ચૌબે, ચંદનજી (જ. 1870 મથુરા; અ. 1955) : ધ્રુપદ અને ધમારના વિખ્યાત સંગીતકાર. પિતા અંબારામજી ચતુર્વેદી ધ્રુપદ સંગીતના ખ્યાતનામ કલાકાર હતા. તેમની પાસેથી અઢાર વર્ષની ઉંમરે તથા પોતાના પિતામહ પાસેથી ચંદનજીએ સંગીતની તાલીમ મેળવી હતી. થોડાક સમય માટે તેમણે વિખ્યાત સંગીતમર્મજ્ઞ પંડિત ગોપાલરાવજી તથા ઉસ્તાદ ગુલામ અબ્બાસ પાસેથી સંગીતની શિક્ષા લીધી હતી. વલ્લભ સંપ્રદાયના તે જમાનાના વિખ્યાત સંગીતકારો ગોસ્વામી શ્રી જીવનલાલ મહારાજ, ગોસ્વામી બાલકૃષ્ણજી મહારાજ તથા શ્યામલાલજી મહારાજના સંપર્કમાં રહીને તેમણે સંગીતનાં ત્રણેય અંગો – ગીત, વાદ્ય અને નૃત્યનું સમ્યક જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેઓ સંગીતની ધ્રુપદ, ખયાલ, ઠૂમરી, ટપ્પા જેવી સર્વ શૈલીઓના નિષ્ણાત હતા. તેઓ વૈષ્ણવ હવેલીઓ(મંદિરો)માં ગવાતાં કીર્તનો ધ્રુપદ સંગીતની શૈલીમાં આહલાદક રીતે ગાતા હતા.
1924માં લખનૌમાં ભરાયેલી સંગીત પરિષદમાં ચંદનજીને ‘સંગીત-સુધાકર’ની પદવી એનાયત થઈ હતી. તે જ વખતે ત્યાંના ગવર્નરે એમને સુવર્ણચંદ્રક અર્પણ કર્યો હતો તથા ‘સંગીતમાર્તંડ’ની ઉપાધિ બક્ષી હતી. અનેક રાજામહારાજાઓ તરફથી એમને ચંદ્રકો તથા પુરસ્કારો પ્રાપ્ત થયા હતા.
ચંદનજી પુષ્ટિમાર્ગના અનુયાયી હતા અને અષ્ટછાપ કવિઓનાં કીર્તનોમાં સમાયેલાં સાહિત્ય, ભાવ તથા રસનું અદભુત દર્શન એમના સંગીતમાં થતું હતું.
બટુક દીવાનજી