છાતીનો દુખાવો : છાતીમાં દુખવું તે. છાતીમાં દુખાવાનાં વિવિધ કારણો છે. છાતીની દીવાલમાં આવેલી પાંસળીઓ, સ્નાયુઓ, કરોડના મણકા તથા છાતીની અંદર આવેલા અવયવો (હૃદય, ફેફસાં, અન્નનળી) અને તેમનાં આવરણોના વિકારો અને રોગોમાં છાતીમાં દુખાવો થાય છે.

સારણી 1 : છાતીના દુખાવાનાં કેટલાંક મહત્વનાં કારણો
અવયવ વિકાર વિશિષ્ટતા
હૃદય હૃદ્પીડ

(angina pectoris)

પરિશ્રમથી દુખાવો થાય,

આરામ કરવાથી શમે

હૃદ્સ્નાયુ આંશિકમૃત્યુ

(myocardial

infarction)

અતિશય દુખાવો, આરામ

કરવા છતાં ચાલુ રહે

પરિહૃદ્શોથ

(pericarditis)

શ્વાસોચ્છવાસથી વધે,

ઘર્ષણનાદ(friction rub)ની

ધ્રુજારી અનુભવાય તથા સંભળાય

મહાધમની

(aorta)

છેદકારી ધમની

વિસ્ફારણ(dissecting

aneurysm)

કપાતું હોય એવો તીવ્ર પીઠમાં

થતો દુખાવો, હાથ અને પગની

નાડીમાં તફાવત, હૃદયના

ધીમા પડતા ધબકારા

ફેફસાં વાતવક્ષ (pneumo-

thorax)

ફેફસાંમાં હવાનો પ્રવેશ અટકે
પરિફેફસીશોથ

(pleurisy)

શ્વાસ લેવાથી દુખાવો વધે,

પરિફેફસી ઘર્ષણનાદ

ફેફસીઆંશિકમૃત્યુ

(pulmonary

infarction)

(pleural rub) એક બાજુ

દુખાવો

શ્વાસનળીશોથ

(tracheitis)

છાતીની મધ્યમાં, ખાંસી

ખાવાથી વધે

અન્નનળી વિપરીતગામી

અન્નનળીશોથ

(reflexoesophagitis)

અન્નનળીના ચલનના

વિકાર

છાતીની વચ્ચે અંદરના

ભાગમાં દુખાવો, ક્યારેક

જમ્યા પછી કે તે સમયે

સ્નાયુ

અને હાડકાં

પર્શુકા-કાસ્થિશોથ

(costochondritis)

કરોડના મણકાના

વિકાર

તે સ્થળે દબાવવાથી દુખાવો

થાય

હૃદ્પીડ(angina pectoris)ના દર્દીને છાતીમાં દબાણ થતું કે શ્વાસ ઘૂંટાતો હોય (choking) એવો દુખાવો થાય છે જે સામાન્ય રીતે પરિશ્રમ કરવાથી ઉદભવે અને આરામ કરવાથી શમે. સામાન્ય રીતે છાતીની મધ્યમાં આવેલા વક્ષાસ્થિ (sternum) નામના હાડકાની પાછળ દુખાવો થતો હોય એવું લાગે અને તે ડાબા હાથમાં ફેલાય છે. ક્યારેક દુખાવો ગળામાં, જડબામાં, દાંતમાં, પીઠમાં, જમણા હાથમાં કે પેટના ઉપલા ભાગમાં ફેલાય છે. કેટલીક વખતે દુખાવો અમળાતું હોય (squeezing), કચરાઈ જવાતું હોય, બળતરા થતી હોય, ધીમો દુખાવો થતો રહેતો હોય કે ક્યારેક ખંજર ભોંકાતું હોય તેવો પણ હોય છે. લાગણીઓનો આવેગ તેને શરૂ કરે અથવા વધારે અને ક્યારેક ઠંડો પવન કે ભારે ખોરાક પણ તે શરૂ કરે છે. નાઇટ્રેટ્સ જૂથની દવાથી તે શમે છે.

હૃદયરોગનો હુમલો અથવા હૃદ્સ્નાયુ આંશિક મૃત્યુ(myocardial infarction)માં હૃદયના સ્નાયુનો કેટલોક ભાગ મરી જાય છે. તેથી તેનો દુખાવો હૃદ્પીડ જેવો હોવા છતાં વધુ તીવ્ર હોય છે અને આરામ કરવાથી પણ શમતો નથી. તેના પર મોં વાટે નાઇટ્રેટ્સ આપવાથી કોઈ ખાસ અસર થતી નથી. અનુકંપી ચેતાતંત્ર ઉત્તેજિત થાય છે તથા ઊલટી થાય છે. ચિંતા તથા સંભવિત મૃત્યુનો ભય ઉદભવે છે.

મહાધમની (aorta) પહોળી થાય ત્યારે તેને મહાધમની વિસ્ફારણ (aortic aneurysm) કહે છે. જ્યારે મહાધમનીની દીવાલમાં છેદ પડે અને તેમાં લોહી વહેવા માંડે અને તેમ થવાથી મહાધમનીની અંદરનું પોલાણ ઘટી જાય પણ તેનો બહારનો વ્યાસ વધે ત્યારે તેને છેદકારી (dissecting) વિસ્ફારણ કહે છે. તેમાં ચિરાતું હોય તેવો પીઠમાં દુખાવો થાય છે, ઊલટી થાય છે, હાથ-પગની નાડીના ધબકારામાં ફરક પડે છે અને તે ધીમા થાય છે. આ ક્યારેક અતિ જોખમી વિકાર રૂપે પણ જોવા મળે છે. હૃદયની આસપાસના આવરણને પરિહૃદ્કલા (pericardium) કહે છે. તેના વિકારમાં છાતીમાં વચ્ચે અને અંદરની બાજુ શ્વાસોચ્છવાસ સાથે વધતો-ઘટતો દુખાવો થાય છે. ફેફસાંની આસપાસના આવરણને પરિફેફસી કલા (pleura) કહે છે. તેના સોજાને કારણે થતો દુખાવો શ્વાસ અંદર લઈએ ત્યારે તે ક્રિયાના છેલ્લા ભાગમાં થાય છે અને ક્યારેક તે ખભામાં પણ વિસ્તરે છે. વ્યક્તિ ધીમા અને છીછરા શ્વાસ લે છે અને ખાંસીને દબાવવા પ્રયત્ન કરે છે જેથી દુખાવો ઘટે.

અન્નનળીના રોગોમાં થતો દુખાવો ક્યારેક હૃદ્પીડ જેવો જ હોય છે. જો તે અન્નનળીના સતત આકુંચન(spasm)થી થતો હોય તો તે શ્રમ કરવાથી ઉદભવે અને નાઇટ્રેટ્સથી શમે છે; પરંતુ ક્યારેક તેમાં ખોરાક લીધો હોવાની માહિતી મળે છે. હાડકાં કે સ્નાયુઓથી થતો દુખાવો ઉપર જણાવેલા કોઈક ચોક્કસ પ્રકારનો હોતો નથી. વળી તેના વિકારને સ્થાને દબાવવાથી કે ઊંડો શ્વાસ લેવાથી દુખાવો ઊપડે છે. આ પ્રકારનો દુખાવો આરામ કરવાથી મટતો નથી.

ઉપચાર રૂપે જે તે કારણની સારવાર કરવામાં આવે છે. માનસિક ચિંતાને કારણે ઉદભવતો ડાબી બાજુ ડીંટડીની આસપાસનો દુખાવો શમાવવા ક્યારેક ચિંતાનાશકો અપાય છે. સ્નાયુ અને હાડકાંનો દુખાવો મટાડવા આઇબુપ્રોફેનના જૂથની દવા તથા જો તેનું કોઈ મૂળ કારણ હોય તો તેની સારવાર કરાય છે. પરિફેફસી કલાના રોગમાં આઇબુપ્રોફેન તથા મૂળ કારણરૂપ રોગની સારવાર કરાય છે. હૃદયના રોગની સારવારમાં નિષ્ણાત તબીબી સારવાર જરૂરી ગણાય છે. સ્ત્રીઓના સ્તનમાં થતો દુખાવો સામાન્ય રીતે છાતીના દુખાવાથી અલગ પાડવામાં આવે છે.

શિલીન નં. શુક્લ