ચુ યુઆન ચાંગ : મધ્યકાલીન ચીનના પ્રખ્યાત મિંગ રાજવંશનો સ્થાપક. મધ્યયુગમાં ચીન થોડા સમય માટે (ઈ. સ. 1280–1368) વિદેશી મૉંગોલોના તાબા નીચે રહ્યું હતું. કુબ્લાઇખાન આ મૉંગોલોનો સૌથી શક્તિશાળી શાસક હતો; પરંતુ તેમની પછીના મૉંગોલ શાસકો નિર્બળ નીવડતાં, ચુ યુઆન ચાંગે તેમની સામેના લોક-બળવાની આગેવાની લઈને તેમને દેશમાંથી હાંકી કાઢ્યા તથા તેમની જગ્યાએ પોતે સત્તાનાં સૂત્રો હાથમાં લીધાં. આ રીતે તેણે ચીનમાં ફરી વખત ચીનાઓનું શાસન સ્થાપ્યું. તે શાસક બનતાં પહેલાં બૌદ્ધ સાધુ હતો. તેણે સમ્રાટ બનીને હુંગ વુ નામ ધારણ કર્યું. તેણે સ્થાપેલો મિંગ વંશ (મિંગનો અર્થ ‘તેજસ્વી’ થાય છે. આ વંશ તેના નામ ઉપરથી ‘યુઆન’ વંશ તરીકે પણ ઓળખાય છે.) લગભગ 300 વર્ષ (ઈ. સ. 1368–1644) ચાલ્યો.

દેવેન્દ્ર ભટ્ટ