ચૌરંગીનાથ (નવમી–દસમી સદી) : ચોરાસી સિદ્ધો પૈકીના એક સિદ્ધ. સિદ્ધોના ક્રમમાં એમને ત્રીજું અને અન્ય મતે દસમું સ્થાન અપાયું છે. ચૌરંગીનાથ મત્સ્યેન્દ્રનાથના શિષ્ય અને ગોરખનાથના ગુરુભાઈ હતા. એમનો જન્મ સિયાલકોટના રાજા શાલિવાહનને ત્યાં થયો હતો પરંતુ એમની ઓરમાન માતાએ દ્વેષથી એમના પગ કપાવી નાખ્યા હતા. ડૉ. હજારીપ્રસાદ દ્વિવેદીને મતે પંજાબ તેમજ કેટલાક અન્ય પ્રદેશોમાં પ્રચલિત પૂરનભગતની કથાના નાયક ચૌરંગીનાથ હોવાનું જણાય છે. ‘પ્રાણસંકલી’ તેમની પ્રસિદ્ધ કૃતિ છે. આ ઉપરાંત ‘વાયુતત્વ-ભાવનોપદેશ’ નામની અન્ય કૃતિની રચના પણ એમની મનાય છે. ‘પ્રાણસંકલી’માં આદિથી અંત સુધી સિદ્ધ સંકેતોનો ઉલ્લેખ થયો છે. આ સિદ્ધ સંકેતો જ્ઞાનની પ્રાપ્તિ અને અજ્ઞાનના વિનાશ માટેના મૂળ સાધનરૂપ છે. પિંડમાં બ્રહ્માંડની સ્થિતિ તરફ સંકેત કરીને ચૌરંગીનાથ આત્મદર્શનની પ્રેરણા આપે છે. તેની સાથે દેહરચના અને નાડીચક્ર વગેરેનો નિર્દેશ સાથે યૌગિક ક્રિયાઓનો ઉપદેશ કરે છે. સાધનાની બાબતમાં એમનું કથન છે કે સાધના દ્વારા બ્રહ્માગ્નિ પ્રગટ થાય છે જે ષટ્ચક્રોનું ભેદન કરતો બ્રહ્મમંડળમાં પ્રવેશ કરે છે. ત્યાર પછી તે અંતે ગગનને વીંધતી ગગનગુફામાં પ્રવેશીને સહજ આનંદ અને મુક્તિનું સુખ અનુભવે છે. વસ્તુતઃ ‘પ્રાણસંકલી’ દ્વારા સિદ્ધોની સાધનાનો પરિચય થાય છે.
પ્રવીણચંદ્ર પરીખ