ચૌહાણો : ગુજરાતમાં ચાંપાનેર ખાતે સત્તા સ્થાપનાર શાસકો (1300-1782). મેવાડથી આવેલા ખીચી ચૌહાણોમાંના પાલનદેવે ઈ. સ. 1300માં ચાંપાનેરમાં સત્તા સ્થાપી હતી. મહમૂદ બેગડા સામેની લડાઈમાં
ઈ. સ. 1484–85માં જયસિંહ ઉર્ફે પતાઈ રાવળનો પરાજય થયો ત્યારે તેના પુત્ર પૃથ્વીરાજે નર્મદા-કાંઠાના મોહન નામના સ્થળે રાજ્ય સ્થાપ્યું. ભવિષ્યમાં તે છોટા-ઉદેપુરના રાજ્ય તરીકે વિકસ્યું. પૃથ્વીરાજ પછી કરણસિંહ, વજેસિંહ, ગુમાનસિંહ, રાયસિંહ, તેજસિંહ, જશવંતસિંહ વગેરે રાજાઓ થયા. જશવંતસિંહે મોહનથી બદલી છોટાઉદેપુરને રાજધાની બનાવી.

પતાઈ રાવળના નાના પુત્ર ડુંગરસીએ ભીલો પાસેથી બારિયા જીતી લીધું. ડુંગરસી પછી ઉદયસિંહ, રાયસિંહ, વજેસિંહ, માનસિંહ વગેરે રાજાઓ થયા. માનસિંહનું અવસાન થતાં એક બલૂચ સરદારે રાજ્ય કબજે કર્યું. તેથી વિધવા રાણી કુમાર પૃથુરાજને લઈ તેના પિતા ડુંગરપુરના રાવળના આશ્રયે રહી. ઈ. સ. 1782માં, પૃથુરાજે ડુંગરપુરના રાવળની મદદથી બલૂચ સરદારને હાંકી કાઢી રાજ્ય કબજે કર્યું. તે પછી દેવગઢબારિયા નગર વસાવ્યું. આ રાજ્ય કદી મુસલમાનો કે મરાઠાઓનું તાબેદાર નહોતું; પરંતુ સિંધિયાના ત્રણ મહાલ દાહોદ, કાલોલ અને હાલોલમાંથી ચોથ ઉઘરાવવાનો તેને અધિકાર હતો.

આ ઉપરાંત ડભોઈ તાલુકામાં માંડવામાં પ્રતાપસિંહની તથા બનાસકાંઠામાં વાવ અને સૂઈગામમાં ચૌહાણ કુલની રિયાસતો હતી.

જયકુમાર ર. શુક્લ