ચૌલા : ગુજરાતી નવલકથાકાર કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા ‘જય સોમનાથ’(1937)ની નાયિકા. ચૌલાદેવી ભગવાન શિવને સમર્પિત નર્તકી હતી. ‘જય સોમનાથ’ નવલકથામાં સોલંકી વંશના બાણાવળી રાજા ભીમદેવની પ્રેમિકા તરીકે તેનું ચરિત્ર ઊપસી આવેલું છે. ગુજરાતની અસ્મિતાને જાળવવા ઝઝૂમતાં પાત્રોમાં ચૌલાનું સ્થાન પણ સ્મરણીય છે. મુનશીએ આલેખેલી ચૌલા વિલક્ષણ છે. તેની મા પણ દેવનર્તકી હતી. મુનશીએ દર્શાવ્યું છે તેમ, આવી ત્રણસો-ચારસો નર્તકીઓ દેવાર્પિત હતી. દેવને નૃત્યગીતથી આરાધવા એ જ એમનું જીવનકર્તવ્ય હતું. આ રીતે, રાત-દિવસ સાજ સજવા, સંગીત-નૃત્ય શીખવા કે શીખવવામાં અને કોઈ વિલાસી પુરુષને રંગરાગના પાઠ પઢાવવામાં સૌનો વખત જતો. ચૌલા આવા પરિવેશમાં ઊછરી હતી, પણ એ સૌમાં જુદી તરી આવે છે. ‘કોઈના પણ પગ આવા સુરેખ ને સબળ નહોતા. કોઈની કમર એની છટાથી વળતી નહોતી.’ ગંગ સર્વજ્ઞ પણ એનાથી પ્રભાવિત હતા ને એની વહાલથી ખબર પૂછતા. ઘણી વાર સ્વપ્નમાં ત્રિશૂળધારીએ દર્શન દઈ એને કહ્યું હતું : ‘બેટા, તું મારી ખરી નર્તકી છે.’ ને ચૌલા માટે સોમનાથ મંદિરનું શિખર સાચ્ચે જ કૈલાસ હતું… એના છજામાં ઊભી ઊભી એ સાગરના તરંગો સાથે નૃત્યતાલ મેળવતી.

મુનશીએ એના કાળા લાંબા વાળને યાળ સમા સુંવાળા અને પગના નર્તન સાથે ઊછળતા ઝરણા જેવા કહ્યા છે. એના મુખ પર 18 વર્ષેય 8 વર્ષની બાલિકાનું માધુર્ય અને સરળતા હતાં, તો તેની તેજસ્વી આંખોમાં ઉંમર કરતાં ઊંડું ગાંભીર્ય હતું. રાજા ભીમદેવનો પક્ષપાત પામીને એ સોમનાથને બચાવનારાઓનાં અથાગ પરાક્રમોમાં સહભાગી બને છે ને ધન્યતાનો અનુભવ કરે છે.

‘જય સોમનાથ’માં મુનશીએ મહમૂદના આક્રમણને નહિ પણ ગુજરાતે કરેલા એના પ્રતિરોધને વર્ણવવાનું કેન્દ્રમાં રાખ્યું છે. આથી સોલંકીઓના ગુજરાતને ત્યારે મળેલા બળનો ખ્યાલ આવે છે. ધૂમકેતુની ‘ચૌલાદેવી’ (1940) નવલકથામાં ગુજરાતના પતન પછી ગુજરાતની ગરવી પ્રતિમા ઉપસાવવાનો પ્રયાસ છે. એમાં પણ ચૌલાદેવીની ઉદાત્તતાનો પાસ ઘણાં પાત્રોને માટે પ્રેરક બન્યો છે. ચુનીલાલ મડિયાની ‘કુમકુમ અને આશકા’(1962)માં પણ ચૌલુક્ય વંશની આવી જ કથા છે. એની નાયિકા પણ ચૌલા છે. ત્રણેય નવલકથાકારોએ ચૌલાને વિભિન્ન રીતે ગુજરાતના નિર્માણની પ્રેરણામૂર્તિ તરીકે નિરૂપી છે.

મણિલાલ હ. પટેલ