છપ્પનિયો કાળ : વિ. સં. 1956ના વર્ષમાં ભારતમાં પડેલો દુકાળ. ઈ. સ. 1899માં સમગ્ર દેશમાં ચોમાસું નિષ્ફળ ગયું, તેથી ઈ. સ. 1900ના વર્ષમાં ભારતે આગલાં બસો વર્ષમાં ન અનુભવ્યો હોય એવો ભયંકર દુકાળ પડ્યો. સૌરાષ્ટ્રનાં રાજ્યો, વડોદરા અને ગુજરાતના જિલ્લાઓમાં પણ તેની ભયંકર અસર પડી. ગુજરાતમાં સરાસરી 940 મિમી.ને બદલે માત્ર 177.8 મિમી. વરસાદ પડ્યો. અનાજ અને ઘાસચારાની તંગી પેદા થઈ. નાના ખેડૂતો, કારીગરો અને જમીનવિહોણા મજૂરોને સૌથી વધારે અસર થઈ. આશરે વીસ લાખ ઢોર મરણ પામ્યાં. અનાજના અભાવે ગરીબ લોકો ઝાડનાં પાંદડાં અને થોરનાં ડીંડલાં ખાઈને ગુજારો કરતા. રાજાઓ તથા બ્રિટિશ સરકારે રાહતકાર્યો શરૂ કર્યાં તે અપૂરતાં હતાં. રાજાઓએ અનાજ વહેંચ્યું. જ્ઞાતિપંચોએ ગરીબ જ્ઞાતિબંધુઓ માટે એક ટંક ખીચડી અને રોટલા જમાડવા રસોડાં શરૂ કર્યાં. લોકોએ શહેરોમાં સ્થળાંતર કરવાથી ગામડાં ખાલી થયાં. સરકારી આંકડા મુજબ મુંબઈ ઇલાકામાં 7,40,376 માણસો મરણ પામ્યાં. નૈતિક મૂલ્યોનું અધ:પતન થયું. ચોરી અને લૂંટ વધી ગયાં. ડિસેમ્બર, 1899માં સરકારે રાહતકાર્યો શરૂ કર્યાં અને નવેમ્બર, 1900માં બંધ કર્યાં. જુલાઈ, 1900માં રાહતકાર્યોમાં સૌથી વધારે સરાસરી 30,000 લોકો કામે આવતા અને 6,000 લોકોને મફત અનાજ વહેંચવામાં આવતું. સરકારે રાહત માટે કુલ રૂ. 4,76,967 ખર્ચ્યા. મુંબઈના કચ્છી વેપારીઓએ પોતપોતાનાં ગામોમાં અનાજની દુકાનો ખોલી. કચ્છના રાજાએ 49,000 લોકોને રાહતકાર્યોમાં રોજી આપી અને 5,000 લોકોને મફત સહાય કરી.
જયકુમાર ર. શુક્લ