ચૂંટણી : લોકશાહી શાસનપદ્ધતિમાં મતદારો દ્વારા પ્રતિનિધિઓને પસંદ કરવાની પ્રક્રિયા. આધુનિક સમયમાં ‘લોકોની, લોકો દ્વારા ચાલતી અને લોકોને જવાબદાર એવી સરકાર’ એમ જ્યારે લોકશાહીની વ્યાખ્યા આપવામાં આવે છે ત્યારે તેમાં પ્રતિનિધિઓની મતદારો દ્વારા થતી પસંદગી અથવા ચૂંટણી અભિપ્રેત છે. આધુનિક સમયમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં સીધી સામેલગીરી કે પ્રત્યક્ષ લોકશાહી શક્ય નથી. પરોક્ષ અથવા પ્રાતિનિધિક લોકશાહીમાં નિશ્ચિત સમયના અંતરે મતદારો પ્રતિનિધિઓને પસંદ કરે અથવા તેમાં ફેરફાર કરે, એ પ્રક્રિયાને ચૂંટણી કહી શકાય. આમ, પરોક્ષ અથવા પ્રાતિનિધિક લોકશાહીની વ્યાખ્યામાં જ ચૂંટણી અભિપ્રેત છે. લોકશાહી શાસનપદ્ધતિમાં ચૂંટણી મહત્વની ભૂમિકા ભજવે છે.

પ્રથમ તો, ચૂંટણી શાસનકર્તાઓને પસંદ કે નાપસંદ કરવાનું તથા તેમની ફેરબદલ કરવાનું શાંત, બંધારણીય અને અહિંસક સાધન છે. નિશ્ચિત સમયને અંતરે મતદારો પોતાના પ્રતિનિધિઓને પસંદ કરે છે. તેમનાં કાર્યોનું મૂલ્યાંકન કરે છે તથા એમને અથવા એમના સ્થાને બીજાઓને ચૂંટે છે. ચૂંટણી લોકશાહીને ચરિતાર્થ કરતી એક રાજકીય પ્રક્રિયા છે. લોકશાહી જ એવી શાસનપદ્ધતિ છે, જેમાં સત્તાનો આધાર અથવા દાવો કોઈ ગુણવિશેષમાં નહિ પણ સંખ્યા પાસે છે. કુળવાન કુટુંબમાં જન્મ, સંપત્તિ, વિદ્યા અથવા જ્ઞાન, શારીરિક બળ જેવા સત્તાના અન્ય દાવાને સ્થાને સામાન્ય લોકોના (સંખ્યાના) દાવાને સત્તાસ્થાને સ્થાપવાની ભૂમિકા ચૂંટણી બજાવે છે. આમ, સમાજના રાજકીય સત્તામાળખામાં ધરખમ ફેરફારો કરવાની કામગીરી ચૂંટણી દ્વારા શક્ય બને છે.

ચૂંટણી સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં પ્રવર્તતા લોકમતની આધારપાત્ર પારાશીશીની ભૂમિકા ભજવે છે. દેશના વિવિધ પ્રશ્નો અને એ માટેના ઉકેલો જુદા જુદા રાજકીય પક્ષો ચૂંટણી ટાણે લોકો સમક્ષ રજૂ કરે છે. લોકો મત દ્વારા એ પરત્વે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. આમ, અમુક ચોક્કસ સમયે ચૂંટણી સમાજમાં પ્રવર્તતા લોકમતનું પ્રતિબિંબ પાડે છે.

ચૂંટણી સામાન્ય લોકોને રાજકારણમાં સક્રિય રસ લેતા કરે છે, એમનું રાજકીયીકરણ કરે છે અને રાજકીય પ્રથામાં તેમની ભાગીદારી અંકે કરવાની ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે રાજકારણથી અસ્પૃષ્ટ રહેતા વિવિધ લોકસમૂહોને રાજકીય પ્રવાહમાં ખેંચી આણવાનું અને એ દ્વારા એમને એમની રાજકીય શક્તિથી સભાન કરવાનું કામ ચૂંટણી બજાવે છે.

ચૂંટણી લોકશાહી શાસનપદ્ધતિને લોકસ્વીકૃતિ (legitimacy) અર્પે છે. ચૂંટણીમાં મતદાનની ટકાવારી એ લોકશાહી પ્રથામાં લોકસમર્થનનું એક માપ રજૂ કરે છે. લોકશાહી શાસનપદ્ધતિમાં શાસનકર્તાઓ અથવા તેમનો પક્ષ જે સત્તા ભોગવે છે, તેનું કારણ લોકોએ તેમને તે કામ માટે પસંદ કર્યા છે, એ છે. આમ, ચૂંટણી રાજકીય સત્તાને ઔચિત્ય અને સ્વીકૃતિ પ્રદાન કરે છે.

ચૂંટણી લોકશાહીમાં રાજકીય સત્તાને એક બૌદ્ધિક (rational) અથવા દુન્યવી (secular) આધાર પૂરો પાડે છે. મતદારો અને પ્રતિનિધિઓ વચ્ચે એક પ્રકારનો કરારમૂલક (contractual) સેતુ ચૂંટણી ટાણે સ્થપાય છે. ઉમેદવારો અને રાજકીય પક્ષો ચૂંટણીઢંઢેરા બહાર પાડે છે અને ‘અમને મત આપશો તો અમે આટલું કરીશું’ એવો પ્રચાર કરે છે. નીતિઓ અને કાર્યક્રમો માટે મત માગવામાં આવે છે અને એ નીતિ અને કાર્યક્રમોનો અમલ થશે, એ અપેક્ષાએ મતદારો મત આપે છે.

તત્કાળ ધ્યાન આપવું પડે અને ઉકેલ લાવવો પડે એવી આર્થિક-સામાજિક-રાજકીય સમસ્યાઓ પરત્વે લોકોને સભાન અને ઉદ્યુક્ત કરવાની પ્રક્રિયા ચૂંટણી દ્વારા થાય છે.

ચૂંટણી રાજકીય અગ્રવર્ગોની પસંદગી તેમજ ફેરબદલીની કામગીરી બજાવે છે. રાજકારણમાં નવા ચહેરાઓનું આગમન અને જૂના નેતાઓની વિદાય – આ બંને કાર્ય ચૂંટણી થકી થાય છે. સત્તાનું કેન્દ્રીકરણ કે ઇજારો અમુક જ પક્ષ, વ્યક્તિ કે નેતામાં ન થાય એ જોવાનું કામ પણ ચૂંટણી બજાવે છે.

પ્રતિનિધિઓને ચૂંટવાના અથવા પસંદ કરવાના હકને મતાધિકાર કહેવામાં આવે છે. જે નાગરિકો આવો હક ધરાવે છે, તેમને મતદારો કહેવામાં આવે છે. રાજ્યમાં રહેતી બધી જ વ્યક્તિઓને મતાધિકાર હોતો નથી. મતાધિકારનો આધાર શો હોવો જોઈએ, એ વિશે જુદા જુદા મત પ્રવર્તે છે. પણ હવે મોટા ભાગના લોકશાહી દેશોમાં એવું સ્વીકારાયું છે કે પુખ્તવયના દરેક નાગરિકને અન્ય કોઈ ભેદભાવ વિના મતાધિકાર હોવો જોઈએ. આ પ્રથાને ‘સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર’(universal adult franchise)ની પ્રથા કહેવામાં આવે છે. જોકે કેટલાક વિદ્વાનોએ આ પ્રથાની ટીકા કરી છે. અમુક ઉંમરે વ્યક્તિ પહોંચે એટલે એને આપોઆપ મત આપવાનો હક પ્રાપ્ત થઈ જાય, એ બરાબર નથી. જેઓ સમજી-વિચારીને મત આપી શકે તેમ હોય તેમને જ મતાધિકાર હોવો જોઈએ એમ તેઓ માને છે. શિક્ષણની લઘુતમ જરૂરિયાતને એક લાયકાત તરીકે મતાધિકાર માટે રાખવી જોઈએ, એમ કેટલાક માને છે. કેટલાક મિલકતને એક જરૂરી લાયકાત ગણે છે. કેટલાક તો સ્ત્રીઓને મતાધિકાર ન હોવો જોઈએ એમ પણ માનતા હતા. સ્વિટ્ઝર્લૅન્ડ જેવા લોકશાહી દેશમાં તો 1970 સુધી સ્ત્રીઓને મતાધિકાર ન હતો પણ હાલ બધા લોકશાહી દેશોમાં માત્ર ઉંમરની લાયકાતને આધારે મતાધિકાર આપવામાં આવે છે.

કઈ ઉંમર મતાધિકાર માટે યોગ્ય ગણાય, એ વિશે જુદા જુદા મત પ્રવર્તે છે. સામાન્ય રીતે, 18 વર્ષથી માંડીને 25 વર્ષ સુધીની ઉંમર મતાધિકાર માટે યોગ્ય ગણવામાં આવે છે. ભારતમાં અગાઉ મતાધિકાર માટેની વય 21 વર્ષ હતી, તે ઘટાડીને હવે 18 વર્ષની કરવામાં આવી છે (62મો બંધારણીય સુધારો, 1988). બંધારણની એક જ કલમથી ભારતમાં સાર્વત્રિક પુખ્તવયમતાધિકાર દાખલ કરવામાં આવ્યો છે, એ એક ગૌરવપ્રદ સિદ્ધિ કહેવાય.

હાલ મોટા ભાગના લોકશાહી દેશોમાં ભૌગોલિક અથવા પ્રાદેશિક પ્રતિનિધિત્વના સિદ્ધાંતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. દેશ અથવા રાજ્યને બને ત્યાં સુધી સરખા પ્રાદેશિક વિભાગોમાં વહેંચી દેવામાં આવે અને એમાં વસવાટ કરતા મતદારો પોતાના પ્રતિનિધિઓને ચૂંટી કાઢે – એ પ્રથાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આમ છતાં, કેટલાક દેશોમાં વિશિષ્ટ સમૂહના પ્રતિનિધિઓ અમુક પ્રમાણમાં એ સમૂહના લોકો દ્વારા ચૂંટાય, એવી પદ્ધતિ અપનાવવામાં આવે છે.

પ્રાદેશિક પ્રતિનિધિત્વની પ્રથા હેઠળ એકસભ્ય મતવિભાગ અને બહુસભ્ય મતવિભાગ – એમ બે પ્રકારની પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. જે મત-વિભાગમાંથી એક જ પ્રતિનિધિ ચૂંટાય, એને એકસભ્ય મતવિભાગની પદ્ધતિ કહેવામાં આવે છે. જે મતવિભાગમાંથી એક કરતાં વધારે સભ્યો ચૂંટાતા હોય તેને બહુસભ્ય મતવિભાગની પદ્ધતિ કહેવામાં આવે છે. ભારતમાં રાજ્યોની વિધાનસભાઓ અને લોકસભા માટે એકસભ્ય મતવિભાગની પદ્ધતિ અપનાવવામાં આવી છે, જ્યારે નગરપાલિકા અને મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી માટે, સામાન્ય રીતે બહુસભ્ય મતવિભાગની પદ્ધતિ અપનાવવામાં આવે છે.

પ્રતિનિધિઓ મતદારો દ્વારા સીધેસીધા ચૂંટાય કે પરોક્ષ રીતે, એ ર્દષ્ટિએ ચૂંટણીપદ્ધતિના મુખ્ય બે પ્રકારો છે. ચૂંટણીની પ્રત્યક્ષ પદ્ધતિ હેઠળ મતદારો ચૂંટણીમાં સ્વયં ભાગ લે છે. મતદાનમથકે જઈ પોતાની પસંદગીના ઉમેદવારોને તેઓ પોતે મત આપે છે અને આ રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકારની શાસનધુરા સંભાળે છે. આધુનિક સમયમાં લગભગ બધા જ વિકસિત દેશોમાં પ્રતિનિધિઓની ચૂંટણી પ્રત્યક્ષ ધોરણે કરવામાં આવે છે. અમેરિકાની પ્રતિનિધિસભા (House of Representatives), ઇંગ્લૅન્ડની આમસભા (House of Commons) તથા ભારતની લોકસભા(House of People)ની ચૂંટણી તથા ઘટક રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી પ્રત્યક્ષ પદ્ધતિએ કરવામાં આવે છે.

પરોક્ષ પદ્ધતિમાં મતદારો શાસનધુરા સંભાળનારા પ્રતિનિધિઓને સીધેસીધા ચૂંટતા નથી. મતદારો દ્વારા શાસનધુરા સંભાળનારા પ્રતિનિધિઓની ચૂંટણી થાય છે. આમ મધ્યવર્તી મતદારોનું ‘મતદારમંડળ’ રચાય છે, જે કાં તો ધારાસભાના સભ્યોની કે કારોબારીના સભ્યોની ચૂંટણી કરે છે. ભારતમાં ઘટક રાજ્યોની વિધાન-પરિષદો અને કેન્દ્ર કક્ષાએ રાજ્યસભાની તેમજ રાષ્ટ્રપ્રમુખ અને ઉપ-રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પરોક્ષ પદ્ધતિએ કરવામાં આવે છે.

પ્રત્યક્ષ અથવા સીધી ચૂંટણીની પદ્ધતિમાં જે ઉમેદવારને સૌથી વધુ મત (બહુમતી મત નહિ) મળ્યા હોય એ ચૂંટાયેલ જાહેર થાય છે. એક મતવિભાગમાં ધારો કે 5 ઉમેદવારો ઊભા રહ્યા છે. તેમાં એક ઉમેદવારને 26 % મત મળે અને બીજા ઉમેદવારોમાંથી કોઈને 24 %, કોઈને 23 %, કોઈને 17 % અને કોઈને 10 % મત મળે તોપણ જેને 26 % મત મળ્યા છે, તે ઉમેદવાર ચૂંટાયેલો જાહેર થાય છે. આમાં વિસંગતિ એ ઊભી થાય છે કે મતવિભાગના 74 % મતદારોએ જેને પસંદ કર્યો નથી, એ ઉમેદવાર ચૂંટાયેલ જાહેર થાય છે અને તે તેમનો પ્રતિનિધિ બને છે.

આવું જો મોટા ભાગના મતવિભાગો અથવા ઘણાબધા મતવિભાગોમાં થાય તો જે પક્ષને લઘુમતી મતો મળ્યા હોય એ પક્ષ બહુમતી બેઠકો મેળવે. આ પદ્ધતિમાં મતના પ્રમાણમાં કાં તો વધારે અથવા ઓછી બેઠકો મળે એવી શક્યતા રહેલી છે. એના કારણે મત-બેઠકની વિસંગતિ ઊભી થાય છે.

આવું ન થાય અને મળેલ મતોના પ્રમાણમાં પક્ષોને બેઠકો મળે, એવી પદ્ધતિ તે પ્રમાણસર પ્રતિનિધિત્વની પદ્ધતિ છે. લઘુમતીઓને એમના મતના પ્રમાણમાં બેઠકો પ્રાપ્ત થાય એવી સગવડ આ પદ્ધતિમાં છે. પણ આ માટે બહુસભ્ય મતવિભાગની પદ્ધતિ અપનાવવી પડે. એક મતવિભાગમાંથી ઓછામાં ઓછા 3 પ્રતિનિધિઓની પસંદગી કરવામાં આવે. દરેક મતદારને જેટલા પ્રતિનિધિઓ ચૂંટવાના હોય એટલા મત આપવાનો અધિકાર હોવો જોઈએ. ચૂંટાઈ આવવા માટે ઉમેદવારે જરૂરી ક્વૉટા જેટલા મત મેળવેલા હોવા જોઈએ. જેટલા ઉમેદવારો ચૂંટવાના હોય તે સંખ્યાથી કુલ મતને ભાગી નાખતાં જે આંકડો આવે તે ક્વૉટા ગણાય. આ પદ્ધતિમાં ક્યારેક ઉમેદવારને પસંદગીનો ક્રમ આપવાની પદ્ધતિનો સ્વીકાર કરવામાં આવે છે, જેમાં મતદાર ઉમેદવારની સામે પોતાની પસંદગીનો ક્રમ ‘એકડો’, ‘બગડો’, ‘ત્રગડો’ – એમ દર્શાવી શકે છે. જેટલા ઉમેદવારો ચૂંટવાના હોય, પસંદગીના એટલા ક્રમનંબર દર્શાવી શકાય. જે ઉમેદવારને ક્વૉટા જેટલા પહેલી પસંદગીના મત પ્રથમ પ્રાપ્ત થાય, તે ચૂંટાયેલ જાહેર થાય છે.

પ્રમાણસર પ્રતિનિધિત્વની બીજી પદ્ધતિ એવી છે, જેમાં દરેક રાજકીય પક્ષ ચૂંટણી અગાઉ, મતવિભાગમાંથી જેટલા ઉમેદવારો ચૂંટવાના હોય એટલી સંખ્યામાં સભ્યોની એક યાદી બહાર પાડે છે. ચૂંટણીમાં મતદાર વૈયક્તિક ઉમેદવારને મત આપતો નથી, પણ બહાર પાડવામાં આવેલી પક્ષની યાદીને મત આપે છે. (અલબત્ત, યાદીમાં ક્રમાનુસાર મુકાયેલા ઉમેદવારો તેના ધ્યાનમાં હોય છે.) આ મતોના પ્રમાણમાં જે તે પક્ષના ઉમેદવારો ચૂંટાયેલા જાહેર થાય છે.

પ્રમાણસર પ્રતિનિધિત્વની આ બંને પદ્ધતિઓમાં મળેલ મત અને જીતેલ બેઠકો વચ્ચેનું પ્રમાણ એકંદરે સચવાઈ રહે છે અને મત-બેઠક-વિસંગતિની સમસ્યા ઊભી થતી નથી. યુરોપના કેટલાક દેશોમાં, જેમ કે સ્વિટ્ઝર્લૅન્ડ, બેલ્જિયમ, નેધરલૅન્ડ્ઝ, નૉર્વે, સ્વીડન, ડેન્માર્ક અને જર્મનીમાં પ્રમાણસર પ્રતિનિધિત્વની પદ્ધતિઓ થોડાઘણા ફેરફારો સાથે અપનાવવામાં આવી છે. ભારતમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમજ રાજ્યસભાની ચૂંટણીમાં પ્રમાણસર પ્રતિનિધિત્વની પદ્ધતિ અપનાવવામાં આવી છે.

જુદી જુદી ચૂંટણીપદ્ધતિઓના આગવા લાભ-ગેરલાભ છે. દેશનાં કદ અને વસ્તી, મતદારોના શિક્ષણની માત્રા, કેટલાક વિશિષ્ટ સંજોગો અને વિવિધ જરૂરિયાતોના સંદર્ભમાં કઈ ચૂંટણીપદ્ધતિ અપનાવવી એનો નિર્ણય કરવામાં આવે છે. ઉમેદવારોને પસંદ કરવામાં અને મતગણતરી કરવામાં સરળતાની ર્દષ્ટિએ ઘણાખરા દેશોમાં પ્રતિનિધિઓની પસંદગી માટે એક-સભ્ય મતવિભાગ અને પ્રત્યક્ષ એટલે કે ‘જે સૌથી વધુ મત મેળવે, એ ચૂંટાયેલ ગણાય’ એવી સાદી ચૂંટણીપદ્ધતિ સ્વીકારવામાં આવી છે.

ભારતમાં ચૂંટણીતંત્ર અને ચૂંટણી : આધુનિક સમયમાં ચૂંટણી વિના લોકશાહીનો વિચાર કરવો શક્ય નથી. પણ માત્ર ચૂંટણી યોજાતી હોય એટલે લોકશાહી સ્થપાઈ જાય છે, એવું નથી. ચૂંટણી મુક્ત અને યોગ્ય હોય તો જ સાચા અર્થમાં લોકશાહી ચરિતાર્થ થઈ શકે. ચૂંટણી નિષ્પક્ષપણે, ધારાસભા કે કારોબારીના પ્રભાવથી મુક્ત રહીને યોજાય એ અત્યંત જરૂરી છે. આ માટે ભારતમાં ચૂંટણીપંચની જોગવાઈ બંધારણ દ્વારા કરવામાં આવી છે.

સંઘ અને ઘટકરાજ્યોની ચૂંટણી એ સંઘયાદીનો વિષય છે, જ્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, જેમ કે મ્યુનિસિપલ કૉર્પોરેશનો, નગરપાલિકાઓ તથા ત્રણ સ્તરની પંચાયતોની ચૂંટણી રાજ્યયાદીનો વિષય છે.

ભારતે સાર્વત્રિક પુખ્તવયમતાધિકારનો સ્વીકાર બંધારણ થકી જ કર્યો છે. 18 વર્ષ કે એથી વધુ વય ધરાવતા દરેક નાગરિકને જ્ઞાતિ, જાતિ, ધર્મ, રંગ, લિંગ, પ્રદેશ, શિક્ષણ, મિલકત, સામાજિક સ્થાન અથવા દરજ્જા કે એવા કોઈ ભેદભાવ સિવાય મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

ચૂંટણીપંચ : ભારતમાં સંઘ અને રાજ્ય કક્ષાએ ચૂંટણી યોજવા, તેને અંગે માર્ગદર્શન આપવા અને તેનું નિયમન કરવા માટે બંધારણની કલમ 324થી 329 દ્વારા ચૂંટણી-પંચની જોગવાઈ કરવામાં આવી છે. દેશવ્યાપી ચૂંટણીનું  દેશમાં યોજાતી કેન્દ્ર અને રાજ્ય સરકારોની ચૂંટણીનું સમગ્ર તંત્ર ચૂંટણી-પંચ સંભાળે છે. ચૂંટણી-પંચના સભ્યો, મુખ્ય ચૂંટણી-કમિશનર અને જરૂર જણાય તો અન્ય સભ્યોની નિમણૂક કરવાની સત્તા રાષ્ટ્રપતિની છે. ચૂંટણી-પંચના સભ્યોની નિષ્પક્ષતા અને સ્વતંત્રતા જળવાય એ સારુ બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિને દૂર કરવા જે કાર્યવહી જોગવવામાં આવી છે, એવી કાર્યવહીને અનુસરીને જ મુખ્ય ચૂંટણી-કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાય. મુખ્ય ચૂંટણી-કમિશનરની ભલામણ સિવાય અન્ય કમિશનરોને હોદ્દા પરથી દૂર કરી શકાય નહિ. મુખ્ય ચૂંટણી-કમિશનર અને અન્ય સભ્યોનાં પગાર, ભાડાંભથ્થાં તથા તેના સ્ટાફના અન્ય ખર્ચાની રકમ ભારતની સંચિતનિધિમાંથી ઉપાડવામાં આવે છે અને તે રકમ સંસદીય મતને અધીન નથી. ચૂંટણી-પંચના સભ્યોના પગાર, તેમનાં ભથ્થાં, કામકાજની શરતો વગેરેમાં તેમના હોદ્દાની મુદત દરમિયાન, તેમને નુકસાન થાય એ રીતે ફેરફાર કરી શકાતો નથી. બંધારણીય જોગવાઈઓમાં ‘સ્વાયત્તતા’ શબ્દ ગેરહાજર હોવા છતાં ચૂંટણી-પંચની કામગીરી સ્વાયત્ત રહી છે. તે કાયમી ધોરણે અસ્તિત્વ ધરાવે છે. ઑક્ટોબર, 1993થી મુખ્ય ચૂંટણી-કમિશનર સાથે અન્ય બે ચૂંટણી-કમિશનરો નીમવાની પ્રથાનો આરંભ થયો. વર્તમાનમાં પંચ કમિશનરોની આ ત્રિમૂર્તિ દ્વારા કામ કરે છે. આ જોગવાઈને અદાલત સમક્ષ પડકારવામાં આવી ત્યારે પાંચ ન્યાયાધીશોની ખંડપીઠે આ જોગવાઈનું પૂર્ણ સમર્થન કર્યું. તેમના હોદ્દાની મુદત છ વર્ષ અથવા 65ની વયને અધીન હોય છે. રાજ્યકક્ષાના ચૂંટણી-અધિકારીનું સ્થાન પણ આ જ રીતે સ્પષ્ટ કરાયું છે. તેમની નિમણૂકમાં રાજ્યસરકાર ચૂંટણી-પંચની સલાહ લે છે. 1992ના કાયદાથી રાજ્યોના ચૂંટણી-અધિકારીઓની અન્ય સરકારી કામગીરી પ્રતિબંધિત કરવામાં આવી છે.

ચૂંટણી-પંચ નીચે મુજબનાં કાર્યો કરે છે :

(1) સંસદ અને રાજ્યોની ધારાસભાઓની ચૂંટણીઓ માટેની તેમજ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની મતદારયાદીઓ તૈયાર કરવાનું.

(2) દરેક ઘટકરાજ્ય અને સંઘશાસિત વિસ્તાર માટે મુખ્ય ચૂંટણી અધિકારી અને જરૂરી બીજા અધિકારીઓની નિમણૂક કરવાનું.

(3) સંસદ અને ઘટકરાજ્યોની ધારાસભાઓની સામાન્ય ચૂંટણી, પેટા ચૂંટણી વગેરે યોજવાનું, તે પર દેખરેખ રાખવાનું, તેમના પર અંકુશ રાખવાનું અને ચૂંટણી મુક્ત અને યોગ્ય રીતે થાય એ જોવાનું.

(4) ચૂંટણીનાં સમય અને તારીખો નક્કી કરવાનું અને તે સંબંધી જરૂરી જાહેરનામાં બહાર પાડવાનું.

(5) ચૂંટણી સંબંધી તકરારોનું નિવારણ કરવાનું, ચૂંટણીખર્ચ અંગેના હિસાબપત્રકની ચકાસણી કરવાનું, સંસદ અને રાજ્યોની ધારાસભાઓના મતવિભાગોની રચના, પુનર્રચના વગેરે કાર્યોમાં મદદ કરવાનું.

(6) ચૂંટણી સંબંધી સંસદે પસાર કરેલા કાયદા અને ધારાધોરણોનો અમલ કરાવવાનું.

ભારત દુનિયામાં સૌથી મોટો લોકશાહી દેશ છે. ઉપખંડ જેટલા વિશાળ દેશમાં નિશ્ચિત સમયે ચૂંટણી યોજવી અને તેનાં પરિણામો સમયસર બહાર પાડવાં એ એક મોટું ભગીરથ કાર્ય છે. અત્યાર સુધીમાં 15 સામાન્ય ચૂંટણી અને રાજ્ય વિધાનસભાઓની અનેક ચૂંટણીઓ ભારતમાં યોજાઈ ચૂકી છે. પહેલી સામાન્ય ચૂંટણી(1951-52)માં 17 કરોડ, 60 લાખ જેટલા મતદારો હતા, તેમાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. 1991માં યોજાયેલ દસમી સંસદીય ચૂંટણી વખતે મતદારોનો આંકડો 52 કરોડે પહોંચી ગયો હતો. ચૂંટણી-પંચની કામગીરી વખતોવખત વિસ્તરતી રહી છે. મુક્ત અને ન્યાયી ચૂંટણીની કામગીરીમાં પંચ વધુ ને વધુ ર્દઢ અને મજબૂત બન્યું છે. ચૂંટણી માટે કડક આચારસંહિતાનું પાલન પંચ કરાવે છે. સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓ યોજીને ભારતની સામાન્ય ચૂંટણીઓને વિશ્વની વિશાળતમ (largest) ચૂંટણીઓમાં પરિવર્તિત કરવાનો યશ ચૂંટણી-પંચને ફાળે જાય છે.

ચૂંટણી-પંચે તેની કામગીરીને નવો ઓપ આપ્યો છે. ચૂંટણી-પદ્ધતિમાં કોઈ ગેરરીતિ પ્રવેશે નહીં તથા ચૂંટણી-વેળા મતગણતરીનું કાર્ય ઝડપી બને તે માટે ખાસ મતદાન-યંત્રો થકી મતદાન કરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. એ જ રીતે મતદાતાઓને છબી સાથેનાં કાયમી ચૂંટણી-ઓળખપત્રો આપીને ચૂંટણીઓમાં બોગસ મતદાન અને ગેરરીતિઓને અલ્પતમ માત્રાએ લઈ જવામાં પંચ સફળ રહ્યું છે. વર્ષ 2009 સુધીમાં પંદર સામાન્ય ચૂંટણીઓ વ્યવસ્થિત ઢબે યોજાઈ છે તે લોકશાહી અને ચૂંટણીતંત્ર બંનેની ર્દઢતાનું સૂચક છે. દિલ્હી ખાતેનું નિર્વાચન-સદન ચૂંટણી-પંચનું મુખ્ય મથક છે, જ્યાંથી રાજ્ય અને કેન્દ્ર-સરકારની ચૂંટણીઓના સંચાલનની કાર્યવહી સતત ચાલતી રહે છે.

તે રીતે ચૂંટણીમાં મતદાનનો આંક પણ ખાસ્સો ઊંચો રહે છે. અમુક ઘટકરાજ્યોની વિધાનસભાઓની કેટલીક ચૂંટણીઓના અપવાદને બાદ કરતાં કુલ મતદારોમાંથી એકંદરે 50થી 65 % (અને ક્યારેક એથીય વિશેષ) જેટલા મતદારો મતદાનમાં ભાગ લે છે. જે ભૂમિકાનો ઉલ્લેખ શરૂઆતમાં કર્યો, એ બધી ભૂમિકા ભારતમાં ચૂંટણી દરમિયાન ભજવાયેલી છે. સંઘ અને રાજ્ય-કક્ષાએ સત્તાધારી પક્ષોને વિસ્થાપિત કરીને વિપક્ષોને સત્તાસ્થાને સ્થાપિત કરવાનું કાર્ય પણ ભારતમાં ચૂંટણીએ કરી બતાવ્યું છે.

સૌ વતી નિર્ણયો લેવા અને તેનો અમલ કરવાના કાર્ય માટે પ્રતિનિધિઓની પસંદગી કરવાની એક લોકશાહી રીત તરીકે ચૂંટણી ભારતીય જાહેરજીવનનો એક અંગભૂત ભાગ બની ચૂકી છે. માત્ર રાજકારણમાં જ નહિ જાહેરજીવનનાં અન્ય ક્ષેત્રો – જેવાં કે નાણાકીય કંપનીઓ, વ્યાવસાયિક મંડળો, મજૂર-સંઘો, સહકારી મંડળીઓ, યુનિવર્સિટી જેવી શિક્ષણસંસ્થાઓ, જ્ઞાતિમંડળો, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતી ક્લબો અને સંસ્થાઓ વગેરેમાં ચૂંટણીનો લગભગ સાર્વત્રિક સ્વીકાર ભારતમાં થયો છે. ભારતીય સમાજના વિવિધ સ્તરે વિસ્તરતી લોકશાહીકરણની પ્રક્રિયામાં ચૂંટણીનો ફાળો એ ર્દષ્ટિએ ઘણો મહત્વનો છે.

દિનેશ શુક્લ

રક્ષા મ. વ્યાસ