ચૌહાણ, ભેરૂસિંહ (જ. 27 જુલાઈ 1961) : કબીરાદિ નિર્ગુણ ગાયક-પરંપરાના પદ્મશ્રીથી પુરસ્કૃત માળવી લોકગાયક.
તેમનો જન્મ મધ્યપ્રદેશના મઉ નગરમાં થયો જ્યારે ઇંદોર જિલ્લાના બજરંગપુરા નામના નાના ગામે એમનો પૈતૃક વસવાટ હતો. એમના પિતા માદૂ ચૌહાણ કબીરની વાણી ગાતા હતા. ભેરૂસિંહ નવ વર્ષે પિતાની સાથે ગામેગામ કબીરવાણી ગાવા જતા. આથી એમને 9 વર્ષની ઉંમરથી જ પારંપરિક માલવી લોકશૈલીમાં ભજન ગાવાની તાલીમ મળી. કબીરનાં ભજનોની જેમ ગોરખનાથ, બ્રહ્માનંદ, મીરાંબાઈ, દાદૂ અને પલટૂનાથ જેવા નિર્ગુણ પરંપરાનાં સંતોનાં ભજન કંઠસ્થ પણ કર્યાં અને એના વિશેષ રાગ, લય અને ઢાળને પોતાના બુલંદ પણ મધુર કંઠે રજૂ કરીને શ્રોતાઓને ભાવવિભોર કરી દેતા. ભજનોના અગાધ સાગરમાંથી ‘ભજનમોતી’ વીણી વીણીને, તેમાં ડૂબકી મારીને એની સાથે અનુરૂપ કથાવાર્તા અને પ્રસંગો જોડીને માલવી સંસ્કૃતિને શ્રોતાજનોમાં દૃઢ કરવાનો એમનો પુરુષાર્થ ભારે પ્રશંસનીય છે. કોઈ પણ ગામેથી ભજન-ગાયનનું નોતરું આવે તો પગપાળા ચાલીને કે સાઇકલ પર પણ જવામાં નાનમ અનુભવી નથી. એક હાથમાં કરતાલ અને બીજા હાથે તંબૂર બજાવતા આ લોકગાયકે પોતાના કાર્યક્રમો દ્વારા સમાજમાં ફેલાયેલા દુરાચાર, નશાની બદીઓ વગેરે પર પ્રહાર કરી લાખો લોકોને વ્યસનોમાંથી મુક્ત થવા પ્રેર્યા છે. આ માટે એમણે પ્રેરકબળ તરીકે મુખ્યત્વે કબીર-વાણી પસંદ કરી છે.

ભેરૂસિંહ ચૌહાણ
ભૈરૂસિંહ ચૌહાણે પાંચ દશકો ભજનસંગીતને સમર્પિત કર્યા છે. એમણે ગામ, જિલ્લો તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે 6000થી પણ અધિક જાહેર કાર્યક્રમો આપ્યા છે. એમના આ પ્રયત્નોથી નિર્ગુણ ગાયન પરંપરાને જીવંત રાખવામાં ભારે બળ મળ્યું છે.
શ્રી ચૌહાણે 1989માં આકાશવાણી ઇંદોર પરથી લોકગાયન પ્રસ્તુત કરવા લાગતાં એમને ભારે પ્રસિદ્ધિ મળવા લાગી. એમની લોકસંગીતની કૅસેટ અને સીડી રેકૉર્ડિંગ પણ બહોળા પાયે થવા લાગ્યાં. ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગે એમની કલાની કદર રૂપે કલાક્ષેત્ર-પ્રતિષ્ઠાન, ચેન્નાઈના કાર્યકારી બોર્ડ અને શૈક્ષણિક સમિતિના સભ્યપદે નિયુક્ત કર્યા. આ વિભાગે એમને 2019માં રીવામાં ઊજવાયેલ 10મા રાષ્ટ્રીય સાંસ્કૃતિક મહોત્સવના ઉદઘાટન સમારોહના મુખ્ય પ્રસ્તુતકર્તા રૂપે પસંદ કરેલા. એ જ વર્ષે નવી દિલ્હીમાં ઇંદિરા ગાંધી રાષ્ટ્રીય કલાકેન્દ્રની સ્થાપના થઈ એ પ્રસંગે પણ શ્રી ચૌહાણની પ્રસ્તુતિથી શ્રોતાઓ ભારે અભિભૂત થયા.
નિર્ગુણ ગાયક શ્રી ચૌહાણને 2015-16ના રાષ્ટ્રીય સાંસ્કૃતિક મહોત્સવ તેમજ 2018ના કબીર મહોત્સવમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત સરકારના સંસ્કૃતિ વિભાગ દ્વારા લખનઉમાં આયોજિત સદભાવના ઉત્સવ (1993), સાહિત્ય એકૅડેમી, નવી દિલ્હી દ્વરા વારાણસીમાં યોજાયેલ કબીરોત્સવ (2005), સ્વરાજ સંસ્થાન દ્વારા ભોપાલમાં યોજાયેલ ભારત-પર્વ કાર્યક્રમ (2010) વગેરે અનેક રાષ્ટ્રીય કાર્યક્રમોમાં પ્રમુખ ભાગ લઈ નિર્ગુણ-વાણીનો ધોધ વહેવડાવી શ્રોતાઓમાં શ્રદ્ધા અને ભક્તિ જાગ્રત કરવા સબબ ભારે પ્રશંસા અને સન્માન પ્રાપ્ત કર્યાં છે.
લોકસંગીતમાં આમ વિશિષ્ટ પ્રદાન કરવા માટે જાન્યુઆરી, 2025માં શ્રી ભેરૂસિંહ ચૌહાણને ‘પદ્મશ્રી’ના ગૌરવ પુરસ્કારથી ભારત સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.
પ્રવીણચંદ્ર પરીખ