ચૌબે, પંડિત લક્ષ્મણપ્રસાદ

January, 2012

ચૌબે, પંડિત લક્ષ્મણપ્રસાદ (જ. 1911 મથુરા; અ.?) : ધ્રુપદ અને ધમાર તથા વ્રજ-સંગીતની પરંપરાના વિખ્યાત ગાયક. તેર વર્ષની ઉંમરે તેમણે પંડિત લાલનજી ચૌબે પાસેથી શાસ્ત્રીય સંગીતની શિક્ષા લેવાની શરૂઆત કરી હતી. બે વર્ષ પછી તેમણે સંગીતની સઘન તાલીમ પોતાના મામા પંડિત ચંદનજી ચૌબે પાસેથી મેળવવાની શરૂઆત કરી હતી. ખયાલ ગાયકીની શિક્ષા તેમણે ગ્વાલિયર ઘરાણાના વિખ્યાત ગાયક પંડિત રાજાભૈયા પૂછવાલે પાસેથી લીધી હતી. ઠૂમરી ગાયનની તાલીમ તેમને ગણપતજી ચૌબે તથા બાબુ લક્ષ્મણદાસ પાસેથી પ્રાપ્ત થઈ હતી. તેમનો પ્રથમ સંગીતનો જલસો 1937માં થયો હતો. 1942થી આકાશવાણી પરથી અવારનવાર તેમના કાર્યક્રમો રજૂ થતા હતા. વૈષ્ણવ હવેલીઓમાં શ્રીકૃષ્ણની લીલાનાં ભજનો ગાવાની પ્રથા છે. તે ‘હવેલી સંગીત’ તરીકે ઓળખાય છે. લક્ષ્મણપ્રસાદજીએ તે પ્રમાણેની કીર્તનસેવા મુંબઈમાં માધવબાગના લક્ષ્મીનારાયણના મંદિરમાં ઘણાં વર્ષો સુધી આપી હતી.

ઈસરાજવાદનમાં પણ તેઓ નિપુણ હતા. તેનો અભ્યાસ તેમણે લાલનજી ચૌબે પાસે કર્યો હતો. ઠૂમરી-ગાયનની કલા તેમણે બનાસવાળા બાબુ લક્ષ્મણદાસ તથા ગણપતજી ચૌબે પાસેથી લીધી હતી.

બટુક દીવાનજી