ચૌહાણ, સુભદ્રાકુમારી

January, 2012

ચૌહાણ, સુભદ્રાકુમારી (જ. 1904, નિહાલપુર, અલ્લાહાબાદ પાસે, ઉત્તરપ્રદેશ, અ. 15 ફેબ્રુઆરી 1948, સિવની પાસે, મધ્યપ્રદેશ) : પ્રસિદ્ધ હિંદી કવયિત્રી અને મહિલા-સ્વાતંત્ર્યસૈનિક. તેમણે અલ્લાહાબાદની ક્રોસ્ટવેર ગર્લ્સ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. તેમણે 6 વર્ષની વયે દોહા રચવા શરૂ કર્યા હતા. 15 વર્ષની વયે તેમનાં લગ્ન ખંડવા-નિવાસી અને જબલપુરના ઍડ્વોકેટ ઠાકુર લક્ષ્મણસિંહ ચૌહાણ સાથે થયેલાં. તે પણ સ્વાતંત્ર્યસૈનિક હતા. લગ્ન બાદ પણ તેમણે તેમનો અભ્યાસ ચાલુ રાખેલો.

તેમને દેશભક્તિનાં ગીતો ગાનાર તેમના પિતા ઠાકુર રામનાથસિંહ તરફથી પ્રેરણા મળેલી અને 1920–21માં તેમનાં દેશભક્તિભર્યાં કાવ્યો હિંદીના જોશીલા સાપ્તાહિક ‘કર્મવીર’માં તથા ‘સરસ્વતી’ અને

સુભદ્રાકુમારી ચૌહાણ

‘માધુરી’ સામયિકમાં પ્રકાશિત થયેલાં અને તેમના દ્વારા તેઓ ખ્યાતિ પામ્યાં. તેમના વ્યક્તિત્વમાં જૉન ઑવ્ આર્ક જેવો ઉત્કટ દેશપ્રેમ અને મીરાંબાઈ જેવી ગીતલક્ષી ભાવુકતા હતાં. તેમણે મહાત્મા ગાંધીની અસહકારની ચળવળ દરમિયાન 1920માં અભ્યાસનો ત્યાગ કર્યો અને બંને પતિ-પત્નીએ રાષ્ટ્રીય આંદોલનમાં સક્રિય ભાગ લેવા માંડ્યો. આંદોલન માટેનો ફાળો ઉઘરાવતાં તેઓ ગામેગામ ઘૂમી વળ્યાં. પછી તેઓ નાગપુર ઝંડા આંદોલનમાં જોડાયાં. તેમણે પ્રથમ 1923માં અને પછી 1942માં જેલવાસ ભોગવ્યો હતો. જાતે ગિરફતાર થનાર તેઓ પ્રથમ મહિલા-સત્યાગ્રહી હતાં.

આ રાજકીય આંદોલનથી પ્રેરાઈને હૃદયનો અગ્નિ કવિતા રૂપે પ્રગટ થયો. તેમણે ‘સેનાની કા સ્વાગત’; ‘વીરોં કા કૈસા હો વસન્ત’ અને ‘ઝાંસી કી રાણી’ જેવાં અત્યંત પ્રેરણાદાયી અને દેશભક્તિપૂર્ણ કાવ્યો લખ્યાં. ‘ઝાંસી કી રાની’ની ગણના હિંદી સાહિત્યમાં શ્રેષ્ઠ કાવ્ય તરીકે અને અધિકતર વંચાતા અત્યંત લોકપ્રિય કાવ્યમાં થાય છે. 1931માં તેમણે ‘મુકુલ’ કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો, જેને સક્સેરિયા પુરસ્કાર આપવામાં આવેલો. ‘બિખરેં મોતી’ નામક તેમના વાર્તાસંગ્રહને પણ એ જ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. બાળકો માટે પણ તેમણે કાવ્યો રચેલાં. તેમનો અન્ય વાર્તાસંગ્રહ ‘ઉન્માદિની’ (1934) અને ‘સીધેં સાદેં ચિત્ર’ તેમના મૃત્યુ બાદ પ્રગટ થયાં હતાં.

તેઓ એક રાજનૈતિક આંદોલનકાર, તત્કાલીન મધ્યપ્રાંતના વિધાનસભા-સભ્ય અને લોકપ્રિય કવયિત્રી હતાં. તે ઉપરાંત એક નિષ્ઠાવાન પત્ની, સ્નેહસભર માતા અને વિશ્વસનીય મિત્ર પણ હતાં. 15 ફેબ્રુઆરી, 1948ના રોજ મધ્યપ્રદેશમાં સિવની પાસે એક કાર- અકસ્માતમાં તેમનું અવસાન થયું હતું. પરિણામે ભારતીય સાહિત્યને, ભારતના રાજનૈતિક જીવનને અને ભારતીય નારીત્વને એક મોટી ખોટ પડી. તાર અને ટપાલ વિભાગે તેમના સન્માનમાં 6–8–1976ના રોજ એક સ્મારક-ટિકિટ બહાર પાડી હતી.

બળદેવભાઈ કનીજિયા