છપ્પા (છપ્પય, ષટ્પદ)

January, 2012

છપ્પા (છપ્પય, ષટ્પદ) : છ પદ(ચરણ કે પંક્તિઓ)ની પદ્યરચના. છયે પદો એક છંદમાં હોઈ શકે અગર એમાં એકથી વધુ છંદોનો વિનિયોગ થયો હોય. અખાભગત(સત્તરમી સદી મધ્યભાગ)ની ‘છપ્પા’ને નામે પ્રસિદ્ધ કૃતિમાં ચોપાઈનાં છ ચરણની પદ્યરચના છે. એ પૂર્વે માંડણ(પંદરમી સદી ઉત્તરાર્ધ)ની ‘પ્રબોધબત્રીશી’માં પણ ષટ્પદી ચોપાઈ વપરાયેલી હતી, પણ એને ‘છપ્પા’નું નામાભિધાન મળ્યું નથી. અખાભગતના છપ્પા પર ‘પ્રબોધબત્રીશી’નું ઋણ પદ્યબંધ ઉપરાંત વૈચારિક દ્રવ્ય અને અભિવ્યક્તિતરાહ પરત્વે પણ કેટલુંક છે, છતાં અખાભગતની વૈચારિક તેજસ્વિતા, એમનું કલ્પનાબળ ને એમનું ભાષાસામર્થ્ય અનન્ય જ રહે છે. તેરમી-ચૌદમી સદીના કોઈ અજ્ઞાત જૈન કવિના ‘જ્ઞાનછપ્પય’માં વસ્તુછંદની પદ્યરચના છે.

પણ વધારે પ્રબળ રૂઢિ તો ચાર ચરણ રોળાનાં અને બે ચરણ ઉલ્લાલાનાં હોય એવી પદ્યરચનાને ‘છપ્પા’ તરીકે ઓળખાવે છે તે છે. એમાં ક્વચિત્ ઉલ્લાલાનાં બે ચરણને ‘ઊથલો’ કહ્યો હોય એવું જોવા મળે છે; જેમ કે, જૈન કવિ પ્રકાશસિંહકૃત ‘બાર વ્રતના છપ્પા’(1819)માં. આનું કારણ એ જણાય છે કે કેટલીક વાર રોળાનાં ચાર ચરણ અને ઉલ્લાલાનાં બે ચરણ વચ્ચે વસ્તુવર્ણન કે વિચારદર્શનના કંઈક પલટા જેવું હોય છે; જેમ કે, રોળાનાં ચાર ચરણમાં ર્દષ્ટાંતાત્મક ઉક્તિઓ હોય અને ઉલ્લાલાનાં બે ચરણમાં એની પાછળનો સામાન્ય સિદ્ધાંત રજૂ થયો હોય. શામળના એક છપ્પામાં પહેલી ચાર પંક્તિઓમાં ‘લોભીને પ્રિય લોભ, જારને વ્હાલી જારી’ એમ હકીકતો મુકાય છે અને પછી ‘ગુણ સાથે ગુણ જેના મળે, તો ત્યાં પૂરણ પ્રીત છે’ – એવી વ્યાપ્તિ દર્શાવાય છે.

આ પ્રકારના છપ્પા એક ઘટક તરીકે અન્ય પદ્યરચનાઓની સાથે વપરાયેલ હોય એવું તો અનેક કૃતિઓમાં બન્યું છે. ભીમના ‘સદયવત્સપ્રબંધ’ ને જયશેખરસૂરિના ‘ત્રિભુવનદીપકપ્રબંધ’થી માંડીને શામળની ‘અંગદવિષ્ટિ’ સુધીનાં અનેક કાવ્યોમાં એમ થયું છે. શામળના વ્યવહારબોધ અને નીતિબોધના જે છપ્પાઓ ખૂબ લોકપ્રિય થયેલા છે તે એમની વાર્તાઓની અંદર વણાયેલા છપ્પાઓ છે. આ છપ્પાઓમાં સંસારનિરીક્ષણ અને સંસારડહાપણ હોય છે ને ઓઘ રૂપે આવતી ઉક્તિઓથી એ રજૂ થતું હોય છે તેથી વિશાળ લોકસમાજના મનમાં એ તરત વસી જાય છે. વસ્તુત: આ છપ્પાઓએ લોકશિક્ષણનું કામ કરેલું છે. વ્યવહારબોધ અને નીતિબોધનાં વચનો માટે છપ્પાની આ શૈલી એટલી બધી અનુકૂળ બની રહી છે કે એવાં વચનોના ઘણા પ્રકીર્ણ છપ્પાઓ નામી-અનામી કવિઓને હાથે રચાયેલા જોવા મળે છે.

છપ્પા આમ પદ્યરચનાનો એક પ્રકાર જ છે, છતાં એ કાવ્યપ્રકારનું સ્થાન પણ પ્રાપ્ત કરે છે કેમ કે સળંગ છપ્પાથી જ રચાયેલી અને એનું નામ ધરાવતી કૃતિઓ પણ સાંપડે છે. છેક તેરમી સદી ઉત્તરાર્ધમાં રત્નસિંહસૂરિશિષ્યની ‘ઉપદેશમાલા કથાનક છપ્પય’ અને અજ્ઞાત કવિકૃત ‘ગુરુગુણષટ્પદ’ – એ કૃતિઓ મળે છે. 81 છપ્પાની પ્રથમ કૃતિ ધર્મદાસગણિની મૂળ પ્રાકૃત કૃતિના સારોદ્ધારરૂપ છે અને ઘણાં પુણ્યશ્લોક ચરિત્રોની અત્યંત લાઘવથી વાત કરે છે. બીજી કૃતિમાં જિનવલ્લભસૂરિથી જિનેશ્વરસૂરિ સુધીના ગુરુઓની પ્રશસ્તિ છે. અજ્ઞાતકર્તૃક ‘ખરતર ગુરુગુણ છપ્પય’ (પંદરમી સદી પૂર્વાર્ધ) અને જ્ઞાનહર્ષકૃત ‘જિનદત્તસૂરિ અવદાત છપ્પય’ (સત્તરમી સદી પૂર્વાર્ધ) વગેરે કૃતિઓ પણ એ પ્રકારની છે. કથાત્મક ને ઇતિહાસાત્મક ઉપરાંત ‘બાર વ્રતના છપ્પા’ જેવી જ્ઞાનાત્મક-બોધાત્મક કૃતિઓ પણ જૈન કવિઓને હાથે રચાયેલી છે.

સળંગ છપ્પા રૂપે લખાયેલી કૃતિના નામમાં ‘છપ્પા’ શબ્દ હોય એવું અનિવાર્ય નથી. તેથી આવી કૃતિઓની યાદી કરવી મુશ્કેલ બને છે. કીકુ વસહીની ‘અંગદવિષ્ટિ’ (પંદરમી સદીનો અંત ભાગ) જૈનેતર કવિની કદાચ પહેલી છપ્પાબદ્ધ રચના છે. 60 છપ્પાની એ કૃતિ અંગદવિષ્ટિના પ્રસંગથી રામરાવણયુદ્ધ સુધી વિસ્તરે છે અને એ રીતે પૌરાણિક કથાકાવ્યનો ઘાટ પામે છે. ગંગાદાસની ‘લક્ષ્મીગૌરીસંવાદ’ (1543) 143 છપ્પાની સંવાદાત્મક રચના છે. અખાભગતની ‘અનુભવબિંદુ’ (સત્તરમી સદીનો મધ્યભાગ) હસ્તપ્રતોમાં ‘40 છપ્પા’ તરીકે જ ઓળખાયેલી છે. એની પદ્યરચનાની બે વિશેષતા છે : એક તો, પહેલા છપ્પામાં પહેલી ચાર પંક્તિ રોળાને બદલે દુહાની છે અને બીજું, રોળાની સઘળી પંક્તિઓમાં આંતરપ્રાસ યોજાયો છે. ‘જાણી લે જુગદીશ, શીશ સદગુરુને નામી’. વેદાંત જ્ઞાનવિચારને સઘનતાથી રજૂ કરતી આ કૃતિ, આમ, પદ્યરચનાના નાવીન્ય તેમજ અખાની લાક્ષણિક ર્દષ્ટાંતકલાને કારણે નોંધપાત્ર છે.

રવિદાસની કૃતિ ‘કવિત છપ્પય’(અઢારમી સદી ઉત્તરાર્ધ)માં 257 છપ્પા છે ને એ હિંદી-ગુજરાતી બંને ભાષામાં ચાલે છે. ધર્મતત્ત્વનો બોધ કરતી આ કૃતિમાં અલંકાર અને અવળવાણીનો આશ્રય લેવાયો છે, એ એનું કાવ્ય તરીકેનું એક મહત્વનું જમા પાસું છે.

જયંત કોઠારી