છાયાજ્યોતિષ : સૂર્યપ્રકાશમાં લીધેલી માણસની છાયા ઉપરથી કુંડળી કાઢી તે દ્વારા ફલકથન કરી આપતું ફલજ્યોતિષનું એક અંગ. સૂર્યસિદ્ધાંતના ત્રિપ્રશ્નાધિકારમાં સમય નક્કી કરવા સારુ છાયા લેવાની વાત ઉલ્લેખાયેલી છે અને તેના ભૂગોલાધ્યાયમાં છાયા લેવા સારુ ઉપયોગમાં લેવાતાં જલયંત્ર, નરયંત્ર અને શંકુયંત્રનું વર્ણન છે. નરયંત્ર એટલે કે પ્રશ્નકર્તાની પોતાની જ છાયા અને શંકુચ્છાયા એટલે બાર આંગળ પ્રમાણના શંકુની છાયા. આ છાયા ઉપરથી જન્મકુંડળી કે પ્રશ્નકુંડળી ઉપરથી ફલકથન કરવામાં આવે છે.

પુરાણકથા અનુસાર સૂર્યની પત્ની સંજ્ઞા (કે સરણ્યુ) સૂર્યના અસહ્ય તેજથી આક્રાંત થવાથી પોતાના સ્થાને પોતાની છાયાને મૂકી નીકળી ગઈ. આ છાયા અને સૂર્યનું દ્વય છાયા જ્યોતિષ સ્વરૂપે પ્રખ્યાત થયું.

આ છાયા જ્યોતિષની રચના મહર્ષિ ભૃગુએ કરી જે ભૃગુસંહિતા કહેવાય છે. ભૃગુ જ્યોતિષશાસ્ત્રના 18 પ્રણેતાઓમાંના એક છે. ભૃગુએ તેમના પુત્ર શુક્ર સાથેના સંવાદની શૈલીમાં આ ગ્રંથ રચ્યો છે. ઉત્તર ભારતમાં વિધર્મીઓનાં આક્રમણોમાં જે પ્રાચીન સાહિત્યનો વિનાશ થયો તેમાં ભૃગુસંહિતા પણ નષ્ટ થયેલી. અનેક વર્ષો પછી ભૃગુસંહિતાના વેરવિખેર અંશોનું સંકલન થયું તે સાંપ્રત ભૃગુસંહિતા છે જેને આધારે વિદ્વાનો ફલકથન કરે છે. આ સંહિતામાં ઉપાસના, મંત્ર, તંત્ર, સ્તોત્રાનુષ્ઠાન આદિનું નિરૂપણ છે. તેમાં ભાવિફલકથનમાં આવતાં અનિષ્ટોના નિવારણ અર્થે ભૃગુએ અનુષ્ઠાન, મંત્ર વગેરેનો નિર્દેશ કર્યો છે. આ ગ્રંથમાં કુંડલી ખંડ, ફલિત (સ્ત્રી/પુરુષ), સર્વારિષ્ટ-નિવારણ, સંતાન, જાતક, રાજખંડ, નરપતિજયચર્યા, જન્માંગદીપિકા, પ્રત્યક્ષમૂલપ્રશ્ન વગેરે ખંડો છે. કુંડલી ખંડ, ફલિત ખંડ વગેરેમાં હજારો જન્મકુંડળીઓ આપેલી છે. તેમાંથી જાતકની કુંડળી શોધી તેનું ફલકથન થાય છે અને ત્રિકાલમાં થયેલી ઘટનાઓના આધારે સંકટનિવારણ, મંત્રસાધન વગેરે દ્વારા જાતકના અભ્યુદયનું માર્ગદર્શન મળે છે. સંતાન ખંડમાં સંતતિયોગની ચર્ચા છે. મનુષ્યોએ પોતાનાં ગત જન્મોનાં સુકૃત્ય-અપકૃત્યનાં પરિણામ ભોગવવાં પડે છે. એ અનિષ્ટોનો ભંગ થાય અને સંતાનપ્રાપ્તિ થાય તેવા યોગો બતાવ્યા છે. જાતક ખંડમાં જન્મપત્રિકા અનુસાર બારેય ભાવોનું ફળ બતાવ્યું છે. રાજખંડમાં જાતકના જન્મના સમય અને તિથિને આધારે ફલકથન છે. નરપતિજયચર્યા ખંડમાં મહત્વનાં યંત્રો, તેમની રચનાવિધિ અને સિદ્ધિનું આલેખન છે. જન્માંગદીપિકા ખંડમાં જાતકની જન્મપત્રિકાના પરીક્ષણનો વિધિ બતાવ્યો છે. પ્રત્યક્ષમૂલપ્રશ્ન ખંડમાં આકસ્મિક સ્ફુરેલા પ્રશ્નોનું ફળકથન છે. આ ફળકથન પ્રશ્નકર્તાના વર્ણન ઉપરથી કરાય છે.

પ્રાચીનકાળમાં જ્યારે કાળગણનાનાં યંત્રો ન હતાં ત્યારે સૂર્યોદય પરથી સંક્રાન્તિ જાણી, જાતકની છાયાના ચોક્કસ માપ ઉપરથી લગ્ન કાઢી કુંડળી બનાવાતી અને તે ઉપરથી ફળ કહેવાતું. ભૃગુસંહિતામાં આ વિધિ છે તેથી ભૃગુશાસ્ત્ર છાયાશાસ્ત્ર તરીકે પણ પ્રસિદ્ધ છે. આ ગ્રંથમાં મેષ આદિ બાર રાશિઓનાં જન્મલગ્નોમાં ભિન્ન ભિન્ન ભાવોમાં રહેલા નવ ગ્રહોનાં ફળકથન છે.

છાયા ઉપરથી કુંડળી તૈયાર કરવા માટે ભૃગુએ સૂત્ર આપ્યું છે –

रामांगुलिकृतच्छाया छाया रामेण संयुता ।

छाया पादरसोपेता एकविंशति भाजयेत् ।।

[અહીં રામ = 3, અંગુલિ = 5, પાદ = 1/4 અને રસ = 6 એમ આંકડાઓનો નિર્દેશ છે.]

સૂર્ય સંક્રાન્તિ અનુસાર છાયા લેવી. દરરોજની છાયા સૂર્યની રાશિ અંશ કલા અનુસાર જુદી જુદી આવે. કંઈક અંશે સ્થૂલ કુંડળી આવે. આમ છતાં જાતકને માર્ગદર્શન મળી રહે. આમ નિરૂપણ ભૃગુસંહિતાના સર્વારિષ્ટનિવારણખંડમાં છે.

શ્રી ભાસ્કરાચાર્યે પણ તેમના સિદ્ધાન્તશિરોમણિના પ્રથમ ખંડ ‘લીલાવતી’ ગ્રંથમાં જન્મલગ્ન જાણવા માટે છાયાજ્ઞાનની વાત કહી છે. શ્રી વરાહમિહિરાચાર્યે પણ તેમની બૃહત્ સંહિતાના સાંવત્સસૂત્રાધ્યાયમાં છાયાજ્ઞાનને આવશ્યક કહ્યું છે.

શિલ્પશાસ્ત્રમાં પણ છાયાનું વિશેષ મહત્વ છે. તેનું ઉત્તમ ઉદાહરણ મોઢેરાનું સૂર્યમંદિર છે. તેમાં મુખ્ય મૂર્તિના સ્થાને સૂર્યોદય સમયે સૂર્યકિરણ પ્રકાશે છે.

નિરંજન સી. શુક્લ

ભારતીય જ્યોતિષશાસ્ત્રના સાંપ્રત વિદ્વાનોમાં કેટલાકને મતે પ્રાચીન શાસ્ત્રીય ગ્રંથોમાં છાયાજ્યોતિષ–છાયા ઉપરથી ફળ કહેવાની પદ્ધતિનો ઉલ્લેખ નથી. છાયાજ્યોતિષની ઘણી બાબતો ઇતિહાસની ર્દષ્ટિએ કે જાતકશાસ્ત્રના નિયમોની ર્દષ્ટિએ વિવાદાસ્પદ છે. આ વિદ્વાનોના મંતવ્ય અનુસાર આ છાયાસંહિતાઓ ભૃગુસંહિતાની જેમ વરાહમિહિરના પછીના કાળમાં ખેડાયેલા ફલિતશાસ્ત્રના સિદ્ધાન્તોને લઈ કેટલાક અનામી વિદ્વાનોએ રચેલા ફલિતગ્રંથો છે, જેમાં ભૃગુસંહિતાથી લઈ સૂર્યસંહિતા તથા નાડીગ્રંથો તરીકે ઓળખાતા ગ્રંથો આવે છે. ફલિતશાસ્ત્રની ર્દષ્ટિએ આ ગ્રંથોનું ચિકિત્સિત અધ્યયન કરવું આવશ્યક છે તથા વિવિધ જાતકગ્રંથોમાં નિરૂપાયેલા ફલિતના સિદ્ધાન્તો અને તેમની એકવાક્યતાનું પરીક્ષણ કરવું આવશ્યક છે. તે જ રીતે છાયા જ્યોતિષશાસ્ત્રનું પણ પરીક્ષણ થવું આવશ્યક છે.

શ્રી શં. બા. દીક્ષિતના ‘ભારતીય જ્યોતિષશાસ્ત્રનો ઇતિહાસ’ નામના ગ્રંથમાં છાયાજ્યોતિષ અને છાયાસંહિતાઓનાં નામ જોવા મળતાં નથી. તાત્કાલિક શંકુચ્છાયા કે શરીરચ્છાયા કે એવા બીજા પ્રકારે છાયાસાધન કરી તેના આધારે જાતકની જન્મકુંડળી શોધી તે આધારે ફલ કહેવાની પદ્ધતિઓ કંઈક અંશે શંકાસ્પદ વિષય છે. અથર્વવેદાંગમાં શંકુચ્છાયા ઉપરથી દિનમાન કાઢવાની રીત કહેલી છે પણ ત્યાં ફલકથનનો કોઈ નિર્દેશ નથી. છાયા દ્વારા સૂર્યનો રાશિભોગ જાણવાની પદ્ધતિ ખગોળશાસ્ત્રના ગણિતસ્કંધની જાણીતી પદ્ધતિ છે. પણ જે શીઘ્રતાથી જાતકનું જન્મલગ્ન અને ગ્રહસ્થિતિની કુંડળી સંહિતાઓમાંથી શોધી કઢાય છે તે વિચાર કરતાં, ન સમજાય તેવી વાત છે. શ્રી દીક્ષિતના કથનાનુસાર દક્ષિણના નાડીગ્રંથો અંગે પણ ઘણી શંકાઓ રહે છે. ભૃગુસંહિતામાં જેમ સાંકેતિક પદ્ધતિથી વિક્રમ કે શક વર્ષને આધારે તે ગ્રંથના અમુક પૃષ્ઠ પર જાતકની કુંડળી શોધાય છે તે ચંદ્રલગ્નના આધારે કુંડળીનું સ્થાન શોધવાની પદ્ધતિ છે. આમ ફલિતશાસ્ત્રમાં ‘છાયા’ શબ્દનું મહત્વ રહેતું નથી. અને આવી સંહિતાઓના આધારે જાતકની જન્મકુંડળી શોધવાની વાત પણ પ્રમાણભૂત લાગતી નથી.

હિંમતરામ મ. જાની