની વચ્ચે હિમવાન પર્વત છે. ત્યારપછી ક્રમશ: મહાહિમવાન, નિષદ, નીલ, રુકમી અને શિખરી પર્વત છે.

નદી, ક્ષેત્ર, પર્વત આદિ જે કાંઈ જંબુદ્વીપમાં છે તે ઘાતકી ખંડમાં બમણાં છે અને એટલાં જ પુષ્કરાર્દ્ધ દ્વીપમાં છે. આ રીતે સરવાળો કરતાં અઢી દ્વીપમાં કુલ પાંચ મેરુ, 30 વર્ષઘર, 35 ક્ષેત્રો, 5 દેવકુરુ, 5 મહાવિદેહ, 160 વિજય, 5 ભરત તેમજ 5 ઐરાવતના 255 આર્યદેશ છે; પરંતુ પૌરાણિક ભૂગોળ અને જંબુદ્વીપનું જે વર્ણન જેન સાહિત્યમાં મળે છે તેની ઐતિહાસિકતા અનિશ્ચિત છે.

કાનજીભાઈ પટેલ