જંબુદ્દીવપણ્ણત્તિસંગહો (જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસંગ્રહ)

January, 2012

જંબુદ્દીવપણ્ણત્તિસંગહો (જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસંગ્રહ) : શૌરસેની પ્રાકૃત ભાષાબદ્ધ પદ્યગ્રંથ. આ 2889 ગાથાના રચયિતા દિગમ્બર મુનિ પદ્મનંદિ છે. તે બલનંદિ પંચાચાર પરિપાલક આચાર્ય વીરનંદિના શિષ્ય તરીકે પોતાને ઓળખાવે છે. પારિયત્ત (પારિયાત્ર) દેશ અંતર્ગત આવેલ વારા નામે નગરમાં તેમણે આ ગ્રંથની રચના કરી હતી તેવો ઉલ્લેખ ગ્રંથની પ્રશસ્તિમાં છે. જૈન વિદ્વાન સ્વ. પં. નાથુરામ પ્રેમીએ આ વારા નગરને કોટા પાસે આવેલ બારા કસબા તરીકે ઓળખાવ્યું છે. સિંહસૂરિના ‘લોકવિભાગ’માં આ ‘જંબુદ્દીવપણ્ણત્તિ’નો ઉલ્લેખ મળે છે. તેથી આ ગ્રંથનો રચનાકાળ વિક્રમની અગિયારમી શતાબ્દી આસપાસ હોવાનું માનવામાં આવે છે.

તેનો વિષય શ્વે. આગમ ગ્રંથ ‘જંબુદ્દીવપણ્ણત્તિ’ તથા દિગમ્બરાચાર્ય યતિવૃષભના ‘તિલોયપણ્ણત્તિ’(ત્રિલોકપ્રજ્ઞપ્તિ)ના વિષયને મળતો છે. આ ઉપરાંત વટ્ટકેરના ‘મૂલાચાર’ અને નેમિચન્દ્રના ‘ત્રિલોકસાર’ની ગાથાઓ પણ ‘જંબુદ્દીવપણ્ણત્તિસંગહો’માં મળે છે.

ગ્રંથનું નામ દર્શાવે છે તે મુજબ તેમાં જંબુદ્વીપવિષયક સૈદ્ધાન્તિક વિગતોનું નિરૂપણ છે. ઉપોદઘાત પછી ભરત અને ઐરાવત ક્ષેત્ર, શૈલનદી, ભોગભૂમિ, સુદર્શન (મેરુ), મન્દરજિનભવન, દેવોત્તરકુરુ, કક્ષાવિજય, પૂર્વવિદેહ, અપરવિદેહ, લવણસમુદ્ર, દ્વીપસાગર, અધોલોક-ઊર્ધ્વલોક- સિદ્ધલોક, જ્યોતિર્લોક અને પ્રમાણપરિચ્છેદ નામના 13 ઉદ્દેશોમાં ગ્રંથ વિભક્ત છે.

અહીં ભગવાન મહાવીર પછીના આચાર્યોની પરંપરા અને દિગમ્બર પરંપરા અનુસારની અનેક આનુષંગિક માહિતી પણ મળે છે.

રમણિકભાઈ મ. શાહ