જંગલ જીવી ગયું રે લોલ : ગુજરાતી બાળનાટક. ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રથમ વાર આ બાળનાટક પ્રસિદ્ધ કર્યું અને પછી 1993માં અસાઇત સાહિત્ય સભાએ ‘ઇન્દુ પુવારનાં બાળનાટકો’ પુસ્તક પ્રસિદ્ધ કર્યું એમાં આ નાટકનો પણ સમાવેશ કરવામાં આવ્યો.

કોઈ પણ પ્રકારનો સીધો બોધ આપવાની રીત અમલમાં મૂક્યા વિના પર્યાવરણની વાત બળકટ રીતે આ બાળનાટકમાં હસતાં-રમતાં રજૂઆત પામી છે. આઠ ર્દશ્યોમાં વહેંચાયેલા આ નાટકમાં સસલું અને રીંછ જેવાં પ્રાણીઓની સાથે નગરજનો, વનદેવી અને હાજી-નાજી જેવાં પાત્રો પણ છે. આખું નાટક ક્રમશ: ઊઘડે છે. બધાં પાત્રો ‘માનવ આક્રમણ’થી જંગલને બચાવવા માટે ઉદ્યુક્ત બને અને હાજી-નાજીના વિલક્ષણ વ્યક્તિત્વથી હાસ્યનું નિર્માણ થયા કરે એવું આયોજન આ બાળનાટકને સફળતા અપાવવાનું કામ કરે છે. બાળકોને મજા પડે એ પ્રકારનાં જોડકણાં અને રોમાંચક કલ્પનાઓથી આ નાટક જેટલું વાચનક્ષમ છે એટલું જ તખ્તાલાયક પણ છે. નાટકનું સમાપન ‘જંગલ જીવી ગયું રે લોલ’નો ઉદઘોષ કરતા રમતા-કૂદતા બાળકલાકારોથી થાય છે.

વિનાયક રાવલ