છાયાનાટ્ય

January, 2012

છાયાનાટ્ય : સંસ્કૃત નાટ્યશાસ્ત્ર અનુસાર રૂપકનો એક પ્રકાર. સંસ્કૃત નાટ્યશાસ્ત્રમાં રૂપકોના 10 પ્રકારો પૈકી ‘નાટક’ ગણાવ્યું છે, તેમાં ‘છાયાનાટ્ય’ કે ‘છાયાનાટક’ની ચર્ચાનો સમાવેશ થયેલો છે. તેરમી સદીના ગુજરાતના કવિ સોમેશ્વરે ‘છાયાનાટ્ય’ અને ‘છાયાનાટક’ના પ્રયોગો પોતાના ‘ઉલ્લાઘરાઘવ’માં કરી બતાવ્યા છે. આ બંને પ્રયોગો નાટ્યકલાનાં વિભિન્ન સ્વરૂપો છે. તે વિશે છાયાનાટ્યકલા અંગે ભરત મુનિના ‘નાટ્યશાસ્ત્ર’ (અ. 8, શ્લોક 268) પરની અભિનવગુપ્તાચાર્યની ટીકા પરથી કંઈક જાણવા મળે છે. તેનો ભાવાર્થ : જ્યારે અર્થ(કાવ્યાર્થ)ની પ્રાપ્તિ માટે પ્રયોક્તાઓ(નટો)એ અભિનય કર્યો ત્યારે નૃત્ત (તાલ-લયાશ્રિત) થયું. એમાં કયાં લક્ષણો હોવાં જોઈએ એ પ્રશ્નની સમીક્ષા કરતી વખતે અભિનવગુપ્તાચાર્યે સ્પષ્ટતા કરી કે નૃત્તમાં લૌકિકત્વ કે લોકોત્તરત્વનો અભિનય પાત્ર દ્વારા થતો હોય છે. લૌકિકત્વમાં ઘટપટ વગેરે જેવું કે તેમના અનુકરણ જેવું અથવા તેમના પ્રતિબિંબનો સમાવેશ થાય છે. એમાં છાયાત્મક રૂપમાં જ નાટ્ય હોય છે. એ ભાગ નાટ્યમાંથી જ નિષ્પન્ન થતો હોય છે.

‘શૅડો પ્લે’ શબ્દમાં ‘છાયાનાટ્ય’ કે ‘છાયાનાટક’નો ભેદ સ્પષ્ટ થતો નથી. હાલમાં ઇન્ડોનેશિયામાં ‘વયંગ’ નાટ્યપદ્ધતિ પ્રચલિત છે તે નવમી સદીમાં ભારતમાં પ્રચલિત નાટ્યપ્રકાર છે. તેમાં રંગબેરંગી વસ્ત્રાલંકારોથી વિભૂષિત લાકડાની કે ચામડાની પૂતળીઓ દ્વારા અથવા તેમની મોટી છાયા અને હાવભાવ દ્વારા પડદા પાછળ અને પ્રકાશિત દીવા આગળ રહેલો સૂત્રધાર જે તે પૂતળીના સંવાદ ભાવપૂર્વક બોલીને રજૂ કરે છે. તેમાં બની ગયેલી ઘટના બે ત્રણ અપ્રત્યક્ષ પાત્રોના સંવાદ દ્વારા છાયા રૂપે રજૂ થાય છે.

મહાભારતની ટીકામાં ‘રૂપોપજીવિન્’ એ શબ્દ દ્વારા સૂક્ષ્મ વસ્ત્ર વચ્ચે રાખીને ચર્મમય આકારો વડે રાજા, અમાત્ય વગેરેનો સંવાદ દર્શાવાય છે એવો અર્થ નીલકંઠે કર્યો છે. આ જોતાં ઉપર્યુક્ત ‘વયંગ’ અર્થાત્ ‘છાયાનાટ્ય’ને આ વાત લાગુ પડે એમ છે. ‘ઉલ્લાઘરાઘવ’ના સપ્તમ અંકમાં બની ગયેલી કરુણ ઘટનાઓનું નિરૂપણ લવણાસુરના અનુચર વૃકમુખે, સ્વમુખે કહેવું કઠિન હોવાથી, પત્રપટ્ટ આલેખન દ્વારા કર્યું છે. તેમાં લક્ષ્મણની મૂર્છાને લીધે શોકગ્રસ્ત રામચંદ્રજીને વિભીષણ-સુગ્રીવ સાંત્વન આપે છે તે સંવાદ તથા વિશલ્યૌષધિ લેવા ગયેલા હનુમાનના સમાચાર ઇત્યાદિ નિરૂપાયેલ છે. તે પત્રપટ્ટ વિભીષણ રાવણનો અનુચર કાર્પટિક પ્રેક્ષકો સમક્ષ આબેહૂબ હાવભાવપૂર્વક અને તેમાંની નાટ્યોક્તિ, નાટ્યસૂચનાઓ વગેરે સહિત એવી ખૂબીથી વાંચી સંભળાવે છે કે પ્રેક્ષકો જે તે પાત્રની ભાવાનુભૂતિમાં તલ્લીન થઈ જાય ! અહીં પ્રેક્ષકો પ્રત્યક્ષ નાટક જેટલો આનંદ નાટકની છાયામાંથી અનુભવી શકે છે.

સંસ્કૃત સાહિત્યમાં ‘દૂતાંગદ’, ‘ધર્માભ્યુદય’, ‘હરિદૂત’, ‘રામામૃતમ્’ ઇત્યાદિ છાયાનાટકો રચાયેલાં છે. સોમેશ્વરના નજીકના સમયમાં રચાયેલાં ‘છાયાનાટક’ અને ‘છાયાનાટ્યપ્રબંધ’ ઉપલબ્ધ છે; પરંતુ આંતરિક ર્દષ્ટિએ તપાસતાં તેમને છાયાનાટક કે છાયાનાટ્ય કહી શકાય નહિ. તે ‘દૂતાંગદ’ અને ‘ધર્માભ્યુદય’ જેવું નથી.

પ્રો. લ્યૂડર્સે ‘મહાનાટક’ને છાયાનાટક ગણાવીને તેનાં લક્ષણો દર્શાવ્યાં છે : (1) ગદ્ય કરતાં પદ્યની અધિકતા, (2) વીરકાવ્યની પદ્ધતિના પદ્યનું આયોજન, (3) પાત્રોની વિપુલતા, (4) પ્રાકૃતનો અભાવ, (5) વિદૂષકની ગેરહાજરી; પરંતુ એના આંતરિક અભ્યાસથી એ ‘છાયાનાટક’ હોવાનું પ્રતીત થતું નથી અને ‘ધર્માભ્યુદય’માં રાજાના પૂતળા(પુત્રક)નો નિર્દેશ વારંવાર થયેલો છે અને પુષ્પિકામાં તેને છાયાનાટ્યપ્રબંધ જણાવ્યો છે; પરંતુ ‘વયંગ’ની જેમ પડદો, પૂતળીઓનો સંવાદ ઇત્યાદિ નથી આવતું. તેથી તેને છાયાનાટ્યપ્રબંધ સંપૂર્ણ માનવો કે કેમ એ પ્રશ્ન છે.

સોમેશ્વરના ‘ઉલ્લાઘરાઘવ’ના ચતુર્થ અંકમાં વિમાનારૂઢ કનકચૂડ અને કુમુદાંગદ નામના ગંધર્વોનો સંવાદ યોજીને સોમેશ્વર કવિએ રામકથાના પ્રસંગો જે સમય, રંગમંચની મર્યાદાઓ, સ્થાન, પાત્રો ઇત્યાદિને અનુલક્ષીને પ્રત્યક્ષ રંગભૂમિ પર દર્શાવવા મુશ્કેલ પડે તેમને સંક્ષેપમાં, આબેહૂબ બનતા હોય તે રીતે, જે તે પાત્રોની ઉક્તિઓ મૂળ ભાવ અને શબ્દો સાથે એ બે ગંધર્વો રજૂ કરે છે. વચ્ચે વચ્ચે એ ગંધર્વો પૃથ્વી પર ઊતરીને પુરુષ, મુનિકુમાર અને સુયજ્ઞ પાસેથી બની ગયેલી રામકથાના પ્રસંગો જાણી લે છે. તેમના તે સંવાદો દ્વારા રામ, ભરદ્વાજ, ભરત મુનિ ઇત્યાદિની ઉક્તિઓ રૂપે ભાવાભિવ્યક્તિ નાટ્યસૂચના અનુસાર એવી રીતે રજૂ કરે છે કે પ્રેક્ષકોને જે તે પ્રત્યક્ષ પાત્રોની અનુભૂતિ થતી હોય એવું લાગે. તે રીતે પ્રત્યક્ષ નાટક જેટલો આહલાદ પ્રેક્ષકો માણે તેવા હેતુથી સોમેશ્વરે ‘છાયાનાટક’ની યુક્તિ પ્રયોજી છે. એ સંવાદો પૂરા થયા પછી એ અંકના છેલ્લા ભાગમાં ખરેખર રામ-સીતા વગેરે પાત્રોનો પ્રવેશ અને સંવાદ દર્શાવ્યો છે. તેમાં વનમાં ભયભીત સીતાજી અને રામનો સંવાદ મુખ્ય છે. આમ પૃથ્વી પર અને આકાશમાં બંને રીતે સંવાદો, ગંધર્વ, યક્ષ, રાક્ષસોના સંવાદો યોજીને અલૌકિક વાતાવરણ વાસ્તવિક ભૂમિકા પર રજૂ કર્યું છે. એકંદરે ‘અર્થોપક્ષેપક’ની ગરજ સારતા સુદીર્ઘ અંકમાં પરોક્ષ પાત્રોના સંવાદ દ્વારા જે ઘટનાઓ નિરૂપાઈ છે તે વાસ્તવિક નાટક રૂપે હોય તેમ લાગે છે. તેમના સંવાદ દ્વારા પ્રેક્ષકો મૂળ પાત્રોના ભાવપૂર્ણ સંવાદ અને રસ માણતા હોય એમ લાગે. તેમાં જાણે કે પ્રત્યક્ષ નાટક હોય એમ લાગે.

પ્રતીકાત્મક પાત્રો દ્વારા બોધપ્રદ સંવાદો જૈન-બૌદ્ધ નાટકોમાં રજૂ થયેલા છે, જેમને ‘છાયાનાટક’ પ્રકારના ગણી શકાય. જેમકે ‘પ્રબોધચંદ્રોદય’. સોમેશ્વરના સમય સુધીમાં છાયાનાટ્ય અને ‘છાયાનાટક’નો પ્રકાર ઠીક વિકસ્યો હશે. રંગભૂમિ પરની નિષિદ્ધ બાબતોને અને સુદીર્ઘ કથાનકના પ્રસંગોને સંક્ષિપ્ત અને રસપ્રદ બનાવી રજૂ કરવાની યુક્તિ સોમેશ્વરે પોતાના આ નાટકમાં બંનેના પ્રયોગો દ્વારા કરી બતાવી છે. તે તત્કાલીન વિકસિત નાટ્યસ્વરૂપનો ખ્યાલ આપે છે.

વિભૂતિ વિ. ભટ્ટ