ચેચન્યા : સામાન્ય રીતે ‘ચેચન્યા’ નામથી ઓળખાતું ચેચેન પ્રજાસત્તાક. ભૌગોલિક સ્થાન : તે 43° 20’ ઉ. અ. અને 45° 42’ પૂ. રે.ની આજુબાજુનો 15,300 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ઈચકેરિયા, ચેચેનિયા કે નૉક્સિયન નામોથી પણ ઓળખાય છે. તે ચારે બાજુ રશિયાઈ સમવાયતંત્રના પ્રદેશોથી ઘેરાયેલું છે. તેની ઉત્તર તરફ સ્તારવરોપોલ ક્રાઈ, પૂર્વ તરફ દાગેસ્તાન, દક્ષિણ તરફ જ્યૉર્જિયા, જ્યારે પશ્ચિમ તરફ ઉત્તર ઓસેટિયા અને ઇંગુશેતિયા આવેલાં છે. ગ્રોઝની તેનું પાટનગર છે. તે ઉત્તર કૉકેસસ પર્વતોના પૂર્વ ભાગમાં આવેલું છે, જોકે તેનો થોડોક ભાગ પૂર્વ યુરોપમાં પણ છે. તેની આબોહવા પૂર્વ યુરોપની આબોહવાને મળતી આવે છે. પર્વતમાળાની તળેટીની આબોહવા મધ્યમ પ્રકારની છે, ત્યાં વધુ વરસાદ પડે છે; બાકીનો કેટલોક ભાગ અર્ધશુષ્ક આબોહવા ધરાવે છે. અહીં તેરેક, સુંઝા અને અર્ગુન નદીઓ આવેલી છે.
2022 મુજબ ચેચન્યાની વસ્તી આશરે 15,16,882 જેટલી છે, તે પૈકી 34% વસ્તી શહેરી છે, જ્યારે 66% વસ્તી ગ્રામીણ છે. અહીંની સત્તાવાર મુખ્ય ભાષા ચેચેન અને રશિયન છે, લોકો મુખ્યત્વે ઇસ્લામ ધર્મ પાળે છે. મોટા ભાગના લોકો સુન્ની મુસ્લિમ છે. ગ્રોઝની, શાલી અને માર્ટન અહીંનાં મુખ્ય શહેરો છે.
ઇતિહાસ : ચેચન્યા પ્રદેશ પર રશિયાના ઝાર સૈનિકોએ 1834માં હુમલો કરીને કબજો મેળવ્યો ત્યારથી ચેચન્યાના લોકો અને રશિયા વચ્ચે રાજકીય સંઘર્ષ સતત ચાલતો રહ્યો છે. 1918માં રશિયામાં સામ્યવાદી ક્રાંતિ સફળ થયા બાદ ચેચન્યાની પ્રજાએ રશિયાના વર્ચસ્માંથી મુક્તિ મેળવી પોતાના પ્રદેશને સ્વતંત્ર જાહેર કર્યો; પરંતુ 1920માં બળનો ઉપયોગ કરીને સોવિયેત સંઘની નવી સરકારે ચેચન્યા પર ફરી પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું. 1934માં અલાયદા ચેચન્યા-ઇંગુશ ઓબ્લાસ્ટ(પ્રાંત)ની સ્થાપના કરવામાં આવી. 1936માં આ પ્રાંતને સ્વાયત્ત સોશિયાલિસ્ટ પ્રજાસત્તાક તરીકે જાહેર કરવામાં આવ્યો. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન ત્યાંની પ્રજાએ જર્મન આક્રમણખોરોને ટેકો આપ્યો એવું બહાનું કાઢીને 1944માં તેનું સ્વાયત્ત પ્રજાસત્તાક તરીકે વિસર્જન કરવામાં આવ્યું અને સોવિયેત સરકારના સીધા અંકુશ નીચે તે મુકાયું. 1957માં ફરી આ પ્રદેશને સ્વાયત્તતા બક્ષવામાં આવી તથા ગ્રોઝની નગરને નવા પ્રજાસત્તાકનું પાટનગર જાહેર કરવામાં આવ્યું.
1991માં સોવિયેત સંઘનું વિઘટન થતાં આ પ્રદેશના લોકોએ ફરી વાર પોતાના પ્રદેશને સ્વતંત્ર જાહેર કર્યો, જે મૉસ્કોથી શાસન કરતી રશિયાની યેલ્તસિનના નેતૃત્વ હેઠળની સરકારને ગમ્યું નહિ. 1991થી 1994ના અંત સુધી બંને વચ્ચે ઠંડું યુદ્ધ ચાલતું રહ્યું. સોવિયેટ સંઘના વિઘટન પછી સોવિયેટ લશ્કરે 1991માં જ્યારે ચેચન્યા ખાલી કર્યું ત્યારે તે બે લાખ જેટલાં શસ્ત્રો પાછળ મૂકતું ગયું હતું. ચેચન્યાની સરકારે તેના પર કબજો મેળવ્યો અને 1991–94 દરમિયાન એ શસ્ત્રોનો જ ઉપયોગ કરીને પોતાની સ્વાધીનતા ટકાવી રાખી. ડિસેમ્બર, 1994ના અંત સુધી બંને વચ્ચેનો સંઘર્ષ પરાકાષ્ઠાએ પહોંચ્યો અને છેવટે 31 ડિસેમ્બર 1994ના રોજ રશિયાના પ્રમુખ યેલ્તસિને જૉકાર દુદાએવના નેતૃત્વ હેઠળની ચેચન્યા સરકાર સામે ખુલ્લા સશસ્ત્ર આક્રમણની જાહેરાત કરી. આ નિર્ણય મૉસ્કોથી રશિયા પર શાસન કરતી સરકારની ‘આંતરિક સમિતિ’(kitchen cabinet)એ 8 વરિષ્ઠ સભ્યોની બનેલી પ્રેસિડેન્શિયલ કાઉન્સિલ, મંત્રીમંડળ તથા સંસદ આ ત્રણને અંધારામાં રાખીને લીધો હતો એવી તેના પર ટીકા કરવામાં આવી. પરિણામે આ બાબત અંગે રશિયાની સરકારમાં મતભેદ સર્જાયો એટલું જ નહિ; પરંતુ રશિયાના લશ્કરના વરિષ્ઠ નેતાઓએ પાટનગર ગ્રોઝની પરના આક્રમણ દરમિયાન નાગરિક વસ્તી પર હુમલા કરવાની ના પાડી. 31 ડિસેમ્બર, 1994ના રોજ સશસ્ત્ર આક્રમણની શરૂઆત થઈ ત્યારથી એક અઠવાડિયામાં 3,25,000 નાગરિકો ગ્રોઝની ખાલી કરીને અન્યત્ર જતા રહ્યા અને જનરલ દુદાએવને વફાદાર પાંચ હજાર સૈનિકો આક્રમણનો હિંમતભેર સામનો કરીને ચેચન્યાની સ્વાધીનતા માટેની લડત લડી રહ્યા હતા.
ખનીજતેલથી સમૃદ્ધ આ સ્વાયત્ત પ્રદેશ પર અંકુશ મેળવવાના પ્રયાસ રૂપે રશિયાએ ડિસેમ્બર, 1994માં ચેચન્યા પર આક્રમણ કર્યું; પરંતુ નબળી તાલીમ લીધેલા રશિયાના સૈનિકો ગેરીલા યુદ્ધમાં ફસાયા. જાન્યુઆરી, 1995માં તેમણે ચેચન પાટનગર ગ્રોઝની પર બૉમ્બવર્ષા શરૂ કરી. ત્યાંના એક લાખથી વધુ લોકો નાસી ગયા. રશિયાના સૈનિકોએ ગ્રોઝની કબજે કર્યું તે અગાઉ હજારો નાગરિકો માર્યા ગયા. શહેર ખંડિયેર થઈ ગયું. પાટનગરની દક્ષિણે આવેલા પર્વતોમાં મહિનાઓ સુધી લડાઈ ચાલી. 30મી જુલાઈએ રશિયા અને ચેચન્યાએ કરાર કર્યા. તે મુજબ રશિયાના સૈનિકો ક્રમશ: પાછા ખેંચી લેવા અને ચેચન્યામાં નવી ચૂંટણી યોજવી એવું નક્કી થયું; પરંતુ છૂટીછવાઈ લડાઈ ચાલુ રહી. એપ્રિલ, 1996માં પ્રજાસત્તાક ચેચન્યામાં રશિયન મિસાઇલથી બળવાખોર દળોનો નેતા જનરલ દુદાએવ મરણ પામ્યો. તેણે 1991થી ચેચન્યામાં સ્વતંત્રતાની ચળવળની આગેવાની લીધી હતી. ઑગસ્ટ, 1996માં ચેચન લડવૈયાઓએ ગ્રોઝનીમાં રશિયાના સૈનિકો પર અચાનક હુમલો કરી પાયમાલ થયેલા પાટનગર ગ્રોઝની પર પુન: કબજો મેળવ્યો. તે પછી રશિયાએ સખત બૉમ્બવર્ષા કરવા છતાં, ચેચન પાટનગર કબજે કરવામાં તેઓ નિષ્ફળ ગયા. રશિયાના પ્રમુખ પુતિને દાવો કર્યો કે અલ-કાયદાના આતંકવાદીઓ રશિયાથી છૂટા પડેલા પ્રાંત ચેચન્યામાં આતંકવાદીઓને ટેકો આપતા હતા. ઑક્ટોબર, 1999માં હુમલો કર્યા પછી રશિયાનું લશ્કર ચેચન્યામાં બે વર્ષ માટે આગળ વધી શક્યું નહિ. મે, 2001માં પુટિને જાહેર કર્યું કે રશિયાનું લશ્કર ચેચન્યામાંથી 1996ની જેમ ફરીથી પાછું ખેંચી લેવામાં આવશે; અને ત્યાં માત્ર પોલીસદળ રાખવામાં આવશે. ચેચન્યામાં 1999માં રશિયાએ ફરી વાર શરૂ કરેલા યુદ્ધમાં પણ માનવહાનિ થઈ હતી. પુતિને એપ્રિલ, 2002માં રાષ્ટ્રને કરેલા સંબોધનમાં ચેચન્યા રશિયાના કબજામાં હોવાનું જણાવ્યું; તેમ છતાં ચેચન ગામોમાં ઉગ્રવાદીઓને ઘેરી લેવા જતાં, આખું વર્ષ હિંસા ચાલુ રહી હતી. રશિયાનું લશ્કર માનવ-અધિકારોનું ઉલ્લંઘન કરીને જંગલી રીતે વર્તતું હતું. તેથી શાંતિમય મંત્રણા માટે કોઈ પ્રગતિ સાધી શકાઈ નહિ અને ઉભય પક્ષે હતાશા પ્રવર્તી. 19 ઑગસ્ટ, 2002ના રોજ ચેચન ગેરીલાઓએ રશિયાનું લશ્કરી હેલિકૉપ્ટર તોડી પાડ્યું. તે હેલિકૉપ્ટર એક ખાણમાં પડ્યું. તેમાં ધડાકા થયા અને બચાવના પ્રયાસો લગભગ અશક્ય થઈ ગયા હતા. તેમાં બેઠેલા સૈનિકોના પરિવારજનો અને કેટલાક નાગરિકો સહિત 120 જણ મરણ પામ્યા. રશિયાની સરહદે, જ્યોર્જિયાના પાનકિસી ગોર્જમાં ચેચન બળવાખોરો છુપાતા હોવાનો રશિયાના પ્રમુખ પુતિને આક્ષેપ કર્યો. ઘણા નિરીક્ષકોએ અનુમાન કર્યું કે રશિયાના ભ્રષ્ટ લશ્કરી અધિકારીઓ ચેચન બળવાખોરોને શસ્ત્રો વેચતા હતા. ઑગસ્ટ, 2003માં રશિયા–ચેચન્યા સરહદ નજીક, મોઝડોક શહેરના દવાખાનામાં થયેલા બૉમ્બધડાકામાં 50 લોકો માર્યા ગયા. આ કાર્ય ચેચન બળવાખોરોએ કર્યું હોવાનો શક હતો. રશિયાનાં લશ્કરી મથકો અને વાહનો પર 2003 દરમિયાન ચેચન ગેરીલાઓએ વારંવાર હુમલા કર્યા હતા. મે, 2003માં ચેચન્યામાં ચેચન અલગતાવાદી બળવાખોરોએ કરેલા બે આત્મઘાતી બૉમ્બધડાકામાં 75 લોકો માર્યા ગયા અને 200 કરતાં વધારે ઘવાયા હતા. ઈ. સ. 2004માં ચેચન અલગતાવાદીઓએ રશિયામાં કેટલાક આતંકવાદી હુમલા ચાલુ રાખ્યા; કારણ કે મંત્રણામાં નક્કી કરેલ ઉકેલ અમલમાં મૂકવો મુશ્કેલ હતો. ચેચન્યાને રશિયાના અંકુશમાંથી મુક્ત કરાવવા રશિયનો ઉપરના હિંસક હુમલા 2004માં ખૂબ વધી ગયા. 21 જૂન, 2004ના દિવસે આશરે 200 ચેચન લડવૈયાઓએ પડોશના રશિયન પ્રજાસત્તાક ઈનગુશેટિયામાં રશિયન સરકારી ઑફિસોમાં હુમલા કર્યા. આ હિંસક હુમલામાં અને રશિયાના વળતા હુમલામાં આશરે 100 લોકો માર્યા ગયા. 1 સપ્ટેમ્બર, 2004ના રોજ 32 આતંકવાદીઓએ ચેચન્યાની સરહદે દક્ષિણ રશિયાના બેસલાણ નગરની શાળા પર હુમલો કરી બાળકો સહિત 1200 લોકોને બાનમાં રાખ્યા. તેમણે માગણી કરી કે રશિયાની સરકાર ચેચન્યાને મુક્ત કરે અથવા રશિયન પ્રમુખ પુતિન સત્તાત્યાગ કરે. 3 સપ્ટેમ્બરના રોજ રશિયાની પોલીસે શાળા પર છાપો માર્યો. તેમાં 339થી વધારે લોકો માર્યા ગયા. 17મી સપ્ટેમ્બરના રોજ ચેચન્યાના જહાલ જૂથ શાહિદ બ્રિગેડના નેતા શામિલ બાસાએવે તે હુમલાની જવાબદારી સ્વીકારી. ઉત્તર કોકેસસમાં ઈ. સ. 2005માં વારંવારના આતંકવાદી હુમલામાં અનેક લોકો માર્યા ગયા. હિંસક બનાવો ચાલુ રહેવા છતાં રશિયાની સરકારે ચેચન્યામાં 27 નવેમ્બરના રોજ ચૂંટણી કરી. આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોએ તેનાં પરિણામોને ખામીવાળાં જણાવી સ્વીકાર્યાં નહિ. માર્ચ, 2005માં રશિયાતરફી દળોએ ચેચન્યાના અલગતાવાદી નેતા અસલાન માસખાદોવની હત્યા કરી. તેના મૃત્યુથી સંઘર્ષ વધુ તીવ્ર બન્યો. ચેચન્યાની છાયા-સરકાર(Shadow Government)ના પ્રમુખ અબ્દુલ ખાલીમ સદુલાયેવ 17 જૂન, 2006ના રોજ એક હુમલામાં માર્યા ગયા અને ચેચન છાયા-સરકારના ઉપપ્રમુખ શામિલ બાસાએવ 10 જુલાઈના રોજ માર્યા ગયા એમ રશિયાની સરકારે જાહેર કર્યું. 2009ના એપ્રિલમાં રશિયાએ જાહેર કર્યું કે અલગતાવાદી ચેચન્યા સામેની તેની લડાઈ પૂરી થઈ છે; તેમ છતાં તે પ્રદેશમાં આખું વર્ષ હિંસક બનાવો ચાલુ રહ્યા હતા. નવેમ્બર, 2009માં કોકેસસના એક મુસ્લિમ જૂથે બૉમ્બ નાંખીને સેન્ટ પીટર્સબર્ગ અને મૉસ્કો વચ્ચેની મુસાફર-ટ્રેન પાટા પરથી ઉથલાવી નાખી. તેમાં 26 લોકો મરણ પામ્યા.
રાજકારણ : 2000 સુધીમાં ગ્રોઝની લગભગ નાશ પામ્યું અને રશિયનોએ ત્યાં અન્યોને માટે પ્રવેશબંધી જાહેર કરી. જૂન, 2000માં પુતિનના આદેશથી ચેચન્યા પર રશિયન શાસન લાદવામાં આવ્યું; એથી બંને વચ્ચેનો સંઘર્ષ રોકવાનું અશક્ય બન્યું. નવેમ્બર, 2001માં રશિયા અને ચેચન્યા – બંનેના સુલેહકારો વચ્ચે પ્રથમ અધિકૃત મીટિંગ કરવામાં આવી. આ વાટાઘાટોને અંતે ચેચન્યા માટે નવું બંધારણ ઘોષિત કરાયું.
આ નવા બંધારણ અનુસાર ચેચન્યા રશિયા સાથે જોડાયેલું રહે પણ તેને પહેલાં કરતાં વધુ સ્વાયત્તતા આપવામાં આવશે તેમ નક્કી થયું. નવા ચેચન્યા પ્રજાસત્તાકને નવા પ્રમુખ અને પાર્લમેન્ટ અપાશે તેમ પણ તેમાં જણાવવામાં આવ્યું. આ સમગ્ર સૂચનો અંગે માર્ચ, 2003માં લોકપૃચ્છા (રેફરન્ડમ) યોજાઈ. તેમાં નવા બંધારણની તરફેણમાં 96 ટકા મત પડ્યા હતા, તો બીજી તરફ લોકપૃચ્છાના સંચાલન બાબતે મતભેદ પણ હતા. ઑક્ટોબર, 2003માં નવા પ્રમુખની ચૂંટણી થઈ જેમાં ક્રેમલિનનું સમર્થન ધરાવતા ઉમેદવાર અખમદ કાડ્યારૉવ ભારે બહુમતીથી વિજેતા બન્યા. મે, 2004માં આ પ્રમુખની હત્યા કરવામાં આવેલી. નવી ચૂંટણીમાં ક્રેમલિનનો ટેકો ધરાવતા અલુ અલ્ખાનૉવ વિજેતા બન્યા. નવેમ્બર, 2005માં પહેલી સંસદીય ચૂંટણીઓ યોજાઈ. આમ છતાં પ્રમુખીય હોદ્દા અંગે તણાવ ચાલતો જ રહ્યો. માર્ચ, 2005માં પ્રમુખ અસલાન માસ્ખાદોવની હત્યા કરવામાં આવી અને તેમના અનુગામી તરીકે અબ્દુલ-ખાલીમ સાડુલાયેવ જૂન, 2006માં હોદ્દા પર આવ્યા. આમ નવા બંધારણ છતાં ચેચન્યા રાજકીય સ્થિરતા ઊભી કરી શક્યું નથી; પરંતુ એ દિશાની મથામણ ચાલુ છે.
અલબત્ત, નવા બંધારણ સબબ તેના નીચલા ગૃહ પીપલ્સ ઍસેમ્બલી અને ઉપલા ગૃહ કાઉન્સિલ ઑવ્ રિપબ્લિકમાં યુનાઇટેડ રશિયા પક્ષને બહુમતી મળી હતી.
ચેચન્યા સામેના આ સંઘર્ષથી રશિયાની અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડશે એવું મનાય છે. તેમની ગણતરી મુજબ રશિયાની વાર્ષિક 350 અબજ ડૉલર જેટલી કુલ આંતરિક પેદાશ(GDP)ના 1 % જેટલા ખર્ચ ઉપરાંત રશિયાનો વિજય થાય તોપણ ચેચન્યાને ફરી બેઠું કરવા માટે રશિયાને 85 કરોડ ડૉલર જેટલો વધારાનો ખર્ચ કરવો પડશે અને જો રશિયા આ સંઘર્ષમાં વિજય હાંસલ ન કરી શકે તો તેના રાજકીય તથા લશ્કરી પ્રત્યાઘાતો તે દેશ માટે ઘણા વિપરીત નીવડશે એવું પણ નિરીક્ષકોનું માનવું છે.
ચેચન્યા પર આક્રમણ કરવાના પગલાના સમર્થનમાં યેલ્તસિને કહ્યું છે કે રશિયન પ્રજાસત્તાકની એકતા તથા અખંડિતતાનું રક્ષણ કરવાની જરૂર ઊભી થઈ છે. વળી તેમણે ચેચન્યામાં કેટલાંક સશસ્ત્ર ટોળાંએ સંગઠિત રીતે લૂંટફાટ કરી શાંતિપ્રિય પ્રજાને હેરાનપરેશાન કર્યાનો, 1991–93 દરમિયાન પેટ્રોલિયમ પદાર્થો પરના 30 કરોડ ડૉલર જેટલી રકમના મહેસૂલની ચોરી કર્યાનો તથા રશિયાની બૅન્કો સામે ઠગાઈ કરીને અબજો ડૉલરની રકમ દેશમાંથી બહાર લઈ ગયાનો આક્ષેપ કરેલો છે.
યેલ્તસિનની આ દલીલોના સંદર્ભમાં તટસ્થ રાજકીય નિરીક્ષકો એમ માને છે કે રશિયાના ચેચન્યા સામેના આ સશસ્ત્ર આક્રમણ પાછળનાં કારણો તદ્દન જુદાં છે : (1) સોવિયેટ સંઘના વિઘટન છતાં રશિયા હજુ પણ વિશ્વની એક મહાસત્તા છે તે યેલ્તસિન સાબિત કરવા માગે છે; (2) રશિયાનાં બાકીનાં 20 ઘટકરાજ્યોને બોધપાઠ ભણાવવાની તેની મુરાદ છે; (3) ચેચન્યાનાં તેલક્ષેત્રો રશિયાના કબજામાં રાખવાં છે; (4) ઇસ્લામી કટ્ટરવાદને ખાળવો છે; (5) ઍઝબાઇજાનમાંથી અન્યત્ર પેટ્રોલ લઈ જતી પાઇપલાઇન પર જંગી ખર્ચ કરતાં પહેલાં ચેચન્યાની સમસ્યાનો ઉકેલ લાવવાની આવશ્યકતા છે. આ પાઇપલાઇન ચેચન્યાના પ્રદેશને લગભગ સ્પર્શીને અન્યત્ર જાય છે તેને સુરક્ષિત રાખવામાં ન આવે તો રશિયાને તે ગંભીર હાનિ પહોંચાડે.
કેટલાક નિરીક્ષકો એમ પણ માને છે કે 1991–94નાં 4 વર્ષ દરમિયાન રશિયાની અર્થવ્યવસ્થા વેરવિખેર થઈ ગઈ હોવાથી પ્રજાનું અન્યત્ર ધ્યાન ખેંચવાનો યેલ્તસિનનો આ પ્રયાસ છે. આ 4 વર્ષ દરમિયાન રશિયાની રાષ્ટ્રીય આવકમાં 50 % જેટલો ઘટાડો થયો હતો. આ રાજકીય નિરીક્ષણની નોંધ લેવી જોઈએ.
ગિરીશભાઈ પંડ્યા
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
જયકુમાર ર. શુક્લ
રક્ષા મ. વ્યાસ