ચૂસિયાં (bugs) : ખેતીપાકમાં રસ ચૂસીને નુકસાન કરતી જીવાત. આ જીવાતનો અર્ધપક્ષ (Hemiptera) શ્રેણીમાં સમાવેશ થયેલ છે.

(1) જુવારનાં ડૂંડાંનાં ચૂસિયાં : પૅરેગ્રીન્સ મેઇડીસના વૈજ્ઞાનિક નામથી ઓળખાતાં આ ચૂસિયાંનો ડેલ્ફેસીડી કુળમાં સમાવેશ થયેલો છે. પુખ્ત કીટક પીળાશ પડતા લીલા રંગનો અને આશરે 1 સેમી. લાંબો હોય છે. માદા ચૂસિયાં ડૂંડા પર સિગાર આકારનાં ઈંડાં મૂકે છે. આ કીટક 13થી 17 દિવસમાં સંપૂર્ણ જીવનચક્ર પૂરું કરે છે. બચ્ચાં તથા પુખ્ત કીટક દૂધિયા દાણામાંથી રસ ચૂસીને નુકસાન કરે છે, તેથી દાણા બરાબર ભરાતા નથી. આ જીવાતનો ઉપદ્રવ ચુસ્ત કણસલામાં વધુ જોવા મળે છે.

(2) ડાંગરની કંટીનાં ચૂસિયાં : ગંધી બગ તરીકે ઓળખાતાં આ ચૂસિયાંનો કોરીડી કુટુંબમાં સમાવેશ થયેલો છે. તેનો ઉપદ્રવ ડાંગર અને કેટલીક જાતનાં ઘાસ પર જોવા મળે છે. કોઈ વખત ચોળા, મકાઈ અને રાગી જેવા પાકમાં પણ જોવા મળે છે. પુખ્ત કીટક લીલાશ પડતા પીળા રંગનો અને 12 મિમી.થી વધુ લંબાઈનો હોય છે. તે લાંબા પગ ધરાવે છે. બચ્ચાં અને પુખ્ત કીટક બંને દૂધિયા દાણામાંથી રસ ચૂસે છે, પરિણામે દાણા ભરાતા નથી અને કંટી પોચી રહે છે. કંટીના દાણાનો રંગ રતાશ પડતો સૂકો થઈ જાય છે. માદા પાંદડાંની ધાર પર 10થી 20 જેટલાં તપખીરિયા રંગનાં હારબંધ ઈંડાં મૂકે છે. ઈંડા-અવસ્થા એક અઠવાડિયાની અને બચ્ચા-અવસ્થા એક પખવાડિયાની હોય છે. સમયસર નીંદામણ કરતા રહેવાથી ગંધી બગનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.

(3) તુવેરનાં ચૂસિયાં : કલેવીગ્રાલા ગીબ્બોસાના વૈજ્ઞાનિક નામથી ઓળખાતા આ કીટકનો પણ કોરીડી કુળમાં સમાવેશ થયો છે. તે તુવેર અને વાલ જેવા કઠોળ પાકમાં રસ ચૂસીને નુકસાન કરે છે. બચ્ચાં તેમજ પુખ્ત ચૂસિયાં શિંગોમાંથી રસ ચૂસે છે. પરિણામે દાણા વિકસતા નથી. પુખ્ત ચૂસિયાં 10થી 12 મિમી. લાંબાં અને લીલાશ પડતા તપખીરિયા રંગનાં હોય છે. તેના વક્ષ ઉપર બંને બાજુએ એક એક કાંટો હોય છે. પુખ્ત ચૂસિયાની માદા શિંગો ઉપર 10થી 24ના જથ્થામાં સરેરાશ 180 જેટલાં ઈંડાં મૂકે છે. ઈંડા-અવસ્થા 5થી 8 દિવસની હોય છે. બચ્ચા-અવસ્થા 20થી 32 દિવસની હોય છે. પુખ્ત ચૂસિયાં ઓછામાં ઓછા 12 દિવસ અને વધારેમાં વધારે 85 દિવસ સુધી જીવે છે.

(4) નાગરવેલનાં ચૂસિયાં : નાગરવેલ અને ઘોડવેલમાં રસ ચૂસીને નુકસાન કરતાં આ ચૂસિયાંનો કેપ્સીડી કુળમાં સમાવેશ થયેલો છે. બચ્ચાં તેમજ પુખ્ત ચૂસિયાં કુમળાં પાનમાંથી રસ ચૂસે છે. આ કીટક નસોની વચ્ચેથી ખોરાક લેતાં હોવાથી પાન ઉપર ખૂણાવાળા કાળા ડાઘા પડી જાય છે. પુખ્ત કીટક 12 મિમી. લાંબો, કાળાશ પડતો લાલ અથવા લીલાશ પડતો ભૂખરો અને કાળા માથાવાળો હોય છે. માદા વેલાના કુમળા ભાગોમાં લાંબાં, સાધારણ વળેલાં અને પીળાશ પડતા સફેદ રંગનાં ઈંડાં મૂકે છે. 8થી 16 દિવસમાં ઈંડાંનું સેવન થતાં, તેમાંથી નીકળેલાં બચ્ચાં નાની લાલ કીડી જેવાં દેખાય છે. આવાં બચ્ચાં 12થી 18 દિવસમાં પુખ્ત બને છે. તે પ્રકાશથી દૂર રહે છે અને વળેલા પાનમાં આશરો લેતાં હોય છે. તેને સહેજ અડવાથી જલદી ઊડી જાય છે.

(5) મગફળીનાં ચૂસિયાં : મગફળી તથા તલના ડોડવા અને બાજરીનાં ડૂંડાંમાંથી રસ ચૂસીને નુકસાન કરતાં આ ચૂસિયાંનો લાઇગેઇડી કુળમાં સમાવેશ થયેલો છે. આ જીવાતનાં બચ્ચાં તેમજ પુખ્ત કીટક કાચી મગફળીમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. ખળામાં તથા સંગ્રહેલી મગફળીમાં પણ ઉપદ્રવ કરે છે. પુખ્ત કીટક ઝાંખા બદામી, કાળા અથવા રાખોડી રંગનો અને લગભગ 8 મિમી. લાંબો હોય છે. ઉપર બાજુએ અંગ્રેજી ‘V’ આકારની નિશાની અને બે-ત્રણ કાળાં ટપકાં હોય છે. બચ્ચાં રંગે ગુલાબી હોય છે. માદા જમીનમાં સફેદ રંગનાં ઈંડાં મૂકે છે. આખું જીવનચક્ર લગભગ 7 અઠવાડિયાંમાં પૂરું થતું હોય છે. આ જીવાત દિવસ દરમિયાન સંતાઈ રહેતી હોવાથી ખેતરોમાં તેમજ ખળામાં કચરાની નાની નાની ઢગલીઓ મૂકી રાખીને દરરોજ જંતુઘ્ન દવાવાળા પાણીમાં ખંખેરી નાખવાથી અથવા સળગાવી દેવાથી તેનો નાશ કરી શકાય છે.

(6) રંગીન ચૂસિયાં : બાગ્રાડા ક્રુસીફેરાર્મના વૈજ્ઞાનિક નામથી ઓળખાતી આ જીવાતનો પેન્ટાટોમીડી કુળમાં સમાવેશ થયેલો છે. તે રાઈ, મૂળા, કોબીજ, નોલકોલ, મોગરી અને સરસવ જેવા પાકમાં નુકસાન કરે છે. બચ્ચાં તેમજ પુખ્ત કીટક પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. તેથી પાન પીળાં પડી જાય છે અને વૃદ્ધિ અટકી જવાથી ફૂલ અને શિંગો ઓછાં બેસે છે. કાળા રંગનાં પુખ્ત ચૂસિયાં શરીર પર લાલ તેમજ પીળાં ટપકાં ધરાવે છે. માથું નાનું, ત્રિકોણાકાર અને વક્ષને જોડેલું હોય છે. છોડનાં પાંદડાં, થડ અને ફૂલો પર માદા એકલદોકલ અથવા જથ્થામાં પીપ આકારનાં લગભગ 75 જેટલાં ઈંડાં મૂકે છે. ઈંડાંનું એક અઠવાડિયું સેવન થાય છે. બચ્ચા-અવસ્થા લગભગ 3 અઠવાડિયાંની હોય છે. વર્ષમાં 7 પેઢી થાય છે.

(7) લીલાં ચૂસિયાં : નેઝારા વીરીડ્યુલાના વૈજ્ઞાનિક નામથી ઓળખાતી આ જીવાતનો પણ પેન્ટાટોમીડી કુળમાં સમાવેશ થયેલો છે. તુવેર, મકાઈ, જુવાર, બાજરી, રાગી, કપાસ અને બટાટા જેવા પાકમાં તેનો ઉપદ્રવ જોવા મળે છે. પુખ્ત કીટક આછા લીલાશ પડતા રંગના હોય છે. માદા શિંગ અને પાંદડાની નીચેની બાજુએ પીળાશ પડતા રંગનાં ઈંડાં જથ્થામાં મૂકે છે, જેનું એક અઠવાડિયામાં સેવન થતાં બચ્ચાં બહાર આવે છે. બચ્ચાં રતાશ પડતા ભૂખરા રંગનાં અને વિવિધ રંગનાં ટપકાં ધરાવે છે. બચ્ચા-અવસ્થા લગભગ 4 અઠવાડિયાંમાં પૂર્ણ થતાં, તે પુખ્ત બને છે.

આ ચૂસિયાંને કાબૂમાં લેવા માટે ફૉસ્ફામિડોન 0.03 % અથવા મોનોક્રૉટોફૉસ 0.36 % અથવા ડાઇમીથોએટ 0.03 % અથવા નિકોટીન સલ્ફેટ 0.05 % અથવા ઍન્ડોસલ્ફાન 0.07 % પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવામાં આવે છે. નાગરવેલ જેવા પાકમાં દવા છાંટતાં પહેલાં તૈયાર પાન લઈ દવાનો છંટકાવ કર્યા બાદ 8થી 10 દિવસે પાન ઉતારવાથી આનો ઉપદ્રવ દૂર થાય છે.

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ

પરબતભાઈ ખી. બોરડ