ચૅલ્ડિયન સમ્રાટો : સેમિટિક જાતિના શાસકો. તેઓ શરૂઆતમાં ઈરાની અખાત પાસે વસતા, પરંતુ તે પછી ત્યાંથી ખસીને યુફ્રેટીસ તથા ટાઇગ્રિસ નદીઓ વચ્ચેના ફળદ્રુપ પ્રદેશ(જે પહેલાં મેસોપોટેમિયા તરીકે અને અત્યારે ઇરાક તરીકે ઓળખાય છે)માં દક્ષિણ બૅબિલોનમાં વસ્યા. અહીં તેમના નેબોપોલેસાર નામના સેનાપતિએ સ્વતંત્ર ચૅલ્ડિયન રાજ્યની સ્થાપના કરી. તેણે મીડિયાના લોકોનો સાથ લઈને ઈ. પૂ. 606માં આ પ્રદેશમાં બળવાન ગણાતા આસીરિયનોને હરાવ્યા તથા સમગ્ર બૅબિલોનિયા ઉપર પોતાની સત્તા સ્થાપી. તેણે આસીરિયનોના પાટનગર નિનિવેનો નાશ કર્યો અને પ્રાચીન બૅબિલોન શહેરને પોતાની રાજધાની બનાવી.
તેના પછી સત્તા ઉપર આવેલો તેનો પુત્ર નેબુકદનેઝર (ઈ. પૂ. 604–562) ઘણો શક્તિશાળી અને સામ્રાજ્યવાદી હતો. બાઇબલમાં તેને અત્યંત ક્રૂર વિજેતા તરીકે ચીતરવામાં આવ્યો છે, કારણ તેણે યહૂદીઓના મુલક જુડિયા ઉપર ત્રણ વખત ચડાઈ કરી યહૂદીઓ ઉપર ઘણો ત્રાસ ગુજાર્યો હતો. ઈ. પૂ. 586માં તેણે જેરૂસલેમને ખેદાનમેદાન કર્યું અને ઘણા યહૂદીઓને પોતાની સાથે કેદ પકડી બૅબિલોન લઈ ગયો. બાઇબલમાં આ બનાવ ‘બૅબિલોનિયન કૅપ્ટિવિટી’ તરીકે વર્ણવાયો છે. આ પછી નેબુકદનેઝરે ઇજિપ્તને જીતી લીધું. તેની પછીના સમ્રાટો નબળા હતા, તેથી તેના વંશનો ઘણો જલદી અંત આવ્યો.
ચૅલ્ડિયન સમ્રાટો આપખુદ અને સામ્રાજ્યવાદી હતા, પરંતુ તે સાથે તે કલાપ્રિય પણ હતા. તેમણે ખાસ કરીને સ્થાપત્યકલાને ઉત્તેજન આપ્યું. તેમણે પાટનગર બૅબિલોનને ભવ્ય બાંધકામોથી શણગાર્યું હતું. સમ્રાટ નેબુકદનેઝરે બૅબિલોનના પુરાણા (મર્દુક વગેરે) દેવતાઓનાં મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો; તે ઉપરાંત તેણે ઝીગુરાત દેવનું 197.6 મી. ઊંચું 7 માળવાળું ભવ્ય મંદિર બંધાવ્યું, યુફ્રેટીસ નદી ઉપર પુલો બંધાવ્યા (જેથી વેપાર અને વાહનવ્યવહારનો વિકાસ થયો). બૅબિલોન શહેરની ફરતો વિશાળ કિલ્લો બંધાવ્યો અને પોતાની ઈરાની રાણીના મનને આનંદમાં રાખવા માટે મહેલોનાં છાપરાં ઉપર ‘ઝૂલતા બગીચા’ બનાવ્યા, જેને પ્રાચીન ગ્રીકો પ્રાચીન દુનિયાની 7 અજાયબીઓમાંની એક ગણતા.
વળી, તેમના ઉત્તેજનથી વિજ્ઞાનના ક્ષેત્રે વૈદકશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનો વિકાસ થયો. તેમના સમયમાં મંદિરોનો વેધશાળા તરીકે ઉપયોગ થતો અને દરેક પૂજારી ખગોળશાસ્ત્રીનું કામ કરતો. પ્રાચીન સમયમાં પ્રત્યક્ષ અવલોકન ઉપર આધારિત એક પદ્ધતિસર શાસ્ત્ર તરીકે ખગોળશાસ્ત્રનો પાયો નાખવાનું શ્રેય આ ચૅલ્ડિયન ખગોળશાસ્ત્રીઓને ફાળે જાય છે. એ જ પાયા ઉપર પાછળથી ગ્રીકોએ ખગોળશાસ્ત્રનો વિકાસ કર્યો હતો. આ ઉપરાંત પૂજારીઓ અંક ઉપરથી અને શુકન કે નિશાનીઓ ઉપરથી ભાવિ વિશે આગાહી કરતા, જેના ઉપરથી પાછળથી અંક-જ્યોતિષ અને શુકનશાસ્ત્રનો વિકાસ થયો.
દેવેન્દ્ર ભટ્ટ