ચેર્સ્કોગો પર્વતમાળા : સોવિયેટ રશિયાના પૂર્વ તરફના યાકુત તથા મેગાદાન વહીવટી વિભાગમાં આશરે 55° 10’ ઉ. અક્ષાંશવૃત્ત તથા 108° 52’ પૂ. રેખાંશવૃત્ત પર આવેલી પર્વતમાળા. તે પશ્ચિમે વર્ખોયાન્સ્ક પર્વતમાળા સાથે જોડાયેલી છે. આ હારમાળા, વાયવ્યથી અગ્નિ દિશામાં આશરે 1000 કિમી. લાંબી છે. આમ છતાં, ઘસારાનાં પરિબળોને લીધે તે અનેક જગ્યાએ ખંડિત થયેલી છે. તેનાં શિખરો લગભગ 3000 મી.ની ઊંચાઈ સુધીનાં છે અને કાયમ બરફથી ઢંકાયેલાં રહે છે. આ પૈકી ગોરા પોબેડા નામનું સર્વોચ્ચ શિખર 3149 મી. ઊંચું છે. આ પર્વતમાળામાં અંત:કૃત અગ્નિકૃત ખડકો, સીસું, જસત, સોનું, મૉલિબ્ડેનમ, કોલસો વગેરે અનેક પ્રકારનાં ખનિજો આવેલાં છે. આ પર્વતમાળામાં કોલીમા તથા ઇન્ડિગિર્કા નદીઓ ઊંડાં કોતરોમાં વહે છે અને તેમના માર્ગમાં સંખ્યાબંધ જળપ્રપાત જોવા મળે છે. ઉત્તરના પર્વતાળ ભાગો ગાઢાં શંકુદ્રુમ જંગલોવાળા છે. દક્ષિણના ભાગો વિવિધ પ્રકારનાં વૃક્ષો, ઝાંખરાં વગેરેથી છવાયેલાં આછાં જંગલોવાળા છે.

બીજલ પરમાર