છાત્રપીડન (Ragging) : ઉચ્ચશિક્ષણની સંસ્થાઓમાં પ્રથમ વાર પ્રવેશ મેળવનારા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ‘આવકારવાના ઉદ્દેશ’થી તેમની સાથે જૂના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતા અશોભનીય વ્યવહારનું કૃત્ય. ભારતની સર્વોચ્ચ અદાલતે આવાં કૃત્યોને માનવઅધિકારોનું હનન કહીને વખોડી કાઢ્યાં છે અને તેની નાબૂદી માટે કડક આદેશ આપ્યા છે. ઉપરાંત, વર્ષ 2005માં રાજ્યસભામાં આ બદી પર પ્રતિબંધ મૂકવા માટે એક ખરડો ‘ધ પ્રિવેન્શન ઑવ્ રેગિંગ ઇન કૉલેજીસ ઍન્ડ ઇન્સ્ટિટ્યૂટશન’ નામથી દાખલ કરવામાં આવ્યો છે જે માર્ચ 2009 સુધી અનિર્ણીત રહ્યો છે. ખરડામાં છાત્રપીડનના કૃત્યમાં સંડોવાયેલાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ત્રણ વર્ષનો કઠોર કારાવાસ તથા રૂપિયા 25,000 સુધીના દંડની જોગવાઈ કરવામાં આવેલ છે. આ ખરડો અનિર્ણીત રહેલો હોવાથી ઉચ્ચ શિક્ષણસંસ્થાઓમાં છાત્રપીડનનાં કૃત્યો ચાલુ જ રહ્યાં છે અને તેનો ભોગ બનેલા કેટલાક વિદ્યાર્થીઓને પોતાનો જાન પણ ગુમાવવો પડ્યો છે, અથવા આપઘાત કરવા સુધીનાં પગલાં પણ લેવા પડ્યાં છે, દા. ત., માર્ચ 2009ના મધ્યમાં હિમાચલ પ્રદેશની એક મેડિકલ કૉલેજમાં પ્રથમ વાર દાખલ થયેલા એક વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી તથા આંધ્રપ્રદેશના ગુંતુર ખાતેની એક ઉચ્ચ શિક્ષણ-સંસ્થામાં દાખલ થયેલ વીસ વર્ષની એક વિદ્યાર્થિનીને નિર્વસ્ત્ર થઈને નૃત્ય કરવાની ફરજ પાડવામાં આવતાં હતોત્સાહી બનેલી આ વિદ્યાર્થિનીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. (કમનસીબે આ કિસ્સામાં ઉપર્યુક્ત સંસ્થામાં ભણતી વિદ્યાર્થિનીઓ પણ સંડોવાયેલી હતી !)
છેલ્લા બે-ત્રણ દાયકાઓમાં ભારતનાં વિવિધ રાજ્યોમાં છાત્રપીડનનાં આવાં કૃત્યો વધતાં રહ્યાં છે; એટલું જ નહિ, પરંતુ તે વધુ ને વધુ વિકૃત બનતાં ગયાં છે; દા. ત., મહારાષ્ટ્રમાં બનેલી છાત્રપીડનની એક બીભત્સ ઘટનામાં એક વિદ્યાર્થિનીને નિર્વસ્ત્ર થઈને દોઢ કિલોમીટરના અંતર પરના એક જળાશયે ચાલતા જઈને તેમાં ડૂબકી મારીને ફરી ચાલતા પાછા આવવાનું ફરમાન કરવામાં આવેલું; એટલું જ નહિ પણ તેને, તેનાથી વરિષ્ઠ વિદ્યાર્થિનીઓનાં કપડાં ધોવાની સજા પણ કરવામાં આવેલી. ત્યારથી આ વિદ્યાર્થિની ઉદાસી(depression)માં જ જીવન જીવી રહી છે.
ભારતની સર્વોચ્ચ અદાલત સમક્ષ ચલાવવામાં આવેલા એક કિસ્સામાં સર્વોચ્ચ અદાલતે શિક્ષણસંસ્થાઓમાં બની રહેલી છાત્રપીડનની ઘટનાઓ રોકવાની જવાબદારી યુનિવર્સિટીઓ, રાજ્ય સરકારો અને શિક્ષણસંસ્થાઓ પર લાદી છે. ઉપરાંત, સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબ આ સમગ્ર બાબત તપાસવા માટે અને તે રોકવાના ઉપાયો સૂચવવા માટે સી.બી.આઈ.ના પૂર્વ નિયામક આર. કે. રાઘવન્ના અધ્યક્ષપણા હેઠળ એક ખાસ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. તે સમિતિએ તેના અહેવાલમાં પાંચ મુખ્ય ભલામણો કરી છે : (1) આ પ્રકારનાં હીન અને ગુનાહિત કૃત્ય માટે કરવામાં આવતી સજા કડકમાં કડક હોવી જોઈએ, જેથી બીજા છાત્રો તેનાથી બોધપાઠ લઈ શકે. (2) આવા કૃત્યમાં સંડોવાયેલાઓને સંસ્થાની રાહે જે શિક્ષા ફરમાવવામાં આવી હોય તે શિક્ષા, કૃત્યનો ભોગ બનેલા વિદ્યાર્થી કે તેના વાલીઓને સંતોષકારક ન જણાય તો સંડોવાયેલા વિદ્યાર્થી સામે પોલીસ ખાતામાં એફ. આઇ. આર. (FIR) દ્વારા ફરિયાદ દાખલ કરવી. આવી ફરિયાદ દાખલ કરવી એ જે તે શિક્ષણસંસ્થા માટે ફરજિયાત રહેશે. (3) શિક્ષણસંસ્થામાં પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થી તે પૂર્વે છાત્રપીડનની કોઈ ઘટના કે કૃત્યમાં સંડોવાયેલો હોય તો તેને જે તે શિક્ષણસંસ્થાએ પ્રવેશ આપવો નહિ અને આ બાબતની સ્પષ્ટ સૂચના પ્રવેશ માટેની અરજીમાં છાપવામાં આવે. ઉપરાંત પ્રવેશ પછી જે છાત્ર આવા કૃત્યમાં ભાગ લેશે તેને સંસ્થામાંથી તત્કાલ બરખાસ્ત કરવો. (4) શિક્ષણસંસ્થાઓમાં છાત્રપીડનની ઘટના ન બને તેની તકેદારી રાખવાની જવાબદારી સંસ્થાના સંચાલકો કે અધિકારીવર્ગની રહેશે. સાથોસાથ આવી ઘટનાઓ અને કૃત્યો ન બને તે માટે શિક્ષણસંસ્થાના સ્તર પર પૂરતી તકેદારી રાખવામાં આવી છે કે નહિ તે જોવાની જવાબદારી રાજ્ય-સરકારની રહેશે. જે સંસ્થા આ બાબતમાં બિનજવાબદાર સાબિત થશે તેના અનુદાનની રકમ પર કાપ મૂકવાની કાર્યવહી કરવી. (5) દરેક ઉચ્ચ શિક્ષણસંસ્થામાં છાત્રપીડન પ્રતિબંધક ઉપાયો યોજવા અને અમલમાં મૂકવા માટે તટસ્થ સમિતિઓની રચના કરવી.
યુનિવર્સિટી અનુદાન આયોગ (UGC) દ્વારા આ પૂર્વે (માર્ચ 2009) આ બદી રોકવા માટે જે માર્ગદર્શક સૂચનાઓ (guide-lines) દરેક યુનિવર્સિટીને મોકલી હતી તેની અવેજીમાં હવે પછી કાયદા દ્વારા અમલમાં મૂકી શકાય તેવાં કડક પગલાં લેવાનો માર્ચ 2009માં નિર્ણય કર્યો છે. તેમાં એક તરફ પોતાની જવાબદારીમાં કસૂર કરનાર યુનિવર્સિટીઓને અનુદાન-કપાત દ્વારા શિક્ષા કરવાની જોગવાઈ છે તો બીજી બાજુ આ બાબતમાં આદર્શ આચારસંહિતાનો કડક અમલ કરનાર યુનિવર્સિટીઓ અને શિક્ષણસંસ્થાઓને પ્રોત્સાહક લાભ (incentives) આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
છાત્રપીડનનાં કૃત્યો અને ઘટનાઓને કેન્દ્રમાં રાખીને મહેશ એલ.- કુંચવારે એક વાર્તા લખી છે; જેને આધારે કેતન મહેતાએ ‘હોલી’ શીર્ષક હેઠળ એક હિંદી ચલચિત્રનું નિર્માણ કર્યું છે જે અત્યંત પ્રભાવક અને હૃદયદ્રાવક સાબિત થયું છે. આ જ વાર્તાનું ચલચિત્રને આધારે હિંદી રંગમંચની વિખ્યાત નિર્દેશિકા ઉષા ગાંગુલીએ નાટ્યરૂપાંતર કર્યું છે અને તે પણ અત્યંત બોધપ્રદ અને હૃદયસ્પર્શી સાબિત થયું છે. વૈશ્વિક સ્તર પર છાત્રપીડનનો નોંધાયેલો જૂનામાં જૂનો કિસ્સો અમેરિકાના ન્યૂયૉર્ક રાજ્યમાં આવેલ કોર્નેલ યુનિવર્સિટીનો છે, જેમાં 1873માં દાખલ થયેલ એક વિદ્યાર્થીને બળજબરીપૂર્વક ટેકરીઓની શૃંખલા પાર કરવાનું કહેવામાં આવેલું અને તેમ કરવા જતા તે વિદ્યાર્થી ખીણમાં પડી જતાં તેનું મૃત્યુ થયેલું.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે